અમેરિકી સંસદમાં ઘૂસીને યહૂદી સંગઠનોએ કર્યું વિરોધ પ્રદર્શન, જાણો શું કરી માંગ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યહૂદી સંગઠનોએ અમેરિકી સંસદમાં ઘૂસીને વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમણે ગાઝામાં યુદ્ધવિરામની માગણી કરી છે. વ્હાઇટ હાઉસ પાસે કલાકો સુધી આવો જ વિરોધ કરવામાં આવ્યો હતો. વોશિંગ્ટનમાં US રાષ્ટ્રપતિ જો બાઈડેનના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓએ યુદ્ધ સમાપ્ત કરવાની માંગ કરી હતી.
યહૂદી-અમેરિકન કાર્યકરોએ વોશિંગ્ટનમાં યુએસ કેપિટોલમાં શરૂ કર્યા ધરણા
ઈઝરાયેલ અને હમાસના યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન ગઈકાલે બુધવારે તેલ અવીવ પહોંચ્યા હતા. અહીં તેમણે ઈઝરાયેલનો પક્ષ સાંભલળ્યો હતો. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, ગાઝાની હોસ્પિટલ પર રોકેટ લોન્ચરને કારણે 500 લોકોના મોતમાં ઈઝરાયેલની કોઈ સંડોવણી નથી. દરમિયાન, ઈઝરાયેલ-હમાસ યુદ્ધની પ્રતિક્રિયા વિશ્વના ઘણા દેશોની સાથે અમેરિકામાં પણ જોવા મળી રહી છે. પ્રગતિશીલ યહૂદી-અમેરિકન કાર્યકરોએ વોશિંગ્ટનમાં યુએસ કેપિટોલમાં પ્રવેશ કર્યો અને ધરણા શરૂ કર્યા હતા. તેમણે યુએસ કોંગ્રેસને ગાઝામાં યુદ્ધવિરામની અપીલ કરવા હાકલ કરી હતી. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 5 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ હજુ સુધી યુદ્ધવિરામની કોઈ આશા નથી.
વિરોધમાં હજારો યહૂદીઓએ ભાગ લીધો હતો
યહૂદી સંગઠનો દ્વારા પણ આવો જ વિરોધ વ્હાઇટ હાઉસ પાસે કલાકો સુધી ચાલ્યો હતો. સેંકડો દેખાવકારો બુધવારે વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના આવાસની બહાર એકઠા થયા હતા અને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી હતી. વિરોધીઓની માંગ છે કે, કોંગ્રેસે ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરવી જોઈએ. જ્યુઈશ વોઈસ ફોર પીસ અનુસાર, હજારો અમેરિકન યહૂદીઓએ કેપિટોલની બહાર વિરોધ કર્યો. જ્યારે 350 થી વધુ દેખાવકારો અંદર હતા. યહૂદી સંગઠને ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "અમારી ધરપકડ કરવામાં આવી રહી છે, પરંતુ જ્યાં સુધી અમને યુદ્ધવિરામ અને ગાઝામાં પેલેસ્ટિનિયનોના નરસંહારનો અંત લાવવા અંગે ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે છોડીશું નહીં."
પ્રદર્શનકારીઓએ યુદ્ધવિરામની કરી માંગ
યુએસ કેપિટોલ હિલ પોલીસે જણાવ્યું હતું કે, વિરોધીઓના એક જૂથે કેપિટોલ પર કબ્જો કરી લીધો હતો. ગાઝામાં યુદ્ધવિરામની માંગ કરી રહેલા આ દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી અને યુએસ કેપિટોલમાં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, રસ્તાઓ બંધ કરવાનું કામ ચાલી રહ્યું છે. આમાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે તેમાંથી એકે પોલીસ પર હુમલો કર્યો હતો. વળી, અમેરિકાના શિકાગોમાં પેલેસ્ટાઈન તરફી સંગઠનોએ ગાઝામાં શરણાર્થીઓની હોસ્પિટલમાં ઈઝરાયેલની સેનાના કથિત બોમ્બમારા વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને હુમલાની નિંદા કરી. વિરોધીઓએ યુદ્ધવિરામની પણ માંગ કરી હતી.
આ પણ વાંચો - અમે 9/11 માં ભૂલ કરી તમે તેવું ન કરશો, US રાષ્ટ્રપતિ બાઈડેનની ઈઝરાયેલના વડાપ્રધાનને સલાહ
આ પણ વાંચો - ‘મુસ્લિમ દેશો ઇઝરાયેલ સાથેનો કારોબાર બિલકુલ બંધ કરી દે, ઇઝરાયેલના રાજદૂતોને કાઢી મૂકે’ ઇરાને કરી અપીલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે