Mahakumbh: સનાતનીઓની સુરક્ષા માટે ધર્મ સંસદનું આયોજન, સનાતન બોર્ડ માટે સાધુ-સંતોની માંગણી
- દેવકીનંદન ઠાકુર સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
- ધર્મ સંસદ શરૂ થતાં પહેલા દેવકીનંદનએ એજન્ડા જણાવ્યો
- મહાકુંભમાં ચોથી ધર્મ સંસદ સભાનું આયોજન કરવામાં આવ્યું
મહાકુંભનો આજે 15મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. વિશ્વવિખ્યાત કથાકાર દેવકીનંદન ઠાકુર સાથે ગુજરાત ફર્સ્ટના આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
દેવકીનંદનએ જણાવ્યું કે, ધર્મ સંસદમાં ઉપસ્થિત તમામ સનાતન ધર્મના ધર્માચાર્ય છે તેઓ ઈચ્છે છે કે, સનાતનીઓની સુરક્ષા થાય અને અમને આશા છે કે ધર્મ સંસદ સનાતનીઓનું હિત કરશે. કૃષ્ણ ભૂમિ, સનાતન બોર્ડ, સનાતનીઓની રક્ષા, ગૌમાતાની રક્ષાનો એજન્ડા છે. અને અમને આશા છે કે, અહીંયા જેટલા પણ પ્રધાનાચાર્ય પધાર્યા છે તેઓ સનાતનીઓને માર્ગદર્શન આપશે.
સનાતન બોર્ડના ગઠનથી ભારતને શું ફાયદો થશે?
સનાતન બોર્ડ સરકાર બનાવશે તો મંદિરની સંપત્તિ અને મંદિરની જગ્યાને કોઈ વેચી શકશે નહીં, મંદિરોની જગ્યાને લોકો કોઈપણને વેચાણ આપે છે તો તે વેચાણ અટકી જશે, મંદિરની સંપત્તિથી ગુરુકુળ બનશે જે મોર્ડન હશે, જે અંગ્રેજી મીડિયમની સાથે આપણા સંસ્કારનો પણ અભ્યાસ કરાવશે. તેમજ ગૌશાળા, હોસ્પિટલ તેમજ એવા લોકોની સુરક્ષા કરવામાં આવશે જે લોકો રૂપિયાના અભાવથી ધર્મ પરિવર્તન કરતા હોય છે તેમની પણ સુરક્ષા કરવામાં આવશે. હાલમાં સનાતનીઓની મિલકતનો દુરઉપયોગ થઈ રહ્યો છે. જેનો યોગ્ય ઉપયોગ થઈ શકે.
સનાતન બોર્ડ બનાવવામાં સરકાર પર કેટલો વિશ્વાસ?
સનાતન બોર્ડ અંગે સરકાર મદદ કરશે કે કેમ? તે અંગે દેવકીનંદનએ જણાવ્યું કે, આ સરકાર ધર્મનો આદર કરનારી સરકાર છે. ધર્મને માનવાવાળી સરકાર પાસે અમારી આશા છે, યોગીજી કેટલા ધાર્મિક છે અને સંત પણ છે. મોદીજી તેઓ પણ સનાતનીઓને માને છે અને અમિત શાહ પણ વૈષ્ણવ છે અને તેઓ પ્રયાગરાજ આવ્યા છે તો તેમની જોડે પણ અમને આશા છે કે સનાતન બોર્ડની રચના થશે.
સિક્કિમથી પધારેલા સાધુ-સંતોએ શું કહ્યું?
સિક્કિમથી પધારેલા સાધુ-સંતોએ કહ્યું કે, અમે સિક્કિમથી આવ્યા છીએ. સમગ્ર રાષ્ટ્રને સનાતન બોર્ડ જોઈએ છે. સિક્કીમના દરેક સનાતનીના પક્ષમાં અનેક લોકો પ્રતિનિધિત્વ કરીને આવ્યા છીએ. અમને લોકોને સનાતન બોર્ડ અને સનાતન સંસદ જોઈએ છે અને સનાતનની રક્ષા જોઈએ છે. અમારા સિક્કિમમાં સનાતનીઓ પરેશાન થઈ રહ્યા છે. દિવસેને દિવસે લોકો ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મમાં જઈ રહ્યા છે. અમારી સનાતન સંસ્કૃતિને ક્ષતિ પહોંચી રહી છે. જ્યાં સુધી અમારું સનાતન બોર્ડ બનશે નહીં ત્યાં સુધી અમારી રક્ષા થશે નહીં. અમારે સનાતન બોર્ડ જોઈએ છે અને સનાતનની રક્ષા થવી જોઈએ.
સમગ્ર દેશમાંથી આવતા સાધુ, સંતોની માગણી છે કે સનાતન બોર્ડ જોઈએ છે. મહારાષ્ટ્રથી આવતા એક સાધુએ જણાવ્યું કે, અમારે હિન્દુ રાષ્ટ્ર જોઈએ છે દરેક હિન્દુએ એક થવું પડશે.
આ પણ વાંચો: Mahakumbh: આગામી ત્રણ પેઢીઓ પછી આ મહાકુંભનો અવસર આપણને પ્રાપ્ત થશે: સાંવરિયા શેઠ