India Vs SA ODI : સાઉથ આફ્રિકા સામે ભારતની શાનદાર જીત, કિંગ કોહલીએ ઇતિહાસ સર્જ્યો
- ODI માં સાઉથ આફ્રિકા સામે ભારતની શાનદાર જીત
- દક્ષિણ આફ્રીકાની ટીમને ઓલઆઉટ કરી
- વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
India Win ODI Against SA : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI શ્રેણીની પહેલી મેચ 30 નવેમ્બરના રોજ રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું છે. પહેલા બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલીની શાનદાર સદીને કારણે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા છે. સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 49.2 ઓવરમાં 332 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ જીત સાથે, ટીમ ઈન્ડિયાએ હવે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ જોરદાર સદી ફટકારી
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત માટે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ઇનિંગની શરૂઆત કરી હતી. જયસ્વાલ સારા ફોર્મમાં દેખાતા હતા, પરંતુ 16 બોલમાં 18 રન બનાવીને આઉટ થયા હતા, જેમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. જયસ્વાલના આઉટ થયા પછી, વિરાટ કોહલી ત્રીજા નંબરે આવ્યો અને રોહિતને સારો સાથ આપ્યો હતો. રોહિત અને વિરાટે બીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી. રોહિત 51 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં તેણે પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતો. ત્યારબાદ વિરાટે કેએલ રાહુલ સાથે પાંચમી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી, જે દરમિયાન વિરાટે તેની 52 મી વનડે સદી પૂરી કરી હતી. તેણે 102 બોલમાં પોતાની સદી પૂરી કરી અને અંતે 120 બોલમાં સાત છગ્ગા અને 11 ચોગ્ગા ફટકારીને 135 રન બનાવીને આઉટ થયો. કેએલ રાહુલે પણ મેચમાં 60 રન બનાવ્યા હતા.
જેન્સન અને બ્રિટ્ઝકેની ઇનિંગ્સ મદદ કરી શકી નહીં
350 રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. હર્ષિત રાણાએ બીજી ઓવરમાં બે વાર સ્ટ્રાઇક કરીને રાયન રિકેલ્ટન અને ક્વિન્ટન ડી કોક બંનેને એક જ ઓવરમાં શૂન્ય આઉટ કર્યા હતા. સ્ટેન્ડ-ઇન કેપ્ટન એડન માર્કરામ પણ માત્ર સાત રન બનાવીને આઉટ થયા હતા. આ પછી, ટોની ડી જ્યોર્ગી અને મેથ્યુ બ્રિટ્ઝકે વચ્ચે ચોથી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઈ હતી. ટોની ડી જ્યોર્જીએ 35 બોલમાં 39 રન અને ડેવાલ્ડ બ્રેવિસે 28 બોલમાં 37 રન બનાવ્યા હતા. આ મેચમાં દક્ષિણ આફ્રિકા તરફથી બ્રિટ્ઝકેએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમણે 80 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી. માર્કો જેન્સને 39 બોલમાં 70 રનની તોફાની ઇનિંગ રમી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે આ મેચમાં 4 વિકેટ લીધી, જ્યારે હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો ------ ક્રિકેટના મેદાનમાં ચાહક દોડીને કિંગ કોહલી પાસે આવીને પગે પડી ગયો