India Australia Agreement : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યારે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ વચ્ચેની મુલાકાત ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોમાં એક નવો વળાંક લઈને આવી છે. બંને નેતાઓએ સંરક્ષણ, સાયબર ટેકનોલોજી અને પરમાણુ ઊર્જા જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે. આ ભાગીદારી ચીન અને પાકિસ્તાન જેવા દેશો માટે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક પડકાર સમાન છે.
સંરક્ષણ અને સુરક્ષા સહયોગને નવી તાકાત મળી
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે જણાવ્યું કે બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પર સંયુક્ત ઘોષણાપત્ર જારી કર્યું છે, જે તેમની વ્યવહારિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. તેમણે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા ભારતને ટોચના સુરક્ષા ભાગીદાર તરીકે જુએ છે અને બંને દેશો શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે પ્રતિબદ્ધ છે.
બંને દેશો વ્યૂહાત્મક સંકલન વધારવા, સંરક્ષણ કવાયતોને વધુ જટિલ બનાવવા અને બંને સૈન્ય વચ્ચે આંતર-કાર્યક્ષમતાને મજબૂત કરવા સંમત થયા. ભારત-પ્રશાંત ક્ષેત્રને લગતા સંરક્ષણ બાબતો પર નિયમિત પરામર્શ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ સંયુક્ત દરિયાઈ સુરક્ષા સહયોગ રોડમેપને મંજૂરી આપી. સાયબર સુરક્ષા, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને સપ્લાય ચેઈનને મજબૂત બનાવવા માટે ઓસ્ટ્રેલિયા-ભારત ભાગીદારી પર પણ સંમતિ સધાઈ છે.
અવકાશ વિજ્ઞાન અને ગગનયાન મિશન
ભારતના અત્યંત મહત્વાકાંક્ષી 'ગગનયાન'ને સફળ બનાવવા માટે ઓસ્ટ્રેલિયા હવે ટેકનિકલ સાથી બન્યું છે. કોકોસ ટાપુઓ પર એક ખાસ સ્પેસ ટ્રેકિંગ ટર્મિનલ સ્થાપિત કરવામાં આવશે, જે ભારતીય અવકાશ મિશનને મહત્ત્વપૂર્ણ ડેટા સપોર્ટ પૂરો પાડશે.
સ્વચ્છ ઉર્જા અને યુરેનિયમ કરાર
2015ના પરમાણુ સહયોગ કરારને વધુ મજબૂત બનાવતા, બંને દેશોએ યુરેનિયમ નિકાસ માટેની વ્યવસ્થાઓને વધુ સરળ બનાવી છે. આનાથી ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યાંકોને વેગ મળશે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે આર્થિક સહયોગ અને વેપાર કરાર બાદ હવે બંને દેશો વ્યાપક આર્થિક સહયોગ કરાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
આ પણ વાંચો : US Attack on Iran : ઈરાન પર અમેરિકાનો વિનાશક પ્રહાર ! રેલવે પુલ અને પાવર ગ્રીડને બનાવ્યા નિશાન