Kheda Land Scam: વાંઠવાળી જમીન કૌભાંડમાં 56 દિવસ બાદ માસ્ટરમાઈન્ડ શિક્ષક ઝડપાયો, જાણો વધુ
- Kheda Land Scam: માસ્ટરમાઈન્ડ શિક્ષકની 56 દિવસ બાદ ધરપકડ
- આરોપી શિક્ષક આશિષ પટેલની મહેમદાવાદ પોલીસે કરી ધરપકડ
- 8 આરોપીઓ પૈકી અત્યાર સુધી 5 આરોપી થયા જેલહવાલે
Kheda Land Scam: ખેડા જિલ્લાના મહેમદાવાદ (Mahemdavad) તાલુકામાં સરકારી જમીન બારોબાર વેચી દેવાના બહુચર્ચિત કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઈન્ડ ગણાતા શિક્ષક આશિષ પટેલ (Ashish Patel) ની મહેમદાવાદ પોલીસે 56 દિવસની લાંબી શોધખોળ બાદ આખરે ધરપકડ કરી છે. વાંઠવાળી(Vanthvali) ગામે સિંચાઈ વિભાગની કિંમતી જમીન ખોટા દસ્તાવેજોના આધારે વેચી દેવાનું આ રેકેટ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું.
Kheda Land Scam માં પોલીસની કાર્યવાહી
આક્ષેપ છે કે આરોપી આશિષ પટેલે સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખીને વાંઠવાડીની સિંચાઈ વિભાગની જમીનના ડમી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ જમીન ખાનગી વ્યક્તિઓને વેચીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જ્યારે આ મામલો સપાટી પર આવ્યો, ત્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ધરપકડથી બચવા માટે આશિષ પટેલ છેલ્લા બે મહિનાથી પોલીસને હંફાવી રહ્યો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે તેને દબોચી લીધો છે.
આરોપીઓની સ્થિતિ અને કાયદાકીય ગૂંચ
આ જમીન કૌભાંડમાં કુલ 8 આરોપીઓના નામ સામે આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આશિષ પટેલ સહિત કુલ 5 આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે. બાકીના આરોપીઓ પૈકી 1 આરોપીનું કુદરતી મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 1 આરોપીએ ધરપકડથી બચવા માટે હાઇકોર્ટ (High Court) ના દ્વાર ખટખટાવ્યા છે. આ કૌભાંડમાં મહેસૂલ વિભાગના અન્ય કર્મચારીઓની મિલીભગત છે કે કેમ તે દિશામાં પણ હવે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Kutch: કાઠડા ગામે ગૌચર જમીન મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી, તો વહીવટી તંત્ર દોડતું થયું
લોકોમાં આક્રોશ અને આગામી તપાસ
એક જવાબદાર શિક્ષક હોવા છતાં આ પ્રકારે જમીન માફિયા તરીકેની ભૂમિકા ભજવતા આશિષ પટેલ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવીને આ કૌભાંડમાં મેળવેલી રકમ ક્યાં રોકવામાં આવી છે અને અન્ય કેટલા સરકારી પ્લોટ ટાર્ગેટ પર હતા, તેની વિગતો મેળવશે. મહેમદાવાદ પોલીસ (Mahemdavad Police) ની આ કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચોઃ Kheda: 'આરોપીઓએ મને દબાણ કરી ખેડૂત ખરાઈ કરાવી હતી' તલાટીએ ઉચ્ચ અધિકારીઓ સામે આંગળી ચીંધી!


