Kheda: આકાશમાં ઉડશે એકતાનો સંદેશ! ઠાસરાના બે મિત્રોએ બનાવી ભવ્ય 'સર્વધર્મ સમભાવ' પતંગ, જુઓ
- Kheda: વાસદ ખાતે તૈયાર કરાયેલી 16 ફૂટ લાંબી અને 20 ફૂટ પહોળી પતંગ
- પતંગ પર ચારેય ધર્મોના ચિન્હો દ્વારા 'સર્વધર્મ સમભાવ'ની પ્રસ્તુતિ
- સતત 7 દિવસની મહેનત બાદ વિશાળ પતંગ તૈયાર
Kheda: ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર આનંદનું સાધન નથી, પરંતુ તે સામાજિક એકતા અને ભાઈચારાનું પણ પ્રતીક છે. ઉત્તરાયણનો પર્વ નજીક છે ત્યારે આકાશમાં રંગબેરંગી પતંગોની સાથે આ વખતે ખેડા (Kheda) જિલ્લાના બે મિત્રોએ ભાઈચારાનો એક એવો પતંગ (Kite) તૈયાર કરી છે, જેની ચર્ચા આખા પંથકમાં થઈ રહી છે. ખેડા જિલ્લાના ઠાસરા (Thasra)ના રહેવાસી રાવજીભાઈ બાબુભાઈ ઓડ ( Ravajibhai Od) અને મહંમદભાઈ જે. વ્હોરા (Muhammadbhai J. Vohra) એ પોતાની 26 વર્ષ જૂની મૈત્રી અને કોમી એકતાના પ્રતીક સમાન એક વિશાળ પતંગ બનાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
26 વર્ષની અવિરત પરંપરા
વર્ષ 1999થી શરૂ થયેલી આ સફર આજે 2026માં પણ એટલી જ જોશ અને ઉત્સાહ સાથે બરકરાર છે. રાવજીભાઈ અને મહંમદભાઈની આ જોડી છેલ્લા 26 વર્ષથી દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે કંઈક વિશેષ પતંગ ઠાસરામાં બનાવે છે. જો કે આવર્ષે તેમણે આણંદ જિલ્લાના વાસદ મુકામે આવેલી 'અમર વાટિકા' ખાતે 16 ફૂટ લાંબી અને 20 ફૂટ પહોળી એક ભવ્ય પતંગ તૈયાર કરી છે. આ પતંગ માત્ર કદમાં જ વિશાળ નથી, પરંતુ તેનો ઉદ્દેશ્ય પણ તેટલો જ મહાન છે.
સર્વધર્મ સમભાવનો દિવ્ય સંદેશ (Equality Between All Religions)
આ પતંગની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ એમ ચારેય મુખ્ય ધર્મોના પવિત્ર ચિન્હોને સુંદર રીતે અંકિત કરવામાં આવ્યા છે. આજના સમયમાં જ્યારે વિશ્વમાં અશાંતિ અને ભાગલાવાદી તત્વો સક્રિય છે, ત્યારે આ પતંગ 'સર્વધર્મ સમભાવ' અને 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાને વેગ આપે છે. રાવજીભાઈ જણાવે છે કે, "અમે ઇચ્છીએ છીએ કે જે રીતે આકાશમાં પતંગ મુક્ત રીતે ઉડે છે, તેવી જ રીતે સમાજમાં પણ દરેક ધર્મના લોકો હળીમળીને રહે અને વિશ્વમાં શાંતિ અને બંધુત્વની ભાવના ફેલાય."
ઠાસરાના રાવજીભાઈ-મહંમદભાઈની 26 વર્ષની અનોખી પરંપરા
સર્વધર્મ સમભાવનો સંદેશ આપતી વિશાળકાય પતંગ
વાસદમાં 16x20 ફૂટની પતંગ બની આકર્ષણ
ભાઈચારું અને વિશ્વશાંતિનો સંદેશ આપતો પ્રયાસ#CommunalHarmony #UnityInDiversity #KiteFestival #PeaceMessage #Brotherhood #SarvaDharmaSamabhav… pic.twitter.com/oA0P7EEOsx— Gujarat First (@GujaratFirst) January 11, 2026
કલાકોની મહેનત અને આર્થિક યોગદાન
આ વિશાળકાય પતંગ બનાવવી એ કોઈ સરળ કામ નહોતું. પહેલી જાન્યુઆરીથી આ બંને મિત્રોએ દિવસ-રાત એક કરીને સતત એક અઠવાડિયા સુધી મહેનત કરી છે. પતંગ બનાવવા માટે ખાસ પ્રકારના મજબૂત વાંસ, ફેવિકોલ અને પતંગના કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પતંગને ઉડાવવ માટે લગભગ 8 કિલો જેટલા ખાટલા ભરવાના ઊનનો ઉપયોગ થયો છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 5,000 રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે, જે આ બંને મિત્રોએ સ્વખર્ચે અને ઉત્સાહભેર કર્યો છે.
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સુધી પહોંચવાની નેમ
આ અનોખી જોડીની એક દિલની ઈચ્છા છે કે તેમની આ મહેનત અને આ સુંદર સંદેશ ભારતની અત્યંત લોકપ્રિય સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં દર્શાવવામાં આવે. તેમનું માનવું છે કે આ સિરિયલ હંમેશા સામાજિક એકતા અને ગોકુલધામ સોસાયટીના માધ્યમથી લઘુ ભારતનું દર્શન કરાવે છે. જો તેમની આ પતંગ આ પ્લેટફોર્મ પર દેખાય, તો 'સર્વધર્મ સમભાવ'નો આ વિચાર કરોડો લોકો સુધી પહોંચી શકે છે અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
Kheda: લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
હાલ વાસદમાં 16x20 ફૂટની આ પતંગને જોવા લોકો જોવા માટે ઉમટી રહ્યા છે. સ્થાનિક રહીશો અને લોકો બંને મિત્રોના અનોખા પ્રયાસ અને તેમની 26 વર્ષ જૂની મિત્રતાને બિરદાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે રાવજીભાઈ અને મહંમદભાઈની આ જોડી સાચા અર્થમાં ભારતીય એકતા અને સંસ્કૃતિને જાળવનાર વારસદાર છે. આમ, ઉત્તરાયણના આ પર્વે આ પતંગ ભલે આકાશની ઊંચાઈઓને આંબે કે ન આંબે, પરંતુ માનવતા અને એકતાની જે ઊંચાઈ આ બંને મિત્રોએ સર કરી છે, તે ચોક્કસપણે પ્રશંસનીય છે.
આ પણ વાંચોઃ Kheda: '3 દિવસે એક વખત મળે છે પાણી', પાણીની સમસ્યા અંગે મહિસાના ગ્રામજનોએ શું કહ્યું?


