ભારત અવકાશમાં 'બાહુબલી' બન્યું, શ્રીહરિકોટાથી કોમ્યુનિકેશન સેટેલાઇટનું લોન્ચ સફળ
- આજે ઇસરોએ નવો ઇતિહાસ સર્જી નાંખ્યો છે
- અત્યાર સુધીનું સૌથી વજનદાર કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કર્યું
- આ સેટેલાઇટ ભારતીયના સુરક્ષા જવાનોની ક્ષમતા મજબુત બનાવશે
ISRO CMS-03 Satellite : રવિવારે ભારતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી LVM3-M5 રોકેટનો ઉપયોગ કરીને CMS-03 કોમ્યુનિકેશન સેટેલાઇટને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) માં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આ ભારતીય ભૂમિ પરથી લોન્ચ કરાયેલો અત્યાર સુધીનો સૌથી વજનદાર ઉપગ્રહ હોવાનું માનવામાં આવી રહ્યું છે. લોન્ચ થયાના થોડીવાર પછી, ISRO એ ટ્વિટર પર એક અપડેટ પોસ્ટ કરતા લખ્યું કે, "LVM3-M5/CMS-03 મિશન અપડેટ: CMS-03 (ISRO CMS-03 Satellite) સફળતાપૂર્વક અલગ થઈ ગયું. પરફેક્ટ ઇન્જેક્શન" એટલે કે લોન્ચ માત્ર સફળ થયું જ નહીં પરંતુ સેટેલાઇટને તેની ઇચ્છિત ભ્રમણકક્ષામાં પણ મૂકવામાં આવ્યો. આ લોન્ચ સાથે, ભારતે તેના અવકાશ ટેકનોલોજી મિશનમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું છે.
CMS-03: ભારતનો સૌથી ભારે કોમ્યુનિકેશન સેટેલાઇટ
CMS-03નું (ISRO CMS-03 Satellite) વજન આશરે 4,410 કિલો છે, જે તેને અત્યાર સુધીનો ભારતનો સૌથી વજનદાર કોમ્યુનિકેશન સેટેલાઇટ બનાવે છે. આ મલ્ટી-બેન્ડ, મલ્ટી-મિશન સેટેલાઇટ ભારતની આસપાસના દરિયાઈ વિસ્તારો અને દૂરના વિસ્તારોમાં સંચાર સેવાઓ પૂરી પાડશે. તેનો સૌથી મોટો ફાયદો ભારતીય નૌકાદળ, વાયુસેના અને દરિયાઈ સંરક્ષણ નેટવર્કને થશે, કારણ કે, તે જહાજો, વિમાનો અને દૂરસ્થ-આધારિત એકમો વચ્ચે સતત અને સુરક્ષિત જોડાણ સુનિશ્ચિત કરશે.
LVM3-M5 ભારતનું 'બાહુબલી રોકેટ'
આ મિશનમાં (ISRO CMS-03 Satellite) વપરાતું રોકેટ LVM3 (લોન્ચ વ્હીકલ માર્ક-3) છે, જેને 'બાહુબલી રોકેટ' (Bahubali Rocket) તરીકે ઓળખવામાં આવે છે. આ એ જ રોકેટ છે જેણે ચંદ્રયાન-3 ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક પહોંચાડ્યું હતું. LVM3-M5 માં ત્રણ-તબક્કાનું માળખું છે. તેમાં પ્રારંભિક થ્રસ્ટ માટે બે S200 સોલિડ બૂસ્ટર, વિકાસ એન્જિન દ્વારા સંચાલિત L110 લિક્વિડ કોર સ્ટેજ અને C25 ક્રાયોજેનિક સ્ટેજ, ભારતીય બનાવટની અદ્યતન ક્રાયોજેનિક ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ રોકેટમાં GTO માં 4,000 કિગ્રા અને લો અર્થ ઓર્બિટ (LEO) માં 8,000 કિગ્રા સુધીના વજનના ઉપગ્રહો મોકલવાની શક્તિ છે.
CMS-03 મિશન આ કારણોસર ખાસ છે
- ભારતની વ્યૂહાત્મક સંચાર ક્ષમતાઓને મજબૂત બનાવશે.
- ભારતીય નૌકાદળને રીઅલ-ટાઇમ દરિયાઈ સંદેશાવ્યવહાર પ્રદાન કરશે.
- વાયુસેના અને કોસ્ટ ગાર્ડને હાઇ-સ્પીડ ડેટા સપોર્ટ મળશે.
- દેશના દૂરના વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ અને કનેક્ટિવિટી સેવાઓનો વિસ્તાર થશે.
- સંપૂર્ણપણે 'મેક ઇન ઇન્ડિયા' ટેકનોલોજી પર આધારિત.
સરકાર અને ઇસરોની પ્રતિક્રિયા
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે લોન્ચ પર ટ્વિટ કર્યું, "ઇસરો ટીમને અભિનંદન! ભારતનું બાહુબલી આકાશને સ્પર્શી ગયું છે. ભારતીય ભૂમિ પરથી અત્યાર સુધીનું સૌથી ભારે ઉપગ્રહ CMS-03 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પ્રવેશી ગયું છે. ભારતીય અવકાશ મિશનને સતત સમર્થન આપવા બદલ વડા પ્રધાન @narendramodiનો આભાર." તેમણે તેને ભારતના આત્મનિર્ભર અવકાશ મિશન તરફ એક મોટું પગલું ગણાવ્યું છે.
ચંદ્રયાનથી CMS સુધી ISRO ની સતત સફળતા
છેલ્લા કેટલાક વર્ષોમાં, ISRO એ દર્શાવ્યું છે કે, ભારત હવે ફક્ત અવકાશ સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી, પરંતુ અવકાશ પ્રભુત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચંદ્રયાન-૩, આદિત્ય-એલ 1 મિશન અને હવે સીએમએસ-૦3 કોમ્યુનિકેશન સેટેલાઇટની સફળતા સાથે, ભારતે એક પછી એક સફળતા સાથે દુનિયાને બતાવી દીધું છે કે આપણે ફક્ત પહોંચતા નથી, પણ ઇતિહાસ પણ રચીએ છીએ.
આ પણ વાંચો ------ 18.3 કરોડ યુઝર્સના ઇ-મેઇલ ડેટા લીક, આ રીતે તમારા આઇડીનું સ્ટેટ્સ ચકાસો


