Gujarati Top News : આજે 7 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 7 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પૂનમે મંગળા આરતી થઇ છે. મંગળવારે સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા તથા જુનાગઢમાં આજથી સાસણની જંગલ સફારીનો પ્રારંભ થયો છે. ચોમાસાના કારણે જંગલ સફારી બંધ હતી તેમજ દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણ પંથકમાં સામૂહિક આપઘાતની ઘટના બની તથા આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પૂનમે મંગળા આરતી થઇ
બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પૂનમે મંગળા આરતી થઇ છે. મંગળવારે સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. શરદ પૂનમ અંબાજી મંદિર ખાતે પૂનમ ભરવા ભક્તો દૂર દૂરથી આવ્યા છે. રેલિંગોમાં લાંબી લાંબી લાઈનો જોવા મળી છે.
અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ છે. તેમજ મંદિરને રંગબેરંગી ફુલો શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં સૌપ્રથમ સિદ્ધિવિનાયકની આરતી કરવામાં આવે છે ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવે છે. માતાજીની આરતી બાદ મહાદેવની આરતી થાય છે. તથા અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ જામ્યો છે.
જુનાગઢમાં આજથી સાસણની જંગલ સફારીનો પ્રારંભ થયો
જુનાગઢમાં આજથી સાસણની જંગલ સફારીનો પ્રારંભ થયો છે. ચોમાસાના કારણે જંગલ સફારી બંધ હતી. પ્રથમવાર 16 ઓક્ટોબરને બદલે 7 ઓક્ટોબરે સફારી શરૂ કરાઈ છે. દર વખતે ચાર માસ જંગલ સફારી બંધ રહે છે. આ વખતે 9 દિવસ વહેલી સફારી શરૂ કરી દેવાઈ છે. લીલી ઝંડી બતાવી સફારીનો પ્રારંભ કરાવ્યો છે. સાસણ ડીસીએફ મોહન રામ, સરપંચ સહિતના આગેવાનોએ પ્રવાસીઓને મોં મીઠા કરાવ્યા છે. પ્રવાસીઓની પ્રથમ ટ્રીપ જંગલમાં જવા રવાના થઈ છે. આગામી તા. 10 અને 11 ઓક્ટોબરના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણ ગીરની મુલાકાતે આવશે. સાસણની સાથે ગુજરાતના તમામ સફારી પાર્ક આજથી ખુલ્યા છે. જુનાગઢની ગિરનાર સફારી, પોરબંદરની બરડા સફારીનો પણ આજથી પ્રારંભ થયો છે. સિંહ સહિતના પ્રાણીઓ તથા જંગલનો અદભુત નજારો જોવા મળશે.
દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણ પંથકમાં સામૂહિક આપઘાતની ઘટના બની
દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણ પંથકમાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. જેમાં જામકલ્યાણપુરના લાંબા ગામે સામૂહિક આપઘાતની ઘટના બની છે. પિતાએ 3 વર્ષના પુત્ર અને 5 વર્ષની પુત્રી સાથે આપઘાત કર્યો છે. પુત્ર અને પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેર પી આપઘાત કર્યો છે. મેરામણ ચેતરીયા નામના શખ્સે બંને બાળકો સાથે આપઘાત કર્યો છે. શા માટે સામૂહિક આપઘાત કરાયો તેનું કારણ અકબંધ છે.
આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહીં થાય તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. દ્વારકાથી 940 કિ.મી અને નલિયાથી 960 કિ.મી દૂર શક્તિ વાવાઝોડું છે. આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે. સતર્કતાના ભાગ રૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. દરિયાકાંઠે 40 થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી સંદર્ભે સમીક્ષા થશે. કેન્દ્ર સરકાર સમક્ષ મગફળીના વધુ જથ્થાની ખરીદી સંદર્ભે સમીક્ષા તથા ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં પાક નુકસાની સહાય અંગે સમીક્ષા સાથે કેબિનેટની બેઠકમાં વિકાસ સપ્તાહના કાર્યક્રમો સંદર્ભે ચર્ચા થશે. વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ સંદર્ભે પણ ચર્ચા થશે. આગામી તહેવારો સંદર્ભે સરકારી કાર્યક્રમો, યોજના અમલીકરણ સંદર્ભે ચર્ચા થશે. સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે.
આ પણ વાંચો: Horoscope 7 October 2025: ગજકેસરી યોગ બનતા આ રાશિઓને થશે મોટો લાભ


