કર્મભૂમિ એક્સપ્રેસમાં મોટો અકસ્માત, મુંબઈથી બિહાર જઈ રહેલી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પટકાતા બે મુસાફોના મોત
- KarmabhoomiExpress: ચાલુ ટ્રેનમાંથી પટકાતા 2 મુસાફરના મોત
- મહારાષ્ટ્રના નાસિકમાં ટ્રેનમાં સર્જાઈ દુર્ઘટના
- એક મુસાફર ગંભીર હાલતમાં સારવાર હેઠળ
- મુંબઈ-રક્સૌલ કર્મભૂમિ એક્સપ્રેસમાં દુર્ઘટના
- છઠ્ઠા પૂજા માટે વતન જઈ રહ્યાં હતા તમામ
મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી બિહાર જઈ રહેલી કર્મભૂમિ એક્સપ્રેસ (Karmabhoomi Express) માં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નાસિક રોડ રેલવે સ્ટેશનથી થોડે દૂર ટ્રેનમાંથી ત્રણ મુસાફરો નીચે પડી ગયા હતા, જેમાં બે મુસાફરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ત્રીજો મુસાફર ગંભીર રીતે ઘાયલ થયો છે.
KarmabhoomiExpress: ચાલુ ટ્રેનમાંથી પટકાતા 2 મુસાફરના મોત
પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત ભુસાવલ જતી ટ્રેકના 190/1 અને 190/3 કિલોમીટર વચ્ચે થયો હતો. મૃત્યુ પામેલા બંને મુસાફરોની ઉંમર આશરે 30 થી 35 વર્ષની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રીજા મુસાફરને તાત્કાલિક જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ નાસિક રોડ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઓઢા રેલવે સ્ટેશન મેનેજર આકાશ દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક જીતેન્દ્ર સપકાલે, સબ-ઇન્સ્પેક્ટર માલી અને કોન્સ્ટેબલ ભોલે સહિતની પોલીસ ટીમે મૃતદેહોનો કબજો લીધો અને પંચનામાની કાર્યવાહી શરૂ કરી.
મુસાફરો વતન પરત જઇ રહ્યા હતા
પોલીસ અને રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરો જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા. દિવાળીની સિઝન હોવાને કારણે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. અધિકારીઓ હજુ એ સ્પષ્ટ કરી શક્યા નથી કે મુસાફરો તહેવારની ઉજવણી માટે તેમના વતન જઈ રહ્યા હતા કે પછી બિહારમાં યોજાનારી આગામી ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહ્યા હતા.
પોલીસને મુસાફરોનો સામાન મળી આવ્યો છે, પરંતુ તેમની ઓળખ થઈ શકી નથી. હાલમાં મૃતકો અને ઘાયલ મુસાફરની ઓળખ માટે સઘન પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી તેમના પરિવારોને આ દુર્ઘટના વિશે જાણ કરી શકાય. આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે પણ વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ભારતમાં દિવાળીની ખરીદીની ધૂમ મચી, નેપાળનું GDP અને પાકિસ્તાનનું રક્ષા બજેટ પાછળ છૂટ્યા