Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં 141 તાલુકામાં માવઠું, ગામો સંપર્ક વિહોણા બન્યા
- રાજ્યમાં કમોસમી વરસાદને કહેર યથાવત
- અનેક ગામોમાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાઇ
- ભાવનગર નજીકના ગામના સરપંચે વીડિયો વાયરલ કર્યો
Gujarat Rain : રાજ્યમાં વિતેલા કેટલાય દિવસોથી કમોસમી (Gujarat Unseasonal Rain) વસરાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વિતેલા 24 કલાકમાં 141 તાલુકામાં માવઠું નોંધવામાં આવ્યું છે. અમરેલીના રાજુલા, ખાંભા, ભાવનગરના તળાજા, જાફરાબાદ અને મહુવામાં બે ઇંચથી વધુ વરસાદ પડતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તે સિવાય બીજા 15 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. અન્ય તાલુકાઓમાં અડધા ઇંચથી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
સ્થાનિકોની મુશ્કેલીઓ વધી
અમરેલીના જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાઇ છે. જાફરાબાદ પંથકમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પહલે હેવી વિજ લાઇન 60 કેવીનો થાંભલો પડી ગયો હતો. જેને પગલે 30 ગામોમાં વિજળી ડૂલ થઇ ગઇ હતી. આ સાથે જ લોર, ફરચિયા, ધોળાદ્રી સહિતના ગામોમાં પણ મેઘકહેર વરસ્યો હતો. આ પરિસ્થિતિઓના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓ વધી હતી.
ડિલિવરી અને ઇમરજન્સી સમયે મુશ્કેલી
બીજી તરફ ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પહલે નવી કામરોલ ગામનો સંપર્ક તુટ્યો હતો. અને ગામની બંને બાજુ નદી ગાંડીતુર થતા ગામ પાણી પાણી થઇ ગયું હતું. સતત વરસાદથી તળાજી નદી 24 કલાકથી બે કાંઠે વહી રહી છે. ગામની હાલત જોતા સરપંચ અશોકસિંહે વીડિયો વાયરલ કરીને તંત્ર પાસે મદદ માંગી છે. ગામ વચ્ચેથી નદીના પ્રવાહના કારણે કામ, ડિલિવરી અને ઇમરજન્સી સમયે મુશ્કેલી પડી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે સરકાર પાસે અનેક વખત બ્રિજની માંગણી કરવામાં આવ્યા છતાં કોઇ પગલાં નહીં લીધા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
મગફળીના પાથરા પાણીમાં ગરકાવ
દરમિયાન પોરબંદરના બરડા પંથકમાં રાત્રીના સમયે આભમાંથી આફત તુટી પડી હતી. બરડા પંથકમાં રાત્રીના સમયે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. 3 - 4 ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબકવાના કારણે ભારે મુશ્કેલી સર્જાઇ હતી. આ વરસાદે કુણવદર, ભેટકડી, ફટાણા, મોરાણા, રામવાવ, મજીવાણા, અડવાણા સહિતના બરડા ના ગ્રામ્ય વિસ્તારમાં આફત સર્જી હતી. વરસાદને પગલે રોડ રસ્તાઓ, વાડી અને ખેતરોમાં પાણી ભરાયા હતા. પાણીને લઇને મગફળીના પાથરા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. વરસાદે મગફળીના પાકનો સંપૂર્ણ નાશ કર્યો હતો. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઇ ગયો હતો અને જગતના તાતને રોવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો ----- Gujarat Rain Alert : રાજ્યમાં હજુ 3 દિવસ હાહાકાર મચાવશે માવઠું, હવામાન વિભાગની આગાહી