India vs England 5th T20: ઇંગ્લેન્ડ સામે ભારતનો 150 રનથી વિજય, ટીમ ઈન્ડિયાએ 4-1 થી સિરીઝ જીતી
- T20ની પાંચમી મેચ સિરીઝ ભારતે 4-1થી જીતી લીધી
- અભિષેક શર્માની સદીની મદદથી ભારતે 247 રન બનાવ્યા
- ઇંગ્લેન્ડની ટીમ 10.3 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ
ભારતે પાંચમી T20 મેચમાં ઇંગ્લેન્ડને 150 રનના મોટા માર્જિનથી હરાવ્યું છે. ભારતે સિરીઝ પણ 4-1થી જીતી લીધી છે. ઇંગ્લેન્ડે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. અભિષેક શર્માની સદીની મદદથી ભારતે 9 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા. જવાબમાં, ઇંગ્લેન્ડની ટીમ 10.3 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
અભિષેકે 135 રન બનાવ્યા, જે ટીમ ઇંન્ડિયાના ખેલાડી દ્વારા T20 માં સૌથી વધુ રનનો સ્કોર છે. તેણે બોલિંગ કરીને 2 વિકેટ લીધી. મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી. શિવમ દુબે અને વરુણ ચક્રવર્તીએ પણ 2-2 વિકેટ લીધી. ઇંગ્લેન્ડ તરફથી ફિલ સોલ્ટે 55 રન બનાવ્યા, જ્યારે બ્રાયડન કાર્સે 3 વિકેટ લીધી.
248 રનના મોટા ટાર્ગેટનો સામનો કરતી વખતે, ઇંગ્લેન્ડ ટીમ ફક્ત 10.3 ઓવર સુધી જ બેટિંગ કરી શકી. ટીમે 97 રનના સ્કોરે તેની 10 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ તરફથી ફિલ સોલ્ટે 55 રન બનાવ્યા, બાકીના બેટર્સ મળીને ફક્ત 41 રન જ બનાવી શક્યા. 3 રન એક્સ્ટ્રામાંથી આવ્યા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી. અભિષેક શર્મા, શિવમ દુબે અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી. રવિ બિશ્નોઈએ 1 વિકેટ લીધી.
મોહમ્મદ શમીએ સતત 2 વિકેટ લીધી
11મી ઓવરમાં મોહમ્મદ શમી બોલિંગ કરવા આવ્યો. તેણે બીજા બોલ પર આદિલ રાશિદને આઉટ કર્યો અને ત્રીજા બોલ પર માર્ક વુડને કેચ અપાવ્યો. બંને કેચ વિકેટકીપર ધ્રુવ જુરેલે લીધા હતા. શમીએ બેન ડકેટને પણ પેવેલિયન મોકલ્યો. તેણે 2.3 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી.
ઇંગ્લેન્ડની આઠમી વિકેટ પડી, દુબેને બીજી વિકેટ મળી
ઇંગ્લેન્ડે 10મી ઓવરના પહેલા બોલ પર પોતાની આઠમી વિકેટ ગુમાવી દીધી. શિવમ દુબેએ જેકબ બેથેલને બોલ્ડ કર્યો. બેથેલ 7 બોલમાં ફક્ત 10 રન બનાવી શક્યો. દુબેએ ફિલ સોલ્ટને પણ પેવેલિયન મોકલ્યો.
અભિષેક શર્માએ એક જ ઓવરમાં 2 વિકેટ લીધી
અભિષેક શર્મા નવમી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો. તેણે પહેલા જ બોલ પર બ્રાયડન કાર્સેને કેચ આઉટ કરાવ્યો. પછી પાંચમા બોલ પર, જેમી ઓવરટનને પણ પેવેલિયન મોકલ્યો. કાર્સ ફક્ત 3 રન બનાવી શક્યા. જ્યારે ઓવરટને 1 રન બનાવ્યા હતા.
દુબેને પહેલા જ બોલે સોલ્ટ આઉટની વિકેટ મળી
શિવમ દુબે આઠમી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો. તેણે ફિલ સોલ્ટ, જેણે ફિફ્ટી ફટકારી હતી, તેને પહેલા જ બોલ પર કેચ આઉટ કરાવ્યો. સોલ્ટે 23 બોલમાં 55 રન બનાવ્યા. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.
આ પણ વાંચો: IND vs ENG: અભિષેક શર્માની ધમાકેદાર બેટિંગ, 37 બોલમાં 10 સિક્સ મારી સદી ફટકારી