Gir Somnath : કંગના રનૌતની આધ્યાત્મિક યાત્રા; સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું
- Gir Somnath : મંડી સાંસદ કંગના રનૌતની ગુજરાત યાત્રા : દ્વારકાધીશ પછી સોમનાથ મહાદેવના દર્શન
- સોમનાથ ટ્રસ્ટનું ખાસ સન્માન : કંગના રનૌતને માતા પાર્વતીની પ્રસાદી સાડી ભેટ
- ગીરની શાંતિ અને ભોલેનાથની કૃપા : કંગના રનૌતે સોમનાથની મુલાકાતને યાદગાર ગણાવી
- કંગના રનૌતની આધ્યાત્મિક યાત્રા : સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું
Gir Somnath : બોલિવૂડની પ્રખર અભિનેત્રી તથા હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકના સાંસદ કંગના રનૌત હાલ ગુજરાતના ધાર્મિક પ્રવાસે છે. આજે તેમણે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા પવિત્ર સોમનાથ મહાદેવની મુલાકાત લીધી અને ભોલેનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ દરમિયાન તેઓ ભાવવિભોર પણ બની ગયા હતા.
આ દરમિયાન કંગના રનૌતે જણાવ્યું કે, અમે સોમનાથ મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. અમે તેમની ધજાની પણ પૂજા-અર્ચના કરી છે. આ દરમિયાન કંગના રૌનેતે પીએમ મોદીને પણ યાદ કર્યા હતા. જ્યારે કંગના રનૌતને પ્રસાદ રૂપે પાર્વતીજીની સાડી મળી ત્યારે તેમને પીએમ મોદીની વિઝનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે, પીએમ મોદી સામાન્ય લોકોના મનની વાતને ખુબ જ સારી રીતે જાણે છે, તેથી જ તો તેઓ મહિલાઓ સુધી માતાજીના પ્રસાદના રૂપમાં સાડી પહોંચાડી રહ્યાં છે.
કંગના સવારે જ સોમનાથ મંદિર પહોંચ્યાં હતાં. તેમણે સૌપ્રથમ શિવલિંગ પર જળાભિષેક કર્યો, દુધ-દહીંથી અભિષેક કરાવ્યો અને પોતાના મનોકામના સાથે ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેમણે સોમનાથ મંદિરની વિશેષ પરંપરા અનુસાર ધ્વજાપૂજા કરી અને મંદિરના શિખર પર ધ્વજારોહણના દૃશ્યનો આનંદ માણ્યો હતો. ધ્વજ ફરકતો જોઈને કંગના ભાવવિભોર થઈ ગયાં હતાં.
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તથા સભ્યોએ કંગના રનૌતનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને ભવ્ય સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટ તરફથી તેમને માતા પાર્વતીની પ્રસાદીરૂપ સાડી અને પ્રસાદ ભેટ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કંગનાએ આ સન્માન બદલ ટ્રસ્ટનો આભાર માન્યો અને કહ્યું કે, “સોમનાથ મહાદેવના દર્શન કરીને મને અપાર શાંતિ અને ઊર્જા મળી છે. આ પવિત્ર સ્થળની ઊર્જા અલૌકિક છે.”
આ પહેલાં કંગનાએ દ્વારકાધીશ મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ગીરના જંગલો તથા પ્રાકૃતિક સૌંદર્યનો પણ લ્હાવો લીધો હતો. સોમનાથમાં તેમની હાજરીથી મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઘણાએ સેલ્ફી અને આશીર્વાદ લેવા ભીડ લગાવી હતી.
કંગના રનૌતે પોતાના સોશિયલ મીડિયા પર પણ સોમનાથના દર્શનની તસવીરો અને વીડિયો શેર કર્યા છે અને લખ્યું છે: “હર હર મહાદેવ… પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.”
આ પણ વાંચો- Valsad : BJP સાંસદ ધવલ પટેલે કેજરીવાલને રાવણ કરતાં પણ વધારે અહંકારી ગણાવ્યા