પ્રમુખસ્વામી મહારાજના પ્રેમમાં ડૂબ્યા 50 હજાર ભક્તો : 75 વર્ષની સેવાયાત્રાને ભાવુક અંજલી
- સાબરમતી કિનારે ભાવનાઓનું અમૃત : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રમુખવરણી અમૃત મહોત્સવનું હૃદયસ્પર્શી સમાપન
- આંબલીવાળી પોળથી અક્ષરધામ સુધીની ભાવુક યાત્રા : સાબરમતીમાં 75 ફ્લોટ્સનો હૃદયસ્પર્શી નજારો
- “પ્રમુખસ્વામીએ ભક્તિ-સેવાને જીવન બનાવ્યું” – અમિત શાહની ભાવુક અંજલી
- સાબરમતી રંગોથી અને આંસુઓથી રંગાઈ: પ્રમુખવરણી અમૃત મહોત્સવનો ઐતિહાસિક અને ભાવુક સમાપન સમારોહ
Ahmedabad : ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તેવા ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ ના મુખ્ય સમારોહનું આજે અમદાવાદના પ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્યતાથી સમાપન થયું હતું. આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ સેવાકાર્યોને શ્રેણીબદ્ધ પ્રસ્તુતિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજની સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એક એવી ક્ષણ સર્જાઈ જે હૃદયને ભીંજવી ગઈ હતી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક વડા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 75 વર્ષની અદ્વિતીય સેવાયાત્રાની ઉજવણી “પ્રમુખવરણી અમૃત મહોત્સવ”નો ભાવુક સમાપન સમારોહ યોજાયો હતો. એક સંત જેમણે જીવનભર અન્યોના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું, તેમની યાદોમાં શ્રદ્ધાળુંઓની આંખો ભીની થઈ ગઈ અને આત્મા પુલકિત થઈ ઉઠી હતી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા બી.એ.પી.એસ.ના વર્તમાન આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં લગભગ 50,000 હરિભક્તોએ એકસાથે આ અવિસ્મરણીય ક્ષણના સાક્ષી બન્યા હતા. દરેકના હૃદયમાં એક જ ભાવના હતી- પ્રમુખસ્વામી મહારાજના પ્રેમ અને સેવાના અમર સંસ્મરણો.
આંબલીવાળી પોળથી અક્ષરધામ સુધીની હૃદયસ્પર્શી યાત્રા
સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્સવની ભવ્ય ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બી.એ.પી.એસ.ના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને 1950માં અમદાવાદમાં આંબલીવાળી પોળ ખાતે બી.એ.પી.એસ.નાઆજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કર્યાને 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી.
સ્ટેજની ડિઝાઇન જ તેમના જીવનની ભાવુક કથા કહી રહી હતી – એક તરફ 1950માં અમદાવાદની આંબલીવાળી પોળમાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રમુખ તરીકે નિયુક્ત થતા યુવાન નારાયણસ્વરૂપદાસ (પ્રમુખસ્વામી મહારાજ)નું પ્રતીકાત્મક સ્વરૂપ, જ્યાં તેમણે વાસણ ધોઈને સેવાની શરૂઆત કરી હતી. બીજી તરફ દિલ્હી અક્ષરધામનું વિશાલ પ્રતિકૃતિ – જે તેમની દિવ્ય દૃષ્ટિ અને અથાક પુરુષાર્થનું પરિણામ છે. આ બંને વચ્ચેનું અંતર એ જ તેમના 75 વર્ષની નિસ્વાર્થ સેવાની હૃદયસ્પર્શી કથા હતી, જેમાં તેમણે જાતિ, સંપ્રદાય કે પૃષ્ઠભૂમિના ભેદ વિના અનેક જીવનોને પ્રેમથી બાંધ્યા હતા.
સાંજે 5.45૫ વાગ્યે, ભારત સરકારના માનનીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીનું કાર્યક્રમ સ્થળે આગમન થયું હતું. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પરિચયાત્મક વીડિયો અને બી.એ.પી.એસ. યુવકોના ભાવભર્યા નૃત્યથી થઈ, જેમાં દરેક પગલું પ્રમુખસ્વામી મહારાજના પ્રેમને સમર્પિત હતું. ત્યારબાદ ચાર મુખ્ય ગુણો પર આધારિત શ્રેણીબદ્ધ પ્રસ્તુતિઓ રજૂ થઈ, જેમાં દરેક વીડિયો અને વક્તવ્ય હૃદયને ભેદી ગયું હતુ.
નિઃસ્વાર્થ સેવા – વીડિયોમાં દેશ-વિદેશમાં આપત્તિ સમયે બી.એ.પી.એસ.ની માનવતા સેવા અને પ્રમુખસ્વામી મહારાજના હાથે વાસણ ધોયાના પ્રસંગે દર્શકોની આંખો ભીની થઈ ગઈ. એ સેવા જેમણે અસંખ્ય જીવનોને આશીર્વાદ આપ્યા.
અહં-શૂન્યતા – ક્યારેય પોતાનો ડંકો ન વગાડનાર સંતની હૃદયસ્પર્શી વાતો, જેમાં તેમની નમ્રતા દર્શાવતા પ્રસંગોએ દરેકને વિચારમાં મૂકી દીધા.
અચળ શ્રદ્ધા – ભગવાન અને ગુરુ પરનો અવિચળ વિશ્વાસ, જેમણે તેમને વિશ્વવ્યાપી સંસ્થા બનાવવા પ્રેરિત કર્યા.
નિષ્ઠા-વફાદારી – ગુરુહરિના આદેશને જીવનનો ધર્મ બનાવનાર સંતની કથા, જેમાં તેમની વફાદારીના પ્રસંગોએ હૃદયને ભાવવિભોર કરી દીધું.
અમિતભાઈ શાહના ભાવુક શબ્દો અને સંસ્મરણો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં કહ્યું: “ “પ્રમુખવરણી અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેવું મારું સૌભાગ્ય. પ્રમુખસ્વામી મહારાજે ભક્તિ અને સેવાને એકબીજા સાથે જોડી દીધા. આપણાં સનાતન ધર્મની સંતસંસ્થાને પ્રમુખસ્વામી મહારાજે પુનર્જીવિત કરી. સનાતન ધર્મ અને સમાજ માટે સંકટના સમયમાં પ્રમુખસ્વામી મહારાજ માર્ગદર્શક બન્યા. પ્રમુખસ્વામી મહારાજનું કાર્ય દેશના સૌ સંપ્રદાયો માટે અનુકરણીય છે.”.
સાબરમતી નદીમાં 75 અલંકૃત ફ્લોટ્સનો હૃદયસ્પર્શી નજારો
કાર્યક્રમની બીજી મોટી આકર્ષણ સાબરમતી નદીમાં તરતા 75 અલંકૃત ફ્લોટ્સ હતા. પ્રમુખસ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજની વિશાલ છબીઓ સાથે રામાયણ, ભગવદગીતા, શ્રીમદ્ભાગવત અને વચનામૃતમાં વર્ણવેલ સંતલક્ષણોનું જીવંત ચિત્રણ કરતા ફ્લોટ્સ જોઈ લોકોની આંખોમાં આંસુ અને હૃદયમાં ભક્તિનું અમૃત વહેવા લાગ્યું. આ ફ્લોટ્સ 9 ડિસેમ્બર સુધી અટલ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે દર્શન માટે ખુલ્લા રહેશે, જેમાં દરેક ફ્લોટ તેમના પ્રેમની યાદ અપાવશે.
50,000 હરિભક્તો સાથે આરતી, નૃત્યાંજલિ અને આતશબાજીનું ભાવુક મિલન
સમારોહના અંતે પૂજ્ય મહંત સ્વામી મહારાજ, મહાનુભાવો અને 50,000 ભક્તોએ એકસાથે આરતી ઉતારી તે વખતની ક્ષણે દરેકના હૃદયને એક તાલમાં ધબકતું કરી મૂક્યું હતું. બાળકો-કિશોરો-યુવાનોની નૃત્યાંજલિમાં તેમના પ્રેમની અભિવ્યક્તિ હતી. ભવ્ય આતશબાજીથી આકાશ રંગોથી રંગાઈ ઉઠ્યું ત્યારે “પ્રમુખ વરણી અમૃત મહોત્સવ કી જય”ના નાદથી વાતાવરણ ભાવવિભોર થઈ ગયું. એક સંત જેમણે જીવનભર પ્રેમ વહેંચ્યો તેમની યાદોમાં દરેકનું હૃદય ભરાઈ આવ્યું.
આ ત્રણ મહિનાની તૈયારીમાં 7000થી વધુ સ્વયંસેવકોએ દિવસ-રાત એક કરી દીધા હતા, જેમાં તેમના પ્રેમ અને ભક્તિની અભિવ્યક્તિ હતી. અમદાવાદના 45000થી વધુ ભક્તો બસો દ્વારા આવ્યા હતા, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સહયોગ મળ્યો હતો. લાખો ભક્તોએ live.baps.org અને આસ્થા ભજન ચેનલ દ્વારા આ કાર્યક્રમનું લાઇવ દર્શન કર્યું.
આજનો દિવસ એક સંતની નમ્રતા, નિસ્વાર્થતા અને સેવાના સંદેશને ફરી એકવાર વિશ્વ સમક્ષ મૂકી ગયો – એ સંદેશ જે હૃદયને હંમેશા પ્રેરિત કરશે અને પ્રેમનું અમૃત વહેતું રાખશે.
આ પણ વાંચો- Ahmedabad : વસ્ત્રાપુર તળાવનું અમિતભાઈ શાહે કર્યું ઉદ્ઘાટન


