Gujarat માં ભર ઉનાળે ચોમાસાનો અહેસાસ, સાબરકાંઠા, ખેડા અને પંચમહાલ સહિત જીલ્લામાં કરા સાથે વરસાદ
- Gujarat માં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની તોફાની એન્ટ્રી!
- સાબરકાંઠાના પોશીના અને ખેડબ્રહ્મામાં વરસાદી પાણી રસ્તા પર વહ્યા
- પંચમહાલના કાલોલ અને વેજલપુરમાં વીજળીના કડાકા સાથે કરા પડ્યા
- ખેડાના ઠાસરા પંથકમાં માવઠું થતા બાજરી-જુવારના પાકને નુકસાનની ભીતિ
- બનાસકાંઠાના દાંતા અને અરવલ્લીની પહાડીઓમાં સતત બીજા દિવસે વરસાદ
- હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું
Gujarat: રાજ્યમાં કાળઝાળ ગરમી (Extreme Heat) વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો (Weather Change) આવ્યો છે. હવામાન વિભાગની આગાહી (Weather Forecast) મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસ્યો છે. આ માવઠાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોમાં તૈયાર પાકને લઈને ચિંતાના વાદળો છવાયા છે.
સાબરકાંઠા અને બનાસકાંઠામાં માવઠું
સાબરકાંઠા જિલ્લાના પોશીના અને ખેડબ્રહ્મા (Khedbrahma) પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પોશીનામાં વરસાદ એટલો તીવ્ર હતો કે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં પડ્યા હતા. બીજી તરફ, બનાસકાંઠાના દાંતા (Danta) તાલુકામાં સતત બીજા દિવસે વાતાવરણ પલટાયું હતું અને અરવલ્લીની ગિરિમાળાઓમાં માવઠું થતા માર્ગો ભીના થયા હતા.
મધ્ય Gujarat માં કરા સાથે વરસાદ
ખેડા (Kheda) જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અહીં બાજરી અને જુવાર (Bajra and Jowar) જેવા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પંચમહાલ (Panchmahal) જિલ્લાના હાલોલ અને કાલોલ પંથકમાં દિવસભરના ઉકળાટ બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. કાલોલના વેજલપુર અને દેલોલ વિસ્તારમાં કરા (Hailstorm) સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે, જેને પગલે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.
ભારતમાં પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદની આગાહી
ઉત્તર ભારતથી લઈને ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારત સુધી, દરેક ક્ષેત્રમાં અલગ અલગ સિસ્ટમો સક્રિય છે. પશ્ચિમી વિક્ષેપ, ચક્રવાતી પરિભ્રમણ અને બંગાળની ખાડીમાંથી ભેજની સંયુક્ત અસરો અસ્થિર હવામાન બનાવી રહી છે. હવામાન વિભાગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આગામી થોડા દિવસો મહત્વપૂર્ણ છે અને લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. તાપમાનમાં ઘટાડો ગરમીથી રાહત આપશે, પરંતુ જોરદાર પવન, વીજળી અને કરા પડવાની શક્યતા પણ જોખમ વધારે છે. તેથી, લોકોએ સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: 5 રાજ્યોમાં 2026માં ઘટયા Muslim MLA, બંગાળમાં 15 વર્ષમાં 59માંથી 40 થયા


