Madhya Pradesh : પિતાના અંતિમ સંસ્કારને લઈને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો
- કિશન નશાની હાલતમાં હતો અને તેણે વિવાદાસ્પદ માંગણી કરી
- પિતાના અંતિમ સંસ્કારને લઈને બે ભાઈઓ વચ્ચે વિવાદ થયો
- પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી અને સમજાવવાનો પ્રયાસ કર્યો
Madhya Pradesh : ટીકમગઢ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પિતાના અંતિમ સંસ્કારને લઈને બે ભાઈઓ વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે મોટા ભાઈએ પિતાના મૃતદેહનો અડધો ભાગ માંગી લીધો હતો. આ મામલો લિધોરાતાલ ગામનો છે, જે જિલ્લા મુખ્યાલયથી લગભગ 45 કિલોમીટર દૂર છે.
શું છે આખો મામલો?
એક અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે 84 વર્ષીય ધ્યાની સિંહ ઘોષ લાંબા સમયથી બીમાર હતા અને રવિવારે તેમનું અવસાન થયું હતું, તેઓ તેમના નાના પુત્ર દેશરાજ સાથે રહેતા હતા. જ્યારે મોટા દીકરા કિશનને તેના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા, ત્યારે તે ગામ પહોંચ્યો હતો. ગામ પહોંચ્યા પછી, કિશનએ કહ્યું કે તે તેના પિતાના અંતિમ સંસ્કાર કરશે, જ્યારે નાના દીકરા દેશરાજે દાવો કર્યો કે તે તેના પિતાની ઇચ્છા હતી કે તે તેમના અંતિમ સંસ્કાર કરે. આ બાબતે બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર દલીલ શરૂ થઈ ગઈ.
પોલીસ બોલાવવી પડી
જ્યારે ગામલોકોએ મામલો વધુ ખરાબ થતો જોયો, ત્યારે તેમણે પોલીસને જાણ કરી હતી. જાતારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અરવિંદ સિંહ ડાંગીએ જણાવ્યું હતું કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને જાણવા મળ્યું કે કિશન નશાની હાલતમાં હતો અને તેણે વિવાદાસ્પદ માંગણી કરી હતી કે મૃતદેહને બે ભાગમાં વહેંચી દેવામાં આવે જેથી બંને ભાઈઓ અંતિમ સંસ્કાર કરી શકે.
પોલીસે સમજાવીને મુદ્દો ઉકેલ્યો
પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી અને કિશનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘણા પ્રયત્નો પછી, પોલીસ તેને સમજાવવામાં સફળ રહી અને તે શાંત થઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ પછી, નાના દીકરા દેશરાજે તેના પિતાના અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યા હતા. આ ઘટના આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે એક પુત્ર પોતાના પિતાના શરીરના ભાગલાની માંગ કેવી રીતે કરી શકે છે.
આ પણ વાંચો: Surat: લગ્નમાં પોલીસે છેલ્લી ઘડીએ કંઈક એવું કર્યું જેની હવે આખા ગુજરાતમાં ચર્ચા