જૂનાગઢના વિસાવદરમાં માવઠાના મારના કારણે વધુ એક ખેડૂતે આપઘાત કર્યો,સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી
- Junagadh માં માવઠાના મારના કારણે ખેડૂતે કર્યો આપઘાત
- આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો
- 42 વર્ષીય ખેડૂતને હતી માત્ર આઠ વીઘા જમીન
- મગફળી, ડુંગળી અને તુવેરના પાકનું કર્યું હતું વાવેતર
- કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં ભર્યું પગલું!
- શૈલેષ સાવલિયા નામના ખેડૂતના આત્મહત્યાથી ચકચાર
- પોતાના ખેતરમાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી
જૂનાગઢ જિલ્લાના વિસાવદર (Visavadar) પંથકમાં કમોસમી વરસાદની ( Unseasonal Rain) ગંભીર અસરને કારણે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણથી ત્રસ્ત 42 વર્ષીય ખેડૂતે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેડૂત આલમમાં આ દુઃખદ પગલાને કારણે ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
Junagadh ના વિસાવદરમાં 42 વર્ષીય ખેડૂતે કરી આત્મહત્યા
નોંધનીય છે કે જૂનાગઢના વિસાવદરમાં 42 વર્ષીય શૈલેષ સાવલિયાએ (Shailesh Savaliya) આર્થિક સંકડામણના લીધે પોતાના ખેતરમાં ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂત શૈલેશ સાવલિયાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અને કમોસમી વરસાદ પડવાથી તેમનો પાક નિષ્ફળ જતા તેમણે પોતાના ખેતરમાં ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું હતું.
Junagadh : માવઠાના લીધે પાક નિષ્ફળ જતા કરી ખેડૂતે આત્મહત્યા
ઉલ્લેખનીય છે કે મૃતક ખેડૂત શૈલેષ સાવલિયાની આર્થિક સ્થિતિ નબળી હતી. તેમની પાસે ગુજરાન ચલાવવા માટે આઠ વીઘા જેટલી જ જમીન હતી. આ ખેતરમાં તેમણે આશા સાથે મગફળી, ડુંગળી અને તુવેર જેવા મહત્ત્વના પાકોનું વાવેતર કર્યું હતું, જેમાં સારો પાક ઉતરે તેવી તેમને આશા હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોની જેમ વિસાવદર પંથકમાં પણ અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે વાવેલો તમામ પાક નિષ્ફળ ગયો હતો.પાક નિષ્ફળ જતાં, ખેડૂતને મોટો આર્થિક ફટકો પડ્યો હતો. પાક પાછળ કરેલો ખર્ચ માથે પડ્યો અને આવકનું કોઈ સાધન ન રહેતા, તેઓ ગંભીર આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા. હતાશા અને નિરાશાના લીધે શૈલેષ સાવલિયાએ અન્ય કોઈ રસ્તો ન સૂઝતાં પોતાના જ ખેતરમાં ઝેરી દવા પીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હતું.
પોલીસે આત્મહત્યાનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં જ વિસાવદર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડૂતના આ પગલા પાછળનું મુખ્ય કારણ પાક નિષ્ફળ જવાથી આવેલી આર્થિક સંકડામણ જ હોવાનો દાવો તેમના પરિવાર અને સ્થાનિક લોકો કરી રહ્યા છે. સમગ્ર મામલે વિસાવદર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, જેથી આ દુર્ઘટનાના તમામ પાસાઓ સ્પષ્ટ થઈ શકે. આ બનાવ ફરી એકવાર કુદરતી આફતો સામે ખેડૂતોની લાચારી અને તેમની જિંદગીની અસુરક્ષાને ઉજાગર કરે છે.
આ પણ વાંચો: Junagadh : બાદલપુરમાં 1000 ખેડૂતોને 2 કરોડની સહાય, ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીના હસ્તે ચેક વિતરણ!