Banaskantha: જૂના ડીસામાં એક જ રાતમાં ત્રણ દુકાનોના તાળા તૂટ્યા
- Banaskantha: ડીસા-પાટણ હાઈવે પર એક જ રાતમાં ત્રણ દુકાનોના તાળા તૂટ્યા
- તસ્કરો ગત મોડી રાત્રે અંદાજે 1 લાખની મત્તાની ચોરી કરી રફુચક્કર
- પોલીસે હાઈવે પરના CCTV ફૂટેજ મેળવી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો પારો ગગડતાની સાથે જ તસ્કરો સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. ડીસા નજીક આવેલા જૂના ડીસા ગામમાં ગત મોડી રાત્રે ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. તસ્કરો (Thieves) એ ડીસા-પાટણ હાઈવે પર આવેલી ત્રણ અલગ-અલગ દુકાનો (Shops) ને નિશાન બનાવી અંદાજે એક લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરોએ હાઈવે પર મચાવ્યો તરખાટ
પ્રાપ્ત વિગતો અનુસાર, હાલમાં ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે, જેનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરી ડીસા-પાટણ હાઈવે પર જૂના ડીસા નજીક આવેલી ત્રણ મોટી દુકાનોમાં થઈ છે. જેમાં બહુચર સ્ટીલ ટ્રેડર્સ, મહાકાળી એગ્રો સેન્ટર, ભારત એલ્યુમિનિયમ એન્ડ પીવીસી ફર્નિચરનો સમાવેશ થાય છે. તસ્કરોએ આ ત્રણેય દુકાનોના શટર અથવા તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ગલ્લામાં રાખેલી રોકડ રકમ સહિત અન્ય કિંમતી સામાનની ચોરી કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, ત્રણેય દુકાનોમાંથી મળીને કુલ એક લાખ રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા જ વેપારીઓને થતા...
વહેલી સવારે જ્યારે આસપાસના લોકો અને દુકાનદારો પોતાની દુકાને પહોંચ્યા ત્યારે શટરના તાળા તૂટેલા જોઈ ચોંકી ઉઠ્યા હતા. ચોરીની આ ઘટના વાયુવેગે ફેલાતા અન્ય સ્થાનિક વેપારીઓ પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ભોગ બનનાર વેપારીઓએ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચોઃ Kheda જીલ્લાનો દબદબો!, પૂર્વ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકે વરણી
Banaskantha: પોલીસ તપાસ
ચોરીની ઘટનાની જાણ થતાં જ ડીસા પોલીસનો કાફલો તાત્કાલિક જૂના ડીસા ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી વેપારીઓની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. તસ્કરો કઈ દિશામાં ભાગ્યા છે તે જાણવા માટે પોલીસે ડીસા-પાટણ હાઈવે પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ મેળવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. હાઈવે જેવા ધમધમતા માર્ગ પર આવેલી દુકાનોમાં એકસાથે ત્રણ જગ્યાએ ચોરી થતા વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે કે આ ચોરીનો ભેદ સત્વરે ઉકેલવામાં આવે અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે.
અહેવાલઃ કમલેશ રાવલ
આ પણ વાંચોઃ Surendranagar: કલેક્ટર કચેરીમાં EDના દરોડા બાદ સપાટો, કોની અને કેટલી ફાઈલો NA થઈ તે દિશામાં તપાસ!


