Nepal માં હિંસા બાદ કાઠમંડુ એરપોર્ટ ફરી ખોલવામાં આવ્યું, પ્રવાસીઓ માટે રાહત
- Nepal માં મોટા પાયે ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો થયા
- નેપાળમાં હિંસક પ્રદર્શનના કારણે સરકારે સત્તાથી હાથ ધોવો પડ્યો
- નેપાળની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઇ રહી છે
નેપાળમાં હિંસક પ્રદર્શનના લીધે હાલ દેશની અંજપાભરી સ્થિતિને લીધે માહોલ ખરાબ થઇ જતા હાલ સેનાએ સત્તા હાથમાં લીધી છે. પહેલા કરતા સ્થિતિ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી છે. નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (TIA)ને હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે બે દિવસ બંધ રાખ્યા બાદ બુધવાર, 10 સપ્ટેમ્બર 2025ના રોજ ફરી ખોલવામાં આવ્યું છે. મંગળવારે વિરોધીઓ દ્વારા એરપોર્ટ પરિસરમાં પ્રવેશના પ્રયાસ બાદ ફ્લાઇટ સેવાઓ આંશિક રીતે સ્થગિત કરાઈ હતી. TIA નાગરિક ઉડ્ડયન કાર્યાલયે એરપોર્ટ સુરક્ષા સમિતિની બેઠક બાદ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુસાફરોને એરલાઇન્સ સાથે ફ્લાઇટ શેડ્યૂલ અને ટિકિટની વ્યવસ્થા તપાસવાની સલાહ આપવામાં આવી છે.
Nepal કાઠમંડુ એરપોર્ટ ફરી ખુલ્યું
નેપાળમાં મોટા પાયે ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે સેંકડો વિદેશી નાગરિકો ફસાયેલા છે. એરપોર્ટ બંધ થવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર અસર પડી, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ ગયા હતા. નેપાળ સેનાએ વિરોધની આડમાં સંભવિત હિંસા રોકવા રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધક આદેશ અને કર્ફ્યુ લાદ્યો છે, જેની અસર એરપોર્ટની કામગીરી પર પણ પડી હતી.
Nepal માં સેનાએ પ્રવાસીઓને લઇને આપ્યું નિવેદન
નેપાળ સેનાએ ફસાયેલા વિદેશી નાગરિકોને નજીકની સુરક્ષા ચોકી અથવા સુરક્ષા કર્મચારીઓનો સંપર્ક કરવા જણાવ્યું છે. સેનાએ હોટલ, પ્રવાસન ઉદ્યોગ અને સંબંધિત એજન્સીઓને પણ જરૂરિયાતમંદ પ્રવાસીઓને મદદ પૂરી પાડવાની અપીલ કરી છે. એરલાઇન્સે મુસાફરોને નિયમિત અપડેટ્સ માટે સંપર્કમાં રહેવાની સલાહ આપી છે.
હોટેલ એસોસિએશન નેપાળ (HAN) એ તમામ હિસ્સેદારોને પ્રવાસીઓ માટે પ્રવાસન-મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવા માટે સહયોગની વિનંતી કરી છે. HAN એ નેપાળ પ્રવાસન બોર્ડ અને નેપાળ સેના સાથે સંકલન કરીને ફસાયેલા પ્રવાસીઓને રહેવાની સુવિધા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે હોટલાઇન નંબર (9851031495) જારી કર્યો છે.
આ પણ વાંચો: નેપાળમાં તખ્તાપલટ પર ચીનનું પ્રથમ નિવેદન : 'મિત્ર' ઓલીના રાજીનામા પર મૌન