Valsad: 12મી 'ચિંતન શિબિર'નો બીજો દિવસ, કેબિનેટ સચિવ ટી. વી. સોમનાથનું વિશેષ સત્ર યોજાશે
- Valsad માં 12મી ચિંતન શિબિરનો પ્રારંભ
- દ્વિતીય દિનની શરૂઆત યોગથી થઈ
- શારીરિક, માનસિક તંદુરસ્તી,એકાગ્રતા વધારવા પર કેન્દ્રિત
- શ્રીમદ્દ રાજચંદ્રજીની પ્રતિમાના સાન્નિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ કરાયો
Valsad:રાજ્ય સરકાર દ્વારા વલસાડના ધરમપુર ખાતે યોજાયેલી ત્રણ દિવસીય 12મી 'ચિંતન શિબિર-2025'ના બીજા દિવસનો શુભારંભ શારીરિક અને માનસિક તંદુરસ્તી પર કેન્દ્રિત વિશેષ યોગસત્ર સાથે કરવામાં આવ્યો હતો. વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે આયોજિત આ શિબિરમાં ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ આજે પ્રાતઃકાળે આશ્રમના શાંત અને આધ્યાત્મિક પરિસરમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
શ્રીમદ્દ રાજચંદ્રજીની પ્રતિમા સમક્ષ યોગાભ્યાસ
વરિષ્ઠ અધિકારીઓએ શ્રીમદ્દ રાજચંદ્રજીની વિશાળ પ્રતિમાના સાન્નિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. આ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મનની એકાગ્રતા વધારવી, શાંતિ પ્રાપ્ત કરવી, તણાવ વ્યવસ્થાપન (સ્ટ્રેસ મેનેજમેન્ટ) કરવું અને આંતરિક શક્તિમાં વૃદ્ધિ કરવાનો હતો.
લાઠી સાથેના અનોખા યોગે ધ્યાન ખેંચ્યું
યોગસત્રનું સંચાલન આશ્રમના અનુભવી યોગ પ્રશિક્ષકો આત્માર્પિત અપૂર્વજી અને આત્માર્પિત માનસીજી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પરંપરાગત યોગ પદ્ધતિઓની સાથે આધુનિક ટેક્નિક્સનું સંયોજન કરીને અધિકારીઓને અભ્યાસ કરાવ્યો હતો. આ યોગસત્રનું એક મુખ્ય આકર્ષણ 'લાઠી સાથેનો યોગ અભ્યાસ' હતો. આ અનોખા અભ્યાસ દ્વારા અધિકારીઓએ શરીરની લવચીકતા (Flexibility), સંતુલન (Balance) અને કાર્યક્ષમતા (Efficiency) વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
કેબિનેટ સચિવ ટી. વી. સોમનાથનું સત્ર
યોગ બાદ ઉચ્ચસ્તરીય સત્ર યોજાશે. જેમાં ભારત સરકારના કેબિનેટ સચિવ ટી. વી. સોમનાથ ખાસ ઉપસ્થિત રહેશે તેઓ 'વર્તમાન રાષ્ટ્રીય વિકાસ'ના વિષય પર એક વિશેષ સત્ર લેશે. આ સત્રમાં કેન્દ્ર સરકારની વિકાસની દૂરંદેશી, નીતિગત નિર્ણયો અને રાષ્ટ્રીય વિકાસના લક્ષ્યો સાથે ગુજરાત કેવી રીતે સંકલન સાધી શકે તે અંગે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડશે.
આ પણ વાંચોઃ Surat: વીર નર્મદ યુનિવર્સિટીની વિદ્યાર્થિની વોશરૂમમાં AI થી ચોરી કરતા ઝડપાઇ, પછી જે થયું..!