Hydrogen Train : ભારતીય રેલવે માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. આજે શુક્રવારે હરિયાણાના જીંદમાં PM નરેન્દ્રભાઈ મોદીએ દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચેના રુટ પર મુસાફરી કરશે. જે ભારતના રેલવે ઈતિહાસમાં એક માઈલસ્ટોન સાબિત થઈ રહ્યો છે.
Hydrogen Train : PM મોદીએ હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી
ઉલ્લેખનીય છે કે PM મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતુ કે આ કોઈ સામાન્ય ટ્રેન નથી, પરંતુ વિશ્વની સૌથી શક્તિશાળી અને લાંબી હાઈડ્રોજન ટ્રેન છે. સામાન્ય રીતે અન્ય દેશોમાં હાઈડ્રોજન ટ્રેન 3-4 કોચની હોય છે, જ્યારે ભારતની આ ટ્રેન 10 કોચ અને 3,200 હોર્સપાવર (Horsepower) ની ક્ષમતા ધરાવે છે. આ ટ્રેન જીંદથી સોનીપત વચ્ચેનું 89 કિલોમીટરનું અંતર 12 સ્ટેશનો પર રોકાઈને લગભગ બે કલાકમાં પૂર્ણ કરશે.
સ્વદેશી ટેકનોલોજી અને પર્યાવરણને અનુકૂળ મુસાફરી
આ ટ્રેન સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. તે 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાર્થક કરે છે. હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર આધારિત આ ટ્રેન હવામાંથી ઓક્સિજન અને હાઈડ્રોજન મેળવીને વીજળી ઉત્પન્ન કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્રક્રિયામાં કોઈ પણ હાનિકારક પ્રદૂષકોનું ઉત્સર્જન થતું નથી, જે તેને ગ્રીન એનર્જીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનાવે છે.
જાણો ટ્રેનની શું છે ખાસિયત
ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચેનું 89 કિલોમીટરનું અંતર લગભગ બે કલાકમાં કાપશે, 12 સ્ટેશનો પર રોકાશે. રેલ્વે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ 10 કોચવાળી ટ્રેન 1,200 કિલોવોટની હાઇડ્રોજન ફ્યુઅલ-સેલ પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત હશે. ટ્રેનની મહત્તમ ગતિ 75 કિલોમીટર પ્રતિ કલાક હશે.
સરળ શબ્દોમાં કહીએ તો, હાઇડ્રોજન ફ્યુઅલ-સેલ પ્રોપલ્શન સિસ્ટમ ફ્યુઅલ સેલની અંદર હવામાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનને જોડીને વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળી ટ્રેનના મોટર્સને શક્તિ આપે છે. હાઇડ્રોજન ફ્યુઅલ-સેલ ટ્રેન મૂળભૂત રીતે એક ઇલેક્ટ્રિક ટ્રેન છે જે ટ્રેનની અંદર પોતાની વીજળી ઉત્પન્ન કરે છે.
હાઇડ્રોજનને સ્વચ્છ ઇંધણ માનવામાં આવે છે કારણ કે તેનું દહન કોઈપણ હાનિકારક પ્રદૂષકોનું ઉત્સર્જન કરતું નથી. ભારતના ઉર્જા સંક્રમણ માટે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનોની રજૂઆત મહત્વપૂર્ણ છે, કારણ કે તે સ્વચ્છ અને ઓછા ઉત્સર્જન પરિવહન તરફ એક પગલું દર્શાવે છે.
આ પણ વાંચો : Sonam Wangchuk Hunger Strike : આમિર ખાને સોનમ વાંગચુક માટે વ્યક્ત કરી ચિંતા, "આશા છે કે, ભૂખ હડતાળનો અંત લાવશે"