IPL 2026 Final : RCB પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક! ધોની-રોહિતના ક્લબમાં જોડાવા રજત પાટીદાર તૈયાર
IPL 2026 Final : ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League - IPL) 2026ની ફાઇનલ (Final) આજે, 31 મેના રોજ અમદાવાદ (Ahmedabad) ના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાવાની છે. આ મહામુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru - RCB) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans - GT) આમને-સામને ટકરાશે. સમગ્ર સિઝન દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર બંને ટીમો હવે ટ્રોફી (Trophy) જીતવાથી માત્ર એક પગલું દૂર છે. ક્રિકેટ ચાહકોમાં આ ફાઇનલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બીજી IPL ટ્રોફી માટે બંને ટીમો વચ્ચે જંગ
RCB અને GT બંને માટે આ ફાઇનલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જે ટીમ આ મેચ જીતશે તે પોતાની બીજી IPL ટ્રોફી જીતશે. RCBએ 2025માં પ્રથમ વખત IPLનો ખિતાબ જીત્યો હતો, જ્યારે ગુજરાત ટાઇટન્સે 2022માં પોતાની પ્રથમ જ સિઝનમાં ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો હતો. આ કારણે બંને ટીમો માટે આ ફાઇનલ માત્ર એક ટ્રોફી જીતવાનો અવસર નથી, પરંતુ IPLના આગામી યુગમાં પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરવાની તક પણ છે. જેમ એક સમયે મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) લીગમાં પ્રભુત્વ ધરાવતા હતા, તેવી જ રીતે નવી શક્તિશાળી ફ્રેન્ચાઇઝ તરીકે ઉભરી આવવાનો મોકો બંને ટીમો પાસે છે.
ક્વોલિફાયર-1માં RCBએ GTને આપી હતી માત - IPL 2026 Final
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્વોલિફાયર-1 (Qualifier 1)માં ગુજરાત ટાઇટન્સને હરાવીને સીધો ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મેચમાં RCBના કેપ્ટન રજત પાટીદાર (Rajat Patidar) એ માત્ર 33 બોલમાં 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેમની આ ઇનિંગ ટીમની જીતમાં નિર્ણાયક સાબિત થઈ હતી. RCB અત્યાર સુધી પાંચમી વખત IPLની ફાઇનલમાં પહોંચી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ ત્રીજી વખત ફાઇનલ રમવા જઈ રહી છે. બંને ટીમો પાસે મોટી મેચ જીતવાનો અનુભવ હોવાથી આ મુકાબલો વધુ રોમાંચક બનવાની શક્યતા છે.
સતત બીજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચવાની તક
RCB માટે આ ફાઇનલ ખાસ મહત્વ ધરાવે છે. જો ટીમ સતત બીજી વખત IPL ખિતાબ જીતવામાં સફળ રહેશે તો તે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બાદ સતત બે IPL ટ્રોફી જીતનારી માત્ર ત્રીજી ફ્રેન્ચાઇઝ બનશે. આ સિદ્ધિ માત્ર ટીમ માટે જ નહીં પરંતુ કેપ્ટન રજત પાટીદાર માટે પણ ઐતિહાસિક સાબિત થઈ શકે છે. તેઓ એવા વિશિષ્ટ કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ શકે છે જેમણે પોતાની ટીમને સતત 2 IPL ટાઇટલ અપાવ્યા હોય. હાલમાં આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) અને રોહિત શર્મા (Rohit Sharma) જેવા દિગ્ગજ કેપ્ટનોના નામ સામેલ છે.
રજત પાટીદારનું શાનદાર નેતૃત્વ અને પ્રદર્શન
રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ RCBએ છેલ્લા 2 વર્ષમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેમના શાંત, સંતુલિત અને વ્યૂહાત્મક નેતૃત્વે ટીમને સતત સફળતા અપાવી છે. આ IPL સિઝનમાં રજત પાટીદારે 14 મેચમાં 196.76ના સ્ટ્રાઇક રેટ (Strike Rate) સાથે 486 રન બનાવ્યા છે. તેમણે સમગ્ર સિઝન દરમિયાન 41 છગ્ગા (Sixes) ફટકારીને પોતાની આક્રમક બેટિંગનો પરિચય આપ્યો છે. કેપ્ટન તરીકે પણ તેમનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. તેમણે અત્યાર સુધી RCB માટે 27 મેચમાં સુકાન સંભાળ્યું છે, જેમાંથી ટીમે 19 મેચ જીતી છે જ્યારે માત્ર 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આ સિઝનમાં RCBનો રહ્યો છે પલડો ભારે
IPL 2026 દરમિયાન બંને ટીમો 3 વખત એકબીજા સામે ટકરાઈ છે. આ 3 મુકાબલામાં RCBએ 2 મેચ જીતી છે જ્યારે ગુજરાત ટાઇટન્સ માત્ર 1 મેચ જીતવામાં સફળ રહી છે. આ આંકડા RCBને માનસિક રીતે થોડો ફાયદો આપી શકે છે, જોકે ફાઇનલ જેવી મોટી મેચમાં ભૂતકાળના રેકોર્ડ કરતાં મેદાન પરનું પ્રદર્શન વધુ મહત્વનું રહેશે.
કરોડો ચાહકોની નજર ફાઇનલ પર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ ફાઇનલ માત્ર 2 ટીમો વચ્ચેની મેચ નથી, પરંતુ કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે 1 મહોત્સવ સમાન છે. એક તરફ RCB સતત બીજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચવા ઉત્સુક છે, તો બીજી તરફ ગુજરાત ટાઇટન્સ પોતાની બીજી IPL ટ્રોફી જીતવાના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે. હવે જોવાનું રહેશે કે IPL 2026ની આ મહાસંગ્રામમાં કઈ ટીમ ચેમ્પિયન બનીને ટ્રોફી પર કબજો જમાવે છે.
આ પણ વાંચો : IPL 2026 Prize Money : વિજેતા અને રનર-અપને કેટલા રૂપિયા મળશે? જાણો 2008થી અત્યાર સુધીની ઈનામી રકમનો સંપૂર્ણ ઈતિહાસ


