Gujarat Tableau : પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર દેખાશે ગુજરાતનું શૌર્ય, રાષ્ટ્રધ્વજની ગાથા રજૂ કરશે ઝાંખી
- 77મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાત 'વંદે માતરમ' થીમ પર રજૂ કરશે ટેબ્લો
- વિદેશમાં પ્રથમ ધ્વજ લહેરાવનાર મેડમ ભિખાઈજી કામાનું શૌર્ય થશે પ્રદર્શિત
- વર્ષ 1906 થી 1947 સુધીની રાષ્ટ્રધ્વજની બદલાતી તસવીરો જોવા મળશે
દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારા 77મા પ્રજાસત્તાક પર્વ (77th Republic Day) ની પરેડમાં આ વર્ષે ગુજરાતની ઝાંખી વિશ્વભરના લોકોનું ધ્યાન ખેંચશે. 'વંદે માતરમ' (Vande Mataram) ગીતની 150મી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત સરકારે ભારતીય રાષ્ટ્રધ્વજની ઐતિહાસિક નિર્માણયાત્રાને ટેબ્લોના માધ્યમથી જીવંત કરી છે.ગુજરાતની ઝાંખી 'વંદે માતરમ' (Vande Mataram) ગીતની 150મી વર્ષગાંઠની ઉજવણીને અનોખી રીતે રજૂ કરશે
Gujarat Tableau : મેડમ ભિખાઈજી કામા અને ક્રાંતિવીરોની ગાથા
ગુજરાતના નવસારીના પનોતા પુત્ર અને વીરાંગના મેડમ ભિખાઈજી કામા (Madam Bhikhaiji Cama) એ વર્ષ 1907માં પેરિસની ધરતી પર સૌપ્રથમ 'વંદે માતરમ' લખાયેલો ધ્વજ લહેરાવ્યો હતો. આ ટેબ્લોના અગ્રભાગમાં મેડમ કામાની પ્રતિમા સાથે શ્યામજી કૃષ્ણવર્મા (Shyamji Krishna Varma) અને સરદારસિંહ રાણા (Sardarsinh Rana) જેવા નામાંકિત ક્રાંતિવીરોની સ્મૃતિઓને પણ વણી લેવામાં આવી છે.
ગુજરાતની ઝાંખી 'વંદે માતરમ'
દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વર્ષે ગુજરાતની ઝાંખી 'વંદે માતરમ' (Vande Mataram) ગીતની 150મી વર્ષગાંઠની ઉજવણીને અનોખી રીતે રજૂ કરશે. આ ટેબ્લોના માધ્યમથી ભારતીય રાષ્ટ્રધ્વજની ઐતિહાસિક નિર્માણયાત્રા અને તેની પાછળ રહેલા ક્રાંતિકારીઓના બલિદાનને જીવંત કરવામાં આવશે. ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામા (Madam Bhikhaiji Cama) ની પ્રતિમા હશે, જેમણે 1907માં વિદેશની ધરતી પર પ્રથમવાર તિરંગો લહેરાવીને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની ગુંજ દુનિયાભરમાં ફેલાવી હતી. આ ઝાંખીમાં માત્ર ભૂતકાળનું ગૌરવ જ નહીં, પરંતુ ગાંધીજીના 'સ્વદેશી' મંત્રથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' (Atmanirbhar Bharat) સુધીની પ્રગતિનો સુભગ સમન્વય જોવા મળશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના 'કસુંબીનો રંગ' ગીતના સૂરો સાથે આ ટેબ્લો સમગ્ર દિલ્હીમાં ગુજરાતના સાહસ અને સંસ્કૃતિનો પરિચય કરાવશે.
ભવ્ય સાંસ્કૃતિક વારસો અને વિકાસની ઝલક જોવા મળશે
આ વર્ષે દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારા 77મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ભવ્ય સાંસ્કૃતિક વારસો અને વિકાસની ઝલક જોવા મળશે. આ પરેડમાં કુલ 30 ટેબ્લો (Tableaux) પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ભારતનાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખીઓ સહિત કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના 13 ટેબ્લોનો સમાવેશ થાય છે. આ ગૌરવશાળી સમારોહના મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન યુનિયનના બે અગ્રણી નેતાઓ, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયેન (Ursula von der Leyen) અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા (António Costa) ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ વર્ષની વિશેષ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડે તથા માહિતી કમિશનર કિશોર બચાણીના કુશળ નેતૃત્વ હેઠળ, અધિક નિયામક અરવિંદ પટેલ, સંયુક્ત માહિતી નિયામક ડૉ. સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક ભાવના વસાવાની ટીમે મહત્વનું યોગદાન આપ્યું છે.
રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા: 1906 થી તિરંગા સુધી
ભારતીય રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ દેશની આઝાદીની લડત જેટલો જ રોમાંચક અને પ્રેરણાદાયી છે. આ નિર્માણયાત્રાનો પ્રારંભ વર્ષ 1906 માં થયો હતો, જ્યારે કોલકાતાના પારસી બાગાનમાં પ્રથમ વખત લાલ, પીળા અને લીલા રંગના પટ્ટાવાળો અને 'વંદે માતરમ' અંકિત ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, વર્ષ 1917 માં હોમરૂલ ચળવળ દરમિયાન એની બેસન્ટ (Annie Besant) અને લોકમાન્ય તિલક (Lokmanya Tilak) દ્વારા એક નવો ધ્વજ રજૂ કરાયો, જેમાં સપ્તર્ષિ નક્ષત્ર અને યુનિયન જેકનો સમાવેશ હતો.
ધ્વજની ડિઝાઇનમાં મહત્વનો વળાંક વર્ષ 1921 માં આવ્યો, જ્યારે મછલીપટ્ટનમના યુવા ક્રાંતિવીર પીંગળી વેંકૈયા (Pingali Venkayya) એ મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ લાલ અને લીલા રંગના પટ્ટા (જે પાછળથી કેસરી, સફેદ અને લીલા થયા) અને મધ્યમાં 'ચરખા' સાથેની નવી ડિઝાઈન રજૂ કરી. વર્ષ 1931 માં આ ધ્વજમાં કેટલાક સુધારા સાથે તેને રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ મળવાની શરૂઆત થઈ. અંતે, ભારતની આઝાદીના થોડા દિવસો પૂર્વે એટલે કે 22 જુલાઈ, 1947 ના રોજ બંધારણ સભાએ ચરખાના સ્થાને 'અશોક ચક્ર' (ધર્મચક્ર) સાથેના વર્તમાન ત્રિરંગાને ભારતના સત્તાવાર રાષ્ટ્રધ્વજ તરીકે ગૌરવભેર સ્વીકૃતિ આપી.
ગાંધીજીનો ચરખો અને આત્મનિર્ભર ભારત
ટેબ્લોના અંતિમ ભાગમાં મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની ચરખા સાથેની પ્રતિમા 'સ્વદેશી'ના મંત્રને ઉજાગર કરે છે. આ ઐતિહાસિક મૂલ્યોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendrabhai Modi) ના 'આત્મનિર્ભર ભારત' (Self-reliant India) અભિયાન સાથે જોડીને આધુનિક ભારતની પ્રગતિનું નિદર્શન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani) રચિત 'કસુંબીનો રંગ' ગીતના તાલે કલાકારો આ ઝાંખીમાં પ્રાણ પૂરે છે.
આ વર્ષે પરેડમાં યુરોપિયન યુનિયનના વરિષ્ઠ નેતાઓ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. ગુજરાતના માહિતી ખાતાના અધિકારીઓ ડૉ. વિક્રાંત પાંડે (Dr. Vikrant Pandey) અને કિશોર બચાણી (Kishore Bachani) ના માર્ગદર્શનમાં આ ભવ્ય ઝાંખી તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો : Delhi Police Smart AI Glasses: દિલ્હી પોલીસના આ હાઈટેક ચશ્માથી હવે 26 જાન્યુઆરીની સુરક્ષા બનશે અભેદ્ય!


