VADODARA : સાંસદ મંડળની જાપાન મુલાકાત સફળ, આતંકવાદ મુદ્દે ભારતની વાતનું સમર્થન
- ઓપરેશન સિંદૂર બાદ ભારતના વિવિધ પ્રતિનિધી મંડળ વિદેશોમાં મુલાકાતે ગયા છે
- પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને દુનિયા સમક્ષ ખુલ્લો પાડવા ભારતનો પ્રયાસ
- મજબુતાઇ પૂર્વક પોતાનો પક્ષ દુનિયા સમક્ષ મુકવામાં આવી રહ્યો છે.
VADODARA : ભારતના સાંસદ સંજયકુમાર ઝા (MP SANJY KUMAR JHA) ના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે ૨૨ થી ૨૪ મે ૨૦૨૫ દરમ્યાન જાપાનની મુલાકાત (MPs JAPAN VISIT) સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. જેમાં વડોદરા (VADODARA) ના સાંસદ ડૉ. હેમાંગ જોષી (MP DR. HEMANG JOSHI) પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. પ્રતિનિધિમંડળે મુલાકાતની શરૂઆત મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરીને કરી હતી અને અંતિમ દિવસે જાપાન ને પોતાની કર્મભૂમિ બનાવનારાં આઝાદ હિન્દ સેનાના સ્થાપક રાશબિહારી બોઝ ને જન્મજયંતિની પૂર્વસંધ્યાએ શ્રદ્ધાંજલિ આપીને યાત્રા પૂર્ણ કરી હતી. સાંસદોના પ્રતિનિધિમંડળે જાપાન સ્થિત ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો, જેમાં ભારતની આતંકવાદ વિરુદ્ધની શૂન્ય સહનશીલતાની નીતિ ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ સંદેશ સમગ્ર જાપાનમાં પહોંચાડવા માટે ભારતીય સમુદાય ને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.
દેશ પોતાના નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ
ત્રણ દિવસની મુલાકાત દરમ્યાન પ્રતિનિધિમંડળે જાપાનના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ જેમ કે સરકાર, મીડિયા અને અકાદમિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ગહન અને ઉપયોગી ચર્ચાઓ કરી હતી. દરેક મિટિંગમાં પ્રતિનિધિ મંડળ ના વડા શ્રી ઝાએ જણાવ્યું કે, ભારતના માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, દેશ પોતાના નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને અંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળીને સીમાપાર આતંકવાદ સામે સંકલિત રીતે લડી રહ્યો છે.
હુમલાનો યોગ્ય, ચોક્કસ અને મર્યાદિત પ્રતિસાદ આપ્યો
વિદેશનીતિ અને સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા જાપાનના અગ્રણીઓ સાથે ભારતીય સાંસદોએ બેઠક કરી હતી. દરેક બેઠકમાં ભારતીય સાંસદોએ પહલગામ માં થયેલા આતંકવાદી હુમલાને ભારતના શાંતિ અને વિકાસને અવરોધવા માટેનું ષડ્યંત્ર હોવાનું જણાવ્યું. તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે આ હુમલાનો યોગ્ય, ચોક્કસ અને મર્યાદિત પ્રતિસાદ આપ્યો હતો, જે " ઉતાવળીયો અતિશય પ્રતિસાદ" નહીં, પરંતુ વિશ્વસનીય અને ઊંડા વિચારસરણી સાથે આપવામાં આવેલો પ્રતિસાદ હતો. આતંકવાદીઓ અને તેમને ટેકો આપનારા વચ્ચે કોઈ ભેદ ન રાખવાની નીતિને તેમણે ભારપૂર્વક રજૂ કરી.
આ મુદ્દે તટસ્થ રહેવાનો વિકલ્પ નથી
સર્વ પક્ષીય પ્રતિનિધિ મંડળનો સંદેશ સ્પષ્ટ હતો કે આતંકવાદ વિરુદ્ધની લડત ભારત માટે રાષ્ટ્રીય પ્રાથમિકતા છે અને હવે કોઈ પણ દેશ અથવા વ્યક્તિ માટે આ મુદ્દે તટસ્થ રહેવાનો વિકલ્પ નથી. તેમણે જાપાનની મજબૂત સહભાગિતા અને ટેકો માટે અપીલ પણ કરી કે જેથી પહેલગામ હુમલાના દોષિતો, આયોજકો, ફંડ આપનારાઓ અને ટેકો આપનારો તંત્ર સામે ઝડપથી અને અસરકારક રીતે પગલાં લેવામાં આવે.
અંતરાષ્ટ્રીય સ્તરે માત્ર આતંકવાદનો વિકાસ કરે છે
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી એ જણાવ્યું હતું કે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ એવા અમુક દેશો છે કે જેઓ એશિયામાં ભારત એક શક્તિશાળી દેશ બનીને ઉભરે તેવું ઇચ્છતા નથી. બીજી બાજુ પાકિસ્તાન શિક્ષણ અને લોકો ના વિકાસ ના બહાને આંતરરાષ્ટ્રીય સ્તરે થી ફંડ મેળવે છે પરંતુ અંતરાષ્ટ્રીય સ્તરે માત્ર આતંકવાદનો વિકાસ કરે છે. વૈશ્વિક કક્ષાએ આતંકવાદ વિરોધી લડાઈ એ માત્ર હથિયારો ની લડાઈ નથી રહી, એ નેરેટીવની લડાઈ બની ચૂકી છે. તેથી ભારતે પોતાની આઈડિયા ઓફ ઇન્ડિયા, આતંકવાદ વિરોધી વિચારધારા સમગ્ર વિશ્વ સમક્ષ પ્રબળતાથી મુકવી જરૂરી છે જેમાં આ પ્રતિનિધિ મંડળ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
વિદેશી રાજદૂતોનાં પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી
મુલાકાત દરમ્યાન પ્રતિનિધિમંડળે જાપાનના ટોચના થિંક ટેન્ક્સ, મીડિયા પ્રતિનિધિઓ, સંસદના સભ્યો, વિવિધ સ્તર ના રાજકીય નેતાઓ, રાષ્ટ્રીય અને પ્રીફેક્ચરલ સ્તરના અધિકારીઓ અને વિદેશી રાજદૂતોનાં પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી. તેમની સમક્ષ સીમાપાર આતંકવાદ અને તેના સમર્થકો વિરુદ્ધ ભારતના દ્રષ્ટિકોણને સ્પષ્ટપણે રજૂ કર્યો. સામે પક્ષે જાપાનના નેતાઓએ ભારતની સાથે આતંકવાદ વિરોધી સંઘર્ષમાં સહમતિ વ્યક્ત કરી અને દોષિતોને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મુક્યો. જેને આ પ્રતિનિધિ મંડળની કૂટનીતિક સફળતા તરીકે મુલવવી જોઈએ.
આ પણ વાંચો --- PM Modi in Gujarat : લોકોમોટિવ એન્જિન પર લખાશે મેઈડ ઈન દાહોદ, 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું નિર્માણ