Bhavnagar Rain : નદીમાં કાર તણાયાનો LIVE વીડિયો, ગ્રામ્ય પંથકના ખેતરોમાં પાણી ફરી વળ્યા
- ભાવનગરમાં પાલિતાણામાં રજાવળ નદી બે કાંઠે
- રંડોળા ગામે નદીમાં કાર તણાઈ
- કાર તણાયાનો LIVE વીડિયો આવ્યો સામે
- કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ
ભાવનગરના પાલીતાણા તાલુકાના રંડોળા ગામની રજાવળ નદી બે કાંઠે થતા નદીમાં કાર તણાઈ હતી. જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. જો કે કામરની અંદર સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. કાર કાગળના પત્તાની જેમ તણાઈ હતી. ગઈ કાલ સાંજના 6 અને 20 મિનિટ આસપાસ કાર રજાવળ નદીમાં તણાઈ ગઈ હતી. પાલીતાણા તાલુકામાં આજે 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા.
પાણીના ધસમસતા પ્રવાહમાં પાંચ લોકો ફસાયા હતા
સિહોરના મગલાણા ગામના સોલાર પ્લાન્ટમાં કામ કરતા 5 લોકો પાણીના પ્રવાહમાં ફસાય હતા. મગલાણી નદીમાં ભારે પુર આવતા ફસાયેલા 5 લોકોને બચાવવા સ્થાનિક તરવૈયાઓ પાણીમાં ઉતર્યા હતા. પરંતુ પાણીનો પ્રવાહ વધી જતાં બચાવ કામગીરી માટે ગયેલા 3 તરવૈયાઓ જ ફસાઇ ગયા હતા. ઘટનાને પગલે સિહોર પોલીસ મથકના પીઆઇ બી.ડી.જાડેજા તરવૈયાઓ ને બચાવવા દોરડું બાંધી પાણીમાં કૂદી પડ્યા હતા. પાણીની ઊંડાઇ 6 ફૂટ કરતા વધારે હોવા છતાં પીઆઈ જાડેજા એ પોતાની પરવા કર્યા વગર પાણીમાં ઉતરી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી હાલ ત્રણે તરવૈયાઓ ની રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. જોકે હજુપણ 5 જેટલા લોકો પાણીમાં ફસાયા છે, જોકે તમામ સુરક્ષિત હોવાની જાણકારી ઉપલબ્ધ થઈ છે.ફસાયેલા લોકોને બચાવવા હાલ વહીવટી તંત્ર દ્વારા બોટ મંગાવવા કામગીરી હાથ ધરી છે.
ભાવનગરના વલ્લભીપુરનું થાપનાથ ગામ બેટમાં
ભાવનગર વલભીપુર તાલુકાના થાપનાથ ગામની અંદર કાળુભાર નદીનું પાણી આવી જતા 60 લોકો ફસાયા છે. વલભીપુર મામલતદાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે વડોદરા થી એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે. થાપનાથ ગામની અંદર કાળુભાર નદીનું પાણી આવી જતા ગામ આખુંબેટમાં ફેરવાઈ ગયું છે. હાલ ફસાયેલા ગ્રામજનોએ મંદિર અને ઉચાણ વાળા મકાનમાં આશરો લીધો છે. સ્થાનિક પ્રશાસન પણ મદદ માટે પ્રયાસ કરી રહ્યું છે પરંતુ ગામની અંદર પહોંચી શકાય તેવી પરિસ્થિતિ નથી કારણ કે ચારે તરફ વરસાદના પાણી ફરી વળ્યા છે.
પાલીતાણા પંથકના ખેડૂતોને પડ્યા પર પાટુ
ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકના ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય પંથકના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. પાલીતાણાના ગુંદરખા, પીપરડી, ભાદાવાવ સહિત પંથકમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં રહેલ જણસ પાકો ધોવાઈ જવા પામ્યા હતા. મહામહેનતે પકવાયેલા જુવાર, બાજરી, મકાઈ સહિતના પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. એક માસની મહેતન કર્યા બાદ ખેડૂતોને મોં માં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો હતો.
મહુવામાં સિઝનના પહેલા વરસાદે ભુક્કા કાઢ્યા
મહુવામાં સિઝનના પહેલા વરસાદે ભુક્કા કાઢ્યા હતા. ગઈકાલે 9.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે ખેડૂતોની જીવાદોરી સમાન ત્રણેય ડેમ પહેલા વરસાદમાં ઓવરફ્લો થયા હતા. માલણ, બગડ, રોજકી આ ત્રણેય ડેમ ઓવરફ્લો થયા હતા. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીની અરસપરસ ના જવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Gujarat Rain: આગામી 36 કલાકમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી