Junagadh: પોલીસવાનના ડ્રાઈવરને 2 લાખની લાંચ લેતાં ACB એ રંગે હાથ પકડ્યો
- જૂનાગઢ પોલીસના એમટી વિભાગનો ડ્રાઇવર લાંચ લેતા ઝડપાયો (Junagadh Bribe Case)
- ગીર ગઢડાના શખ્સ પાસે માગી હતી લાંચ
- FSL માં રિપોર્ટ NIL કરાવવા માંગી હતી લાંચ
- ગીર ગઢડાના શખ્સ સામે નોંધાયો હતો બળાત્કારનો ગુનો
- લાંચ લેનાર સંદીપ છેલ્લા પાંચ વર્ષથી કરે છે ડ્રાઇવરની નોકરી
Junagadh Bribe Case:જૂનાગઢ પોલીસના એમટી વિભાગમાં આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શખ્સે ઝડપથી પૈસાવાળા થવા માટે એક કીમિયો ગોઠવ્યો હતો, પરંતુ કીમિયો સફળ ન થયો અને ડ્રાઈવર સંદિપ રામભાઈ રાવલીયાએ બે લાખની લાંચ લેતા ACB ના હાથે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. તેણે ગીરગઢડાના શખ્સ પાસેથી FSL નો રિપોર્ટ નીલ કરાવી દેવાના નામે લાંચ માંગી હતી.
સાડા ત્રણ લાખ રુપિયાની લાંચ માંગી હતી
ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં સીઆરપીએફના હવાલદારના ભાઈ સામે ગત સપ્ટેમ્બર માસમાં એસસી એસટી તથા દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ અંગેના સમાચારો વાંચીને પોલીસના મોટરવ્હીકલ વિભાગમાં ફરજ બજાવતા સંદિપ રામભાઈ રાવલીયા (ઉ.વ.39, રહે.સુદામા પાર્ક, મધુરમ, જૂનાગઢ)એ યેનકેન પ્રકારે આરોપીના પરિવારજનોનો સંપર્ક કરી તેના વિવિધ નમૂનાઓ તપાસ અર્થે જૂનાગઢ FSL માં આવ્યા હોવાનું અને તેમાં તેનો નીલ રિપોર્ટ કરાવી દેવાનું કહી સાડા ત્રણ લાખ રુપિયાની લાંચ માંગી હતી. દુષ્કર્મના આરોપીના પરિવારજનોએ રકઝકના અંતે બે લાખ રુપિયામાં રિપોર્ટ નીલ કરાવી દેવાનું નક્કી કર્યું હતું. જો કે, તેઓ લાંચ આપવા માંગતા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કરી લાંચ માંગનાર સંદિપ રાવલીયાને એસીબીના હાથે મધુરમ વિસ્તારમાંથી પકડાવી દીધો છે. જૂનાગઢ ACBની ટીમે સંદિપને બે લાખની લીધેલી લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડયો છે. આ ગુનામાં FSL ના કોઈ અધિકારીઓની સંડોવણી નથી પણ તેના નામે લાંચની માંગણી કરી પૈસાદાર બનવાનો કિમીયો હતો.
FSL વિભાગમાં ઘટ હોવાથી તેને ફરજ પર મૂક્યો હતો
સંદિપ પોતે છેલ્લા પાંચેક વર્ષથી પોલીસના એમટી વિભાગમાં આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. FSL વિભાગમાં ડ્રાઈવરની ઘટ હોવાથી એમટી વિભાગ પાસે ડ્રાઈવરની માંગણી કરી હતી ત્યારે એમટી વિભાગે એકાદ માસ પુરતો સંદિપને FSL માં મોકલ્યો હતો. જેથી સંદિપ FSL ની કાર્યપધ્ધતિથી વાકેફ થઈ ગયો હતો.
એસીબીની તપાસ દરમ્યાન સંદિપે પોપટ બની સ્વીકાર્યું હતું કે, તેને હાલમાં FSL ના કોઈ અધિકારીનું નામ પણ આવડતું નથી. તેણે પૈસાદાર થવા માટે આ કિમીયો અપનાવ્યો હતો. FSL માં નમૂના મોડા મોકલવામાં આવ્યા હોય અથવા રિપોર્ટ કરવામાં મોડું થાય તો મોટાભાગે રિપોર્ટ નીલ આવતો હોવાનું જાણતો હોવાથી આ કિમીયો અપનાવ્યો હતો. તેને એવી આશા હતી કે રિપોર્ટ નીલ આવશે એટલે આ તેણે કરાવી દીધુ તેવું ગણાશે અને જો રિપોર્ટ પોઝિટિવ આવે તો હવે પૈસા નથી તેવું બહાનું બતાવી દેવાનું નક્કી કર્યું હતું.
Junagadh : ખેડૂતોના ફોન ન ઉપાડવા મુદ્દે MLA અરવિંદભાઈ લાડાણી ઉગ્ર થયા! Video વાઇરલ
આ પણ વાંચોઃ Surat: ‘ફિલ્મી દુનિયામાં તારું નામ થઈ જશે’, કહીને કરોડોની ઠગાઈ કરનાર યુવક-યુવતી ઝડપાયા