IRAN ISRAEL CONFLICT : ઇરાને સમાધાનની વાત ફગાવી, અમેરિકાએ ઇઝરાયલની યોજના સામે વીટો વાપર્યો
- બંને દેશ વચ્ચે હાલ શાંતિ સ્થપાય તેવી કોઇ શક્યતા નહીં
- ઇરાન ઇઝરાયલને કડક જવાબ આપવા તૈયાર
- અમરિકાએ ખામેનીની હત્યાનું આયોજન વીટો વાપરી અટકાવ્યું હોવાનો દાવો
IRAN ISRAEL CONFLICT : ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો (IRAN ISRAEL CONFLICT) અંત ટૂંક સમયમાં આવે તેવા કોઈ સંકેત દેખાતા નથી. અહેવાલ અનુસાર, ઈરાને યુદ્ધવિરામ પર વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. છેલ્લા ત્રણ દિવસથી બંને દેશો વચ્ચે શ્રેણીબદ્ધ હુમલાઓ ચાલી રહ્યા છે. જેમાં અમેરિકા ઇઝરાયલની સાથે ઊભું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે.
જવાબ આપ્યા બાદ વિચારણા હાથ ધરાશે
રોઇટર્સના અહેવાલ મુજબ, ઈરાને કતાર અને ઓમાનને સાફ કહ્યું કે, ઇઝરાયલી હુમલાઓ વચ્ચે યુદ્ધવિરામ કરાર માટે તે સંમત નથી. ગોપનીય સુત્રએ જણાવ્યું કે, ઇઝરાયલના હુમલાઓનો કડક જવાબ આપ્યા પછી જ ઇરાન કોઈ કરાર પર પહોંચવા વિશે ગંભીરતાથી વિચારણા કરશે,"
ઇરાને પ્રતિજ્ઞા લીધી
સુત્રોએ ઉમેર્યું કે, ઈરાને 'સ્પષ્ટ કરી દીધું છે કે તે હુમલાઓ વચ્ચે સમાધાન નહીં માંગે.' શુક્રવારે ઇઝરાયલે ઇરાન પર હુમલો કરીને તેના ટોચના લશ્કરી અધિકારીની હત્યા કરી અને પરમાણુ સ્થાપનોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. જે બાદ હવે ઈરાને પણ ઈઝરાયલને કડક જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે.
ટ્રમ્પ પગલું ભરવાની વિરુદ્ધ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને મારવા માટે ઇઝરાયલ દ્વારા અમેરિકા સમક્ષ રજૂ કરાયેલી યોજના સામે વીટોનો ઉપયોગ કરી દીધી છે. એક અમેરિકન અધિકારીએ આ માહિતી આપી કે, ઇઝરાયલે ટ્રમ્પના વહીવટીતંત્રને જાણ કરી કે, તેઓએ ખામેનીને મારવા માટે એક મોટી યોજના તૈયાર કરી છે. નામ ન આપવાની શરતે અધિકારીએ જણાવ્યું હતું કે યોજના વિશે જાણ્યા પછી વ્હાઇટ હાઉસએ ઇઝરાયલી અધિકારીઓને સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પ ઇઝરાયલ દ્વારા આ પગલું ભરવાની વિરુદ્ધ છે.
તો સ્થિતી વધુ ભડકશે
વધુમાં જણાવ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાના હેતુથી ઇઝરાયલના લશ્કરી અભિયાનને વધુ વ્યાપક બનતા અટકાવવા માંગે છે, અને ખામેનીની હત્યા કરવાની યોજનાને સ્થિતી ભડકાવનારા પગલા તરીકે જુએ છે. જે પ્રદેશને વધુ અસ્થિરતા તરફ લઇ જશે.
આ પણ વાંચો --- પેરૂમાં 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 1 મોત; અનેક લોકો ઈજાગ્રસ્ત