IPL Final મેચ ઉપર વરસાદનું સંકટ, જાણો હવામાન અંગે શું છે આગાહી
IPL Final : આવતી કાલે રવિવાર 31, મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (Royal Challengers Bengaluru) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે IPL 2026 ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. આ મેચને લઇને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. જો કે, આ ઉત્સાહભર્યા માહોલ વચ્ચે નિરાશા જગાવે તેવી અપડેટ સામે આવી છે. જાણકારોને મતે, ફાઇનલ મેચ સમયે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. આ ઉત્સાહભરી મેચ દરમિયાન વરસાદનું વિધ્ન સામે આવી શકે છે. જેને લઇને ક્રિકેટના ચાહકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
IPL Final, થન્ડર એક્ટિવિટી સાથે વરસાદની આગાહી
તપતી ગરમી વચ્ચે ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોનું વાતાવરણ બદલાયું છે. આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ફાઇનલ મેચ રમાનાર છે. ત્યારે આજથી જ શહેરની હોટલો ખીચોખીચ ક્રિકેટ રસિયાઓથી ભરાઇ ગઇ છે. આ વચ્ચે ચિંતા કરાવે તેવા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં થન્ડર એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરી છે. આ સાથે જ 50 - 60 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે.
IPL Final, 4 જૂન સુધીની શક્યતા વ્યક્ત કરાઇ
દરમિયાન બીજી બાજુ અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આજથી લઈને 4 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં 2 થી 2.5 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત વડોદરા અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 1 ઈંચ કે તેથી વધુ વરસાદ પડવાની પ્રબળ શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ 1 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.
મૃગશિષ નક્ષત્ર બેસતા પણ વરસાદની શક્યતાઓ
હવામાન નિષ્ણાતના મતે, 7 જૂન સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત રહી શકે છે. રોહિણી નક્ષત્ર ઉતરતા હોવાથી શરૂઆતી વરસાદ સારો રહેવાની આશા છે, ત્યારબાદ સૂર્યનું મૃગશિષ નક્ષત્ર બેસતા પણ વરસાદની શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો - IPL 2026 Final: ટિકિટની કાળાબજારી કરનાર સામે પોલીસનું કડક વલણ


