Gondal: નીલેશ રૈયાણી હત્યા કેસમાં નવો વળાંક, જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ, IG ને કરાઈ ફરિયાદ
- Gondal: નીલેશ રૈયાણી હત્યા કેસ: જયરાજસિંહ જાડેજા પર ગંભીર આરોપ
- ગોંડલમાં જયરાજસિંહ સુપ્રીમ કોર્ટની શરતોનો ભંગ કરતા હોવાનો દાવો
- પોલીસ સ્ટેશનમાં હાજરી અને જામીનની શરતોના ઉલ્લંઘનનો આરોપ
- જયરાજસિંહ હાજરી રજિસ્ટર ઘરે મંગાવી સહી કરતા હોવાનો ગંભીર આક્ષેપ
- ફરિયાદીએ પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ તપાસવા IGને કરી લેખિત અરજી
- જામીન રદ થાય તે દિશામાં ફરિયાદી પક્ષ દ્વારા કાયદાકીય કવાયત શરૂ
Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલના ચકચારી નીલેશ રૈયાણી હત્યા કેસ (Nilesh Raiyani Murder Case) માં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) સામે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા લાદવામાં આવેલી જામીનની શરતોનો ભંગ કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે ફરિયાદી પક્ષ દ્વારા રેન્જ આઈજી (Range IG) ને લેખિત અરજી આપી તપાસની માંગ કરવામાં આવી છે.
Gondal: જયરાજસિંહ સામે ફરિયાદીના આક્ષેપ
ફરિયાદીના દાવા અનુસાર, જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે જામીન આપતી વખતે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની શરત મૂકી હતી. જોકે, એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જયરાજસિંહ પોલીસ સ્ટેશનમાં હાજર થવાને બદલે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. આરોપ છે કે પોલીસ સ્ટેશનનું હાજરી રજિસ્ટર (Attendance Register) તેમના નિવાસસ્થાને મંગાવવામાં આવે છે અને તેઓ ઘરે બેઠા જ સહીઓ કરી રહ્યા છે. આ પ્રકારની કાર્યવાહી સુપ્રીમ કોર્ટના આદેશોનો સરેઆમ ભંગ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદીએ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા
વધુમાં, ફરિયાદીએ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. આ આક્ષેપોની સત્યતા ચકાસવા માટે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) ચેક કરવાની માંગ કરવામાં આવી છે. જો આ ફૂટેજની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે કે પૂર્વ ધારાસભ્ય કયા સમયે પોલીસ સ્ટેશન આવ્યા હતા અને કયા સમયે રજિસ્ટરમાં સહી થઈ હતી. આ મામલો હવે હાઈપ્રોફાઈલ બન્યો છે અને જો શરતોનો ભંગ સાબિત થાય, તો જયરાજસિંહના જામીન રદ થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. હાલમાં આ અરજીને પગલે પોલીસ વિભાગમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.
આ પણ વાંચો: Texas Plane Crash : અમેરિકામાં વિમાન તૂટી પડ્યું, તમામ મુસાફરોના મોત


