ગુજરાતનું આરોગ્ય કેન્દ્ર : અમદાવાદ Civil Hospitalની 2025માં અસાધારણ સેવા – રેકોર્ડ સિદ્ધિ
- અમદાવાદ Civil Hospital એ 2025માં 11.63 લાખ ઓપીડી દર્દીઓની સેવા પૂરી પાડી – રેકોર્ડ સિદ્ધિ
- સિવિલ હોસ્પિટલની 2025ની કામગીરી : 11.63 લાખ OPD, 1.04 લાખ IPD દર્દીઓ
- ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં સિવિલ હોસ્પિટલનું અભૂતપૂર્વ પ્રદર્શન- લાખો દર્દીઓને આપ્યું નવજીવન
- 34 લાખથી વધુ લેબ ટેસ્ટ અને 54 હજાર ઓપરેશન : સિવિલ હોસ્પિટલના 2025 આંકડા
- ગુજરાતનું આરોગ્ય કેન્દ્ર : અમદાવાદ સિવિલ હોસ્પિટલની 2025માં અસાધારણ સેવા
અમદાવાદની સિવિલ હોસ્પિટલ (આસરવા Civil Hospital) ગુજરાતની સૌથી મોટી અને વ્યસ્ત સરકારી આરોગ્ય સંસ્થાઓમાં એક છે. આ હોસ્પિટલ માત્ર એક તબીબી સુવિધા નથી, પરંતુ લાખો નાગરિકો માટે આશા અને વિશ્વાસનું કેન્દ્ર છે. વર્ષ 2025માં હોસ્પિટલે રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે, જેમાં કુલ 11,63,740 દર્દીઓએ ઓપીડી (આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ) સેવાઓનો લાભ લીધો છે. આ આંકડો હોસ્પિટલની વિશાળ ક્ષમતા અને લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
Civil Hospital સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જાહેર કર્યા આંકડા
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ વર્ષ 2025ના આંકડા જાહેર કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષ દરમિયાન 1,04,840 દર્દીઓ ઇન્ડોર (આઇપીડી) તરીકે દાખલ થયા અને સારવાર મેળવી લીધી છે. તેમણે કહ્યું, "સિવિલ હોસ્પિટલ માત્ર આંકડાઓથી નહીં, પરંતુ લાખો દર્દીઓના સ્મિત અને સંતોષથી ઓળખાય છે. અમારો ઉદ્દેશ્ય છે કે છેવાડાના વ્યક્તિને પણ અદ્યતન ટેક્નોલોજી અને માનવતાભર્યા અભિગમ સાથે શ્રેષ્ઠ સારવાર મળે. આ આંકડા અમારા તબીબો, સ્ટાફની રાત-દિવસની મહેનત અને લોકોના અતૂટ વિશ્વાસનું પરિણામ છે."
Civil Hospital નિદાન અને શસ્ત્રક્રિયામાં અગ્રેસર
હોસ્પિટલના નિદાન વિભાગે અસાધારણ કામગીરી બજાવી છે. વર્ષ 2025માં 34,10,526 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા, જે હોસ્પિટલની મજબૂત ડાયગ્નોસ્ટિક સુવિધાને દર્શાવે છે. રેડિયોલોજી વિભાગમાં 3,98,710 એક્સ-રે, 24,292 સીટી સ્કેન અને 11,910 એમઆરઆઈ તપાસ કરાઈ છે. સફળ શસ્ત્રક્રિયાઓની વાત કરીએ તો 54,868 ઓપરેશનો દ્વારા અનેક દર્દીઓને નવું જીવન મળ્યું, જ્યારે 7,800થી વધુ ડિલિવરી સુરક્ષિત રીતે કરવામાં આવી છે.
વિભાગવાર આંકડા (વર્ષ 2025)
હોસ્પિટલના મુખ્ય વિભાગોમાં દર્દીઓની સંખ્યા નીચે મુજબ છે
મેડિસિન વિભાગ: 1,52,454 ઓપીડી અને 28,865 ઇન્ડોર દર્દીઓ.
ઓર્થોપેડિક વિભાગ: 1,09,837 ઓપીડી અને 8,656 ઇન્ડોર.
ડર્મેટોલોજી (સ્કિન) વિભાગ: 1,08,667 ઓપીડી દર્દીઓ.
પીડિયાટ્રિક (બાળરોગ) વિભાગ: 84,772 ઓપીડી અને 18,328 ઇન્ડોર.
સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગ: 82,321 ઓપીડી અને 14,120 ઇન્ડોર.
સર્જરી વિભાગ: 55,707 ઓપીડી અને 18,329 ઇન્ડોર.
સુપર સ્પેશિયાલિટી વિભાગો (પીડિયાટ્રિક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, ન્યુરોસર્જરી વગેરે)માં 1,58,847 ઓપીડી અને 10,858 ઇન્ડોર દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.
એક અદ્ભુત સિદ્ધિ અને પ્રેરણા
આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલે અદ્યતન સુવિધાઓ, અનુભવી તબીબો અને સમર્પિત સ્ટાફ સાથે 'સેવા પરમો ધર્મ'ના સૂત્રને સાકાર કર્યું છે. વર્ષ 2025માં હોસ્પિટલે ન માત્ર દર્દીઓની સંખ્યામાં વધારો કર્યો, પરંતુ ગુણવત્તાયુક્ત અને નિઃશુલ્ક સારવાર આપીને રાજ્યના આરોગ્ય ક્ષેત્રમાં મજબૂતી આપી છે. આ સિદ્ધિ ગુજરાતના આરોગ્ય વિભાગ અને હોસ્પિટલના તમામ કર્મચારીઓ માટે ગૌરવની વાત છે.
આ પણ વાંચો- Deesaનું ચમત્કારિક ત્રણ મુખી હનુમાન મંદિર : 150 વર્ષ જૂની સ્વયંભૂ પ્રગટેલ મૂર્તિની અદ્ભુત કથા
અહેવાલ- સંજય જોષી, અમદાવાદ


