Janmashtami 2026 Live Updates: ગુજરાતમાં જન્માષ્ટમીની ધૂમ, રાજકોટથી અમદાવાદ સુધી કૃષ્ણમય બન્યું ગુજરાત
Janmashtami 2026 Live Updates: ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીના પર્વને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણ જોવા મળી રહ્યું છે. મથુરા અને વૃંદાવનથી લઈને દેશના ખૂણે-ખૂણે આવેલા કૃષ્ણ મંદિરોને દૌલત અને રોશનીથી શણગારવામાં આવ્યા છે. મધ્યરાત્રિએ 12 વાગ્યે 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના જયઘોષ સાથે લાલાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં લાખો ભક્તો જોડાયા છે. દહીંહાંડીના મહોત્સવ, ભક્તિસંગીત અને મનમોહક ઝાંખીઓ દ્વારા સમગ્ર દેશ કૃષ્ણમય બન્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવની ઉજવણી
September 5, 2026 12:01 am
ભગવાન શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવની ઉજવણી,CM ભૂપેન્દ્રભાઇ પટેલ ગાંધીનગરના ડભોડા પહોંચ્યા,ડભોડાના પ્રસિદ્ધ રણછોડજી મંદિર ખાતે જન્મોત્સવ,ભગવાન કૃષ્ણને આવકારવા ભક્તોમાં ભારે ઉત્સાહ,
જન્માષ્ટમી પર જૂનાગઢના અંબાજી મંદિરે ભક્તોનો ઘસારો, ગિરનાર પર માનવ મહેરામણ
September 4, 2026 4:35 pm
જન્માષ્ટમીના પાવન પર્વને લઈ જૂનાગઢના શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મા અંબેના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગિરનાર પર્વત પર ભક્તોની ભીડને પગલે વન વિભાગ અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ભક્તોને શાંતિપૂર્ણ રીતે દર્શન કરવા અને વ્યવસ્થા જાળવવા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.
ભુજમાં VHP નો ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ, માનવ પિરામિડ બનાવી કાર્યકરોએ ફોડી મટકી
September 4, 2026 4:35 pm
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં VHPના કાર્યકરો અને ભક્તો જોડાયા. ઢોલ-નગારાના તાલે યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકરોએ માનવ પિરામિડ બનાવી મટકી ફોડી. શ્રીકૃષ્ણના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. VHPના આગેવાનો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા.
શામળાજીમાં ભક્તિનો રંગ: ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશને વાજતેગાજતે અર્પણ કરી ધજા
September 4, 2026 3:11 pm
અરવલ્લીના શામળાજીમાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા શામળાજી મંદિર ખાતે વાજતેગાજતે ધ્વજાજી અર્પણ કરવામાં આવી. ધજા અર્પણ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો. પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા સભ્યોની કર્મનિષ્ઠા સાથે ભગવાન શામળાજી પ્રત્યેની આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
દાહોદ સબજેલમાં જન્માષ્ટમીની રમઝટ: આંખે પાટા બાંધી કેદીઓએ ફોડી મટકી!
September 4, 2026 2:45 pm
દાહોદ સબજેલ ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે જેલ પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન કરાયું હતું, જેમાં જેલ સ્ટાફ તેમજ કેદીઓએ સહભાગી થઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. પૂજા-અર્ચના બાદ કેદીઓ માટે પરંપરાગત મટકીફોડ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માટે કેદીઓના અલગ-અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. કેદીઓની આંખે પાટા બાંધી વારાફરથી મટકી ફોડવા માટે મોકલવામાં આવ્યા હતા. આ અનોખી સ્પર્ધામાં તમામ કેદીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મટકી ફોડવાના રોમાંચક પ્રયાસો કર્યા હતા. જેલના બંધિયાર વાતાવરણ વચ્ચે પણ કાનુડાના પ્રાગટ્ય પર્વની ઉજવણીથી કેદીઓમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.
પાલીતાણામાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા: કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા રહ્યા ઉપસ્થિત
September 4, 2026 2:32 pm
જન્માષ્ટમીના પાવન પર્વે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સંયુક્ત ઉપક્રમે પરંપરાગત વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. લક્ષ્મણધામ મંદિર ખાતેથી સંતો-મહંતો, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, સ્થાનિક ધારાસભ્યો અને વિવિધ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ શોભાયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. નગરયાત્રામાં ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક પ્રસંગો દર્શાવતા 40 કરતા વધુ મનમોહક ફ્લોટ્સ, અખાડાના કરતબો અને રાસ મંડળીઓની રમઝટે ભારે આકર્ષણ જમાવ્યું હતું. પાલીતાણાની શોભાયાત્રાએ ફરી એકવાર સામાજિક સમરસતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાળુઓ માટે ચા-પાણીની સેવા પૂરી પાડી સ્વાગત કર્યું હતું. સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા રૂટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સોમનાથ: ઐતિહાસિક ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, વિશેષ પૂજા-અર્ચના વચ્ચે મધરાતે થશે પ્રાગટ્યોત્સવ
September 4, 2026 2:28 pm
સોમનાથ ટ્રસ્ટ સંચાલિત અતિ પવિત્ર ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમી પર્વની ભારે ઉમંગ સાથે ઉજવણી થઈ રહી છે. ધાર્મિક માન્યતા મુજબ આ એ જ સ્થળ છે જ્યાં પ્રભુ શ્રીકૃષ્ણે દેહત્યાગ કરી ત્રિવેણી ઘાટથી ગૌલોક પ્રયાણ કર્યું હતું. આ પાવન અવસરે પ્રભુના નૂતન વાઘા બદલવા સહિત સવાર, બપોર, સાંજ તેમજ રાત્રિના સમયે વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું છે. ગીર સોમનાથ જિલ્લા સહિત દેશના ખૂણે-ખૂણેથી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઊમટી પડ્યા છે. દૂર વસતા ભાવિકો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શનની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાત્રિના 12ના ટકોરે કાનુડાના પ્રાગટ્ય પ્રસંગે સમગ્ર પરિસર "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી"ના ગગનભેદી નાદથી ગુંજી ઊઠશે. ત્યારબાદ પરંપરાગત મટકીફોડના રોમાંચક કાર્યક્રમ સાથે આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
નવસારી: VHP દ્વારા સતત 62મા વર્ષે જન્માષ્ટમી અને સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, 21 સ્થળોએ મટકીફોડનું આયોજન
September 4, 2026 2:08 pm
નવસારી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા જન્માષ્ટમી પર્વ તેમજ સંગઠનના સ્થાપના દિવસની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારીમાં VHP દ્વારા છેલ્લા 62 વર્ષથી આ ભવ્ય પરંપરા અવિરતપણે જાળવી રાખવામાં આવી છે. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શહેરભરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પાવન અવસરે શહેરના શાંતાદેવી વિસ્તારમાંથી એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શહેરના મેયર, સ્થાનિક ધારાસભ્ય તેમજ વિવિધ વોર્ડના નગરસેવકો સહિત હજારો નગરજનો ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા. સમગ્ર રૂટ "જય શ્રીકૃષ્ણ"ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠ્યો હતો. શહેરના અલગ-અલગ 21 જેટલા નિર્ધારિત સ્થળોએ વિશેષ ઊંચાઈ પર મટકીઓ બાંધવામાં આવી છે. ગોવિંદાઓની ટોળીઓ ઉત્સાહભેર આ મટકીઓ ફોડવા માટે પહોંચી રહી છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા છે.
રાજકોટ લોકમેળાની રોનક ફીકી: જન્માષ્ટમી પર્વે પણ કેમ પાંખી હાજરી?
September 4, 2026 2:04 pm
રાજકોટના સુપ્રસિદ્ધ ‘વિરાસતથી વિકાસ’ લોકમેળામાં આ વર્ષે શરૂઆતના તબક્કે રોનક ફીકી જોવા મળી રહી છે. જન્માષ્ટમી જેવો મોટો અને પવિત્ર તહેવાર હોવા છતાં મેળાના મેદાનમાં અપેક્ષા મુજબનું જનમેદનીનું ઘોડાપૂર જોવા મળ્યું નહોતું. સામાન્ય રીતે જ્યાં પગ મૂકવાની જગ્યા ન હોય તેવા મેળામાં ઓછી ભીડ જોઈને સ્ટોલ ધારકો તેમજ આયોજકોમાં ચિંતા જોવા મળી હતી.
મેળાના પ્રથમ દિવસે યાંત્રિક રાઈડ્સને જરૂરી મંજૂરી ન મળવાના કારણે રાઈડ્સ સંચાલકો અને મુલાકાતીઓમાં ભારે નિરાશા ફેલાઈ હતી. મનોરંજનના મુખ્ય આકર્ષણ સમાન ચગડોળ અને રાઈડ્સ બંધ હોવાથી લોકોનો ઉત્સાહ ઓસરી ગયો હતો.તમામ જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ આખરે રાઈડ્સ શરૂ કરવામાં આવતાં મેળામાં ધીમે-ધીમે લોકોની ચહલપહલ વધવા લાગી છે. લોકો પરિવારો સાથે મેળાની મજા માણવા પહોંચી રહ્યા છે, જેથી આગામી દિવસોમાં મેળો પૂર્ણ રંગ પકડે તેવી આશા છે.
રાજકોટ: લોકમેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 100 CCTV અને ડ્રોનથી મોનિટરિંગ વચ્ચે 13 બાળકોનું પરિવાર સાથે મિલન
September 4, 2026 1:55 pm
રાજકોટ ખાતે યોજાયેલા લોકમેળામાં જન્માષ્ટમીના પાવન તહેવારને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તહેવારના દિવસોમાં મેળામાં ભારે ભીડ ઉમટવાની પૂરેપૂરી શક્યતા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે મેળા પરિસરમાં એક ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. મેળાના દરેક ખૂણે સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા માટે 100 જેટલા સીસીટીવી (CCTV) કેમેરા લગાવીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આકાશમાંથી ડ્રોન કેમેરાની મદદ લઈને પણ ભીડ તેમજ શંકાસ્પદ હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ભારે ભીડ વચ્ચે પોલીસની સજાગતાને કારણે એક જ દિવસમાં ગુમ થયેલા 13 જેટલા બાળકોને શોધીને તેમના પરિવારજનો સાથે સુરક્ષિત મિલન કરાવવામાં આવ્યું હતું. પરિવારજનોએ પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પાલીતાણામાં જન્માષ્ટમી પર્વે ભવ્ય શોભાયાત્રા: 40 થી વધુ ફ્લોટ્સ અને કોમી એકતાના અનોખા દર્શન વચ્ચે હજારો ભક્તો ઉમટ્યા
September 4, 2026 1:19 pm
જન્માષ્ટમીના પાવન પર્વે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સંયુક્ત ઉપક્રમે પરંપરાગત વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. લક્ષ્મણધામ મંદિર ખાતેથી સંતો-મહંતો, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, સ્થાનિક ધારાસભ્યો અને વિવિધ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ શોભાયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. નગરયાત્રામાં ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક પ્રસંગો દર્શાવતા 40 કરતા વધુ મનમોહક ફ્લોટ્સ, અખાડાના કરતબો અને રાસ મંડળીઓની રમઝટે ભારે આકર્ષણ જમાવ્યું હતું.
પાલીતાણાની શોભાયાત્રાએ ફરી એકવાર સામાજિક સમરસતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાળુઓ માટે ચા-પાણીની સેવા પૂરી પાડી સ્વાગત કર્યું હતું. સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા રૂટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મધરાતે 12ના ટકોરે ગુંજશે ભાલકા તીર્થ: પાવન ભૂમિ પર જન્મોત્સવની ધૂમ
September 4, 2026 1:03 pm
સોમનાથ ટ્રસ્ટ સંચાલિત અતિ પવિત્ર ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમી પર્વની ભારે ઉમંગ સાથે ઉજવણી થઈ રહી છે. ધાર્મિક માન્યતા મુજબ આ એ જ સ્થળ છે જ્યાં પ્રભુ શ્રીકૃષ્ણે દેહત્યાગ કરી ત્રિવેણી ઘાટથી ગૌલોક પ્રયાણ કર્યું હતું. આ પાવન અવસરે પ્રભુના નૂતન વાઘા બદલવા સહિત સવાર, બપોર, સાંજ તેમજ રાત્રિના સમયે વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું છે. ગીર સોમનાથ જિલ્લા સહિત દેશના ખૂણે-ખૂણેથી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઊમટી પડ્યા છે. દૂર વસતા ભાવિકો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શનની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાત્રિના 12ના ટકોરે કાનુડાના પ્રાગટ્ય પ્રસંગે સમગ્ર પરિસર "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી"ના ગગનભેદી નાદથી ગુંજી ઊઠશે. ત્યારબાદ પરંપરાગત મટકીફોડના રોમાંચક કાર્યક્રમ સાથે આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
વડોદરા: ગોત્રી ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, આકર્ષક શણગાર અને વિશેષ પૂજા-અર્ચના
September 4, 2026 12:17 pm
સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી સ્થિત ઈસ્કોન મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. આ પાવન અવસરે ભગવાન શ્રીકૃષ્ણને અલૌકિક અને વિવિધ પ્રકારના આકર્ષક શણગારથી સજાવવામાં આવ્યા છે. વહેલી સવારથી જ સમગ્ર મંદિર પરિસર "હરે કૃષ્ણ" મહામંત્ર અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે. જન્માષ્ટમી પર્વે દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચી રહ્યા છે. ભક્તો માટે વિશેષ દર્શન વ્યવસ્થા, મહાઆરતી, હરિનામ સંકીર્તન અને વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરા અનુસાર, મધરાતે 12 કલાકે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે, જેમાં મહાઅભિષેક અને વિશેષ ભોગ અર્પણ કરાશે. ભક્તો આ પાવન ક્ષણના સાક્ષી બનવા ભારે ઉત્સાહ દર્શાવી રહ્યા છે.
ડાકોરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી: રેન્જ આઇજી રાઘવેન્દ્ર વત્સે પરિવાર સાથે રાજા રણછોડના કર્યા દર્શન
September 4, 2026 11:38 am
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવ નિમિત્તે ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો છે. આ પાવન અવસરે રેન્જ આઇજી રાઘવેન્દ્ર વત્સે પરિવાર સાથે ડાકોર રણછોડરાયજી મંદિરે પહોંચી ભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમની સાથે ખેડા જિલ્લા SP વિજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. દર્શન બાદ રેન્જ આઇજીએ ડાકોરવાસીઓ, ખેડા જિલ્લાવાસીઓ સહિત સમગ્ર ભારતના નાગરિકોને જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
જન્માષ્ટમી પર્વે લાખો ભક્તો દર્શનાર્થે આવી રહ્યા હોવાથી ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે પોલીસ તંત્ર દ્વારા કડક તકેદારી રાખવામાં આવી છે. સમગ્ર પરિસરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને સહયોગ આપવા ખાસ અપીલ કરવામાં આવી છે.
સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી: મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું માનવ મહેરામણ, મધરાતે 12 વાગ્યે વધામણાં
September 4, 2026 11:18 am
સમગ્ર દેશ સાથે સુરત શહેરમાં પણ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભારે ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. વહેલી સવારથી જ શહેરના તમામ કૃષ્ણ મંદિરોમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને જહાંગીરપુરા સ્થિત ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે, જ્યાં સમગ્ર પરિસર "હરે રામા, હરે કૃષ્ણ"ના દિવ્ય નાદથી ગુંજી ઊઠ્યું છે. આ પાવન પર્વે અનેક શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે બાળ ગોપાલની સુંદર પ્રતિમા લઈને મંદિરે પહોંચ્યા હતા. ભક્તો સંપૂર્ણપણે કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. કાનજીના પ્રાગટ્ય પર્વને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાત્રિના 12ના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના વધામણાં કરવા અને વિશેષ મહાઆરતીમાં ભાગ લેવા ભક્તો ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
Rajkot : યુવાઓને વ્યસન મુક્ત અને રાષ્ટ્રવાદ તરફ ગતિમાન બનવા કર્યું આહ્વાન
September 4, 2026 11:03 am
શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 41મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે ખીરસરા સ્વામિનારાયણ મંદિરના ભક્તિ પ્રકાશ સ્વામીએ સૌ સનાતનીઓને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતા યુવાઓને જ્ઞાતિવાદ અને સંપ્રદાયવાદ છોડીને વ્યસન મુક્ત તેમજ રાષ્ટ્રવાદ તરફ ગતિમાન બનવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે યુવક-યુવતીઓના રોલ મોડેલ બોલિવુડ અભિનેતાઓ નહીં પરંતુ મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ અને મહારાણી લક્ષ્મીબાઈ હોવા જોઈએ.
Rajkot : 700થી વધુ પોલીસકર્મીઓનો કાફલો અને DCPના સુપરવિઝન હેઠળ ચુસ્ત બંદોબસ્ત
September 4, 2026 10:09 am
રાજકોટમાં 41મી શોભાયાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બંદોબસ્ત DCPના સુપરવિઝન હેઠળ રાખવામાં આવ્યો છે, જેમાં શોભાયાત્રા પર બાજ નજર રાખવા માટે વિડ્યોગ્રાફર અને CCTVનો ઉપયોગ કરવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત ૭૦૦થી વધુ પોલીસનો કાફલો શોભાયાત્રામાં જોડાશે.
અરવલ્લીના શામળાજી મંદિરે જન્માષ્ટમી પર્વ, ભજનમંડળીઓની સુરાવલી અને ભક્તિમય માહોલ
September 4, 2026 10:08 am
અરવલ્લીના શામળાજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે, જેમાં ભજન મંડળીઓની ધૂમ જોવા મળી છે. મંદિર પરિસરમાં વિવિધ ભજનમંડળીઓની સુરાવલી રેલાવાને કારણે આખું પરિસર ભજન-કીર્તનની ગુંજથી ભક્તિમય બની ગયું છે. પ્રાંતિજના ઓરણ ગામનું ગોપી મંડળ વાજતે-ગાજતે અને બાલગોપાલને લઈને મંદિરમાં આવ્યું હતું, જેના કારણે કૃષ્ણકીર્તનમાં આખું મંદિર પરિસર રંગાઈ ગયું હતું.
શામળાજીમાં જન્માષ્ટમી પર્વ, 70-80 કિમી પદયાત્રા કરી ભક્તોએ ચડાવી ધજા
September 4, 2026 10:06 am
જન્માષ્ટમી પર્વ પર શામળાજીમાં ભક્તો ધજા ચડાવવા માટે આતુર જોવા મળ્યા છે અને આજે અલગ અલગ સંઘ દ્વારા ધજા ચડાવાઈ રહી છે. નાના ચકલા ગામના લોકો ૭૦ થી ૭૦ કિલોમીટર ચાલીને પદયાત્રા કરીને આવ્યા હતા અને ભગવાનના જયકારા બોલાવતા મંદિરમાં પધાર્યા હતા. આ ભક્તોએ મંદિરની પ્રદક્ષિણા કરી ભગવાનને ધજા અર્પણ કરી હતી, જેમાં ઓમકારેશ્વર ભજન મંડળ અનવરપુરા પણ જોડાયું હતું.
ડાકોરના રણછોડરાય મંદિરે જન્માષ્ટમી પર્વ, 'જય રણછોડ'ના નાદ સાથે ભક્તોની ભીડ અને ભક્તિમય માહોલ
September 4, 2026 10:00 am
ડાકોરના રણછોડરાય મંદિરે જન્માષ્ટમી પર્વને લઈ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં ભગવાન રણછોડરાયના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી છે. મંદિર પરિસર ‘જય રણછોડ, જય રણછોડ’ના નાદથી ગુંજી ઉઠ્યું છે અને દૂરદૂરથી મોટી સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચ્યા છે. જન્માષ્ટમી નિમિત્તે મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે અને દર્શન માટે લાંબી કતારો જોવા મળી છે. ભક્તોની સુરક્ષા માટે પોલીસ અને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ મંદિર પરિસરમાં ભક્તોની સુવિધા માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે રણછોડરાયના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે અને ડાકોરમાં ચારેય તરફ કૃષ્ણમય માહોલ જોવા મળી રહ્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન
September 4, 2026 9:27 am
રાજકોટમાં શ્રીકૃષ્ણ જન્મ વધાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા પહેલા મવડી ચોકડી ખાતે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી. આ 22 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં 11 એક્ટિવા વાહનો પર બનાવાયેલું અમરનાથ શિવલિંગ અને વિવિધ ફ્લોટ્સ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, તેમજ મહિલાઓ દ્વારા શૌર્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મવડી ચોકડીથી શરૂ થયેલી આ શોભાયાત્રા બાલક હનુમાન ખાતે સંપન્ન થઈ હતી, અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભાવનગરમાં જન્માષ્ટમી મહોત્સવ: કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક મેળાનો પ્રારંભ
September 4, 2026 8:18 am
ભાવનગરમાં જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત યોજાયેલા ત્રણ દિવસીય સાંસ્કૃતિક મેળામાં કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઈ માંડવિયા અને નિમુબેન બાંભણીયાએ હાજરી આપી હતી. આ મેળામાં ગુજરાતના જાણીતા ગાયકો ઉર્વશી રાદડિયા અને બિરજુ બારોટે કૃષ્ણ ગીતો રજૂ કરી લોકોને ઝૂમાવ્યા હતા. આ પ્રસંગે નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, લોકમેળો માત્ર મનોરંજન નથી પરંતુ પરસ્પર સંબંધો વિકસાવવાનો અને મળવાનો અવસર છે.
શામળાજીમાં જન્માષ્ટમી પર્વનો પ્રારંભ, ભગવાન શામળિયાની મંગળા આરતી અને જળાભિષેક
September 4, 2026 7:52 am
જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શામળિયાની મંગળા આરતી કરવામાં આવી છે. મંગળા આરતી બાદ ભગવાનનો જળાભિષેક કરાયો હતો, જેમાં પુજારીઓ દ્વારા પંચામૃત સાથે ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું.
અમદાવાદના ભાડજ હરેકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવ
September 4, 2026 7:37 am
અમદાવાદના ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યે ભગવાનની હિંડોળા સેવા યોજાશે અને સવારે 9:30 વાગ્યે લાડુ ગોપાલ તથા રાધા માધવનો અભિષેક કરાશે. આ ઉપરાંત, દિવસભર વિવિધ પવિત્ર દ્રવ્યો દ્વારા ઠાકોરજીનો અભિષેક કરવામાં આવશે.
દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભક્તોનો ઘસારો
September 4, 2026 7:24 am
જન્માષ્ટમી પર્વે દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે. શામળાજી મંદિરમાં ગર્ભગૃહને 100 કિલો ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને યુવા મંડળ દ્વારા 100 મટકીઓ ફોડાશે. ભાલકા તીર્થ સહિતના તમામ મંદિરોમાં સવારથી જ ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા છે, અને રાત્રે 12 વાગ્યે ભવ્ય જન્મોત્સવ સાથે વિશેષ આરતી યોજાશે.

