IND vs AFG : ટીમ ઈન્ડિયાએ મેળવી ધમાકેદાર જીત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું
ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ કપની શરૂઆત ખૂબ જ સારી રહી છે. ઓસ્ટ્રેલિયા પછી ટીમ ઈન્ડિયાએ આજે અફઘાનિસ્તાનની ટીમને પણ હરાવ્યું છે. મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાન ટીમે 272 રન બનાવ્યા હતા. 273 રનના મળેલા લક્ષ્યને ટીમ ઈન્ડિયાએ આસાનીથી હાંસિલ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાએ 35 ઓવરમાં જ મેળવી જીત
વર્લ્ડ કપ 2023 ની દસમી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું છે. આ જીત સાથે ભારતે વર્લ્ડ કપમાં બેક ટુ બેક મેચ જીતી લીધી છે. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદારની ઇનિંગ રમી છે. રોહિતે માત્ર 84 બોલમાં 131 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય વિરાટ કોહલીએ પણ શાનદાર ઇનિંગ રમી છે. ભારતે આ મેચ 8 વિકેટે જીતી લીધી છે. જ્યારે અફઘાનિસ્તાન બંને મેચમાં હારી ગયું છે. રોહિતે આ મેચમાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. જણાવી દઇએ કે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં એવું લાગતું હતું કે અફઘાનિસ્તાને સાચો નિર્ણય લીધો છે, કારણ કે ભારત જેવી મજબૂત બોલિંગ સામે અફઘાનિસ્તાને 50 ઓવરની રમત બાદ 272 રન બનાવ્યા અને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો. જોકે, ભારતની બેટિંગ અને તેમા પણ ખાસ રોહિત શર્માની ઇનિંગે સાબિત કરી દીધુ કે અફઘાનિસ્તાનનો આ નિર્ણય તેમને જ ભારે પડ્યો છે.
India march to their second successive win off the back of a dominant display in Delhi 💪#CWC23 #INDvAFG pic.twitter.com/zZdVDmmCEU
— ICC (@ICC) October 11, 2023
અફઘાનિસ્તાનની ઈનિંગ
પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 88 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 80 રનની અડધી સદી ફટકારી હતી. હશમતુલ્લા ઓમરઝાઈએ 69 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 62 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. અઝમતુલ્લાહ અને હશમતુલ્લાએ 121 (128) રન ઉમેર્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુર એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
ટીમ ઈન્ડિયાની ઈનિંગ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 35 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 273 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 84 બોલમાં 14 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 131 રનની સદીની ઇનિંગ રમી હતી. તેણે આ સદી 63 બોલમાં ફટકારી હતી. વિરાટ કોહલીએ 56 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 55 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. જ્યારે ઈશાન કિશને 47 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 રનની ઈનિંગ રમી હતી. રોહિતે તેની સાથે પ્રથમ વિકેટ માટે 156 (112) રનની શાનદાર ભાગીદારી કરી હતી. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો - WORLD CUP 2023 : હૈદરાબાદના સ્ટેડિયમમાં લોકોએ પાકિસ્તાનના સમર્થનમાં લગાવ્યા નારા, વિડીયો થયો ભારે વાયરલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


