velentine special: કોરોનાની કટોકટી વચ્ચે પતિને લિવરનું દાન કરી સાચા અર્થમાં પ્રેમની સુગંધ ફેલાવી
velentine special: પ્રેમીઓનો તહેવાર એટલે વેલેન્ટાઇન ડે (velentine day). આ દિવસે પોતાના પ્રિય પાત્રને ગુલાબ કે ગિફ્ટ આપી પ્રેમની અભિવ્યક્તિ થાય છે. જોકે, સોશિયલ મીડિયાના જમાનામાં પ્રેમની પરિભાષા જ બદલાઈ ગઈ છે.
પ્રેમ એટલે પવિત્રતા, સમર્પણ, બલિદાનની ભાવના વ્યક્ત કરતો મધુર સંબંધ
પ્રેમમાં દેખાડાઓ સાથે સ્વાર્થીપણું, લોભ, લાલચ અને સૌથી ઊપર વાસના હાવી છે. એ હકીકત ભૂલાઈ રહી છે કે, પ્રેમ એટલે પવિત્રતા, સમર્પણ, બલિદાનની ભાવના વ્યક્ત કરતો મધુર સંબંધ.જોકે, ડેટિંગ ચેટિંગની ડિજિટલ દુનિયામાં પણ ક્યાંક ક્યાંક પ્રેમમાં બલિદાન- સમર્પણના જુજ કિસ્સા પ્રેમને ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે. આજે વેલેન્ટાઈન ડે પર જાણો અડાજણ વિસ્તારના અંજીરવાલા દંપતીનો આવો જ એક કિસ્સો જે પ્રેમને તેના સર્વોચ્ચ સ્થાન પર મૂકે છે. આઇટી ફિલ્ડ સાથે સંકળાયેલા ૪૧ વર્ષીય શિરેન અંજીરવાલાએ વર્ષ ૨૦૦૭માં ફોરમ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
કપરા કોરોના કાળે આ પરિવારની અગ્નિપરીક્ષા લીધી
પરિવારમાં બધું આનંદ- મંગળથી ચાલી રહ્યું હતું ત્યારે કપરા કોરોના કાળે આ પરિવારની અગ્નિપરીક્ષા લીધી.ડિસેમ્બર ૨૦૨૦ માં કોરોનાની કટોકટી વચ્ચે શિરેનની તબિયત લથડી મેડિકલ ટેસ્ટ કરાવ્યા તો ખબર પડી કે શિરેનને લિવર સીરોસીસ નામની ગંભીર બીમારી છે. તબીબે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની વાત કરી તો પરિવારના પગ તળેથી જાણે જમીન જ ખસી ગઈ. લિવર મેળવવા ભારે હૈયે રજિસ્ટ્રેશન કરાવ્યું તો પણ રાહ આસાન ન હતી. લાંબુ લચક વેટિંગ અને સામે શિરેનની જિંદગી સામે જોખમ ઊભું હતું. કોરોનાની અરાજકતા વચ્ચે ડોક્ટરે લાઇફ ડોનરની વાત કરતા જ ફોરમ પતિને લિવર આપવા તૈયાર થઈ ગઈ હતી.
હૂંફ-હિંમત સાથે ફોરમે પતિ માટે આ બહાદુરીભર્યો નિર્ણય લીધો
તબીબોના માર્ગદર્શન અને પરિવારની હૂંફ-હિંમત સાથે ફોરમે પતિ માટે આ બહાદુરીભર્યો નિર્ણય લીધો તો સૌના હૈયા ભરાઈ ગયા કુદરતે પણ ફોરમની લાગણીનો જાણે સાથ આપ્યો હોય તેમ ફોરમ વિવિધ મેડિકલ ટેસ્ટ સાથે જીવનની આ અદભૂત પરિક્ષામાં પાસ થઈ. જૂન ૨૦૨૧એ દિવસ હતો જ્યારે મુંબઇની હોસ્પિટલ માં લિવર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પડી. ફોરમે ૭૦ ટકા લિવર પતિ શિરેનને દાન કર્યુ હતું અને પખવાડિયા બાદ બંને સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચર્જ અપાયો હતો.
ખરા અર્થમાં પ્રેમસંબંધની પવિત્રતાને સાર્થક કરે છે
આ ઘટનાને આજે અઢી વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો છે, શિરેન અને ફોરમ તંદુરસ્ત જીવન તો જીવી રહ્યા છે પણ સાથોસાથ તેમનો પ્રેમ પણ વધુ ગાઢ થયો છે. ફોરમ અને શિરેનનો આ કિસ્સો પરિચિતોમાં એ રીતે જ જોવાઈ રહ્યો છે કે એ ખરા અર્થમાં પ્રેમસંબંધની પવિત્રતાને સાર્થક કરે છે.
આ પણ વાંચો - એક વિકલાંગ યુવાને સામાન્ય યુવતીનો પ્રેમ ઠુકરાવી પોતાના જેવી જ વિકલાંગ યુવતીને પસંદ કરી!