Mahua Moitra Egg Attack : પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં રાજકીય વાતાવરણ ફરી એકવાર ગરમાયું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે નાદિયાના કાલીગંજ સ્થિત પાર્ટી ઓફિસમાં બીજેપી સમર્થકો દ્વારા તેમની પર ઇંડા અને રીંગણ ફેંકવામાં આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો છે અને રાજકીય વિવાદ વધુ વકર્યો છે.
નાદિયામાં તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રા પર ઇંડા અને રીંગણથી હુમલો
પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અને સંઘર્ષની ઘટનાઓ નવી નથી, પરંતુ આ વખતે તૃણમૂલ કોંગ્રેસના હાઈ-પ્રોફાઈલ સાંસદ મહુઆ મોઇત્રા આ વિવાદના કેન્દ્રમાં છે. મહુઆ મોઇત્રાના જણાવ્યા અનુસાર, તેઓ નાદિયા જિલ્લાના કાલીગંજમાં અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસની પાર્ટી ઓફિસમાં હાજર હતા. આ સમયે બહારથી બીજેપી સમર્થકો દ્વારા પાર્ટી ઓફિસની ત્રીજા માળની બારીઓ અને બાલકનીને નિશાન બનાવીને ઇંડા અને રીંગણ ફેંકવામાં આવ્યા હતા .
મહુઆ મોઈત્રાએ સોશિયલ મીડિયા પર ઘટના કરી શેર
આ ઘટના એવા સમયે બની છે જ્યારે રાજ્યમાં પંચાયત ચૂંટણી બાદ પણ રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. મહુઆ મોઇત્રાએ આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે અને વિરોધ પ્રદર્શિત કર્યો છે. જો કે, બીજેપી દ્વારા આ આરોપો પર હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે.
પોલીસ મૂરદર્શક બની રહી: મહુઆ મોઇત્રાનો દાવો
આ હુમલા બાદ મહુઆ મોઇત્રાએ માત્ર બીજેપી પર જ નહીં, પરંતુ રાજ્યની પોલીસ વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે . ફેસબુક લાઈવમાં તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે હુમલો થઈ રહ્યો હતો, ત્યારે પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે પોલીસ હાજર હોવા છતાં, કોઈ પણ અસરકારક કાર્યવાહી કરવાને બદલે તે માત્ર મૂકદર્શક બનીને તમાશો જોઈ રહી હતી.
બીજેપી પર ગંભીર આરોપ
મહુઆ મોઇત્રાએ આક્ષેપ કર્યો કે બંગાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવવાને બદલે પોલીસ રાજકીય દબાણમાં કામ કરી રહી છે અથવા તો નિષ્ક્રિય બની ગઈ છે. તેમણે આ ઘટનાને બીજેપીની 'ઇંડા રાજનીતિ' નો ભાગ ગણાવીને કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ તરફથી આ મામલામાં હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, જે પોલીસની ભૂમિકા પર વધુ સવાલો ઉભા કરે છે.
'ઇંડા ફેંકવાની ઘટના' પર કોલકાતા હાઇકોર્ટની કડક ટિપ્પણી
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે કોલકાતા હાઇકોર્ટ પશ્ચિમ બંગાળમાં રાજકીય વિરોધીઓ અથવા વિવિધ કેસોના આરોપીઓ પર ઇંડા ફેંકવાની વધતી જતી ઘટનાઓ અંગે ગંભીર ટિપ્પણી કરી છે. મંગળવારે, આ અંગે દાખલ કરાયેલી જનહિત અરજી (PIL) પર સુનાવણી કરતી વખતે એક્ટિંગ ચીફ જસ્ટિસ તપબ્રત ચક્રવર્તી અને જસ્ટિસ પાર્થ સારથી ચેટર્જીની ખંડપીઠે રાજ્ય સરકારને કડક નિર્દેશ આપ્યા છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ઇંડા ફેંકવાની દરેક ઘટનામાં પોલીસે અનિવાર્યપણે FIR નોંધવી પડશે. સુનાવણી દરમિયાન, અદાલતે મૌખિક ટિપ્પણી કરી કે કોઈ વ્યક્તિ પર આરોપ હોવાનો અર્થ એ નથી કે તેના મૌલિક અધિકારો સમાપ્ત થઈ જાય. અદાલતે એ પણ ઉમેર્યું કે જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં હોય અથવા રાજ્યની સુરક્ષામાં હોય, ત્યારે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવી રાજ્ય સરકારની જવાબદારી છે.
હાઈકોર્ટે બંગાળ સરકારને આપ્યો સ્પષ્ટ આદેશ
હાઇકોર્ટે બંગાળ સરકારને 20 જુલાઈ સુધીમાં એફિડેવિટ દાખલ કરીને એ જણાવવા પણ કહ્યું છે કે ઇંડા ફેંકવાની ઘટનાઓને રોકવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે અને અત્યાર સુધી આવા કેટલા કેસોમાં FIR નોંધવામાં આવી છે. અદાલતે રાજ્ય સરકારને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો છે. બીજી તરફ, રાજ્ય સરકાર વતી રજૂ થયેલા એડિશનલ એડવોકેટ જનરલે કહ્યું કે સરકારનું સ્પષ્ટ વલણ છે કે કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી આપી શકાય નહીં. તેમણે માહિતી આપી કે કેટલાક કેસોમાં આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Ram Mandir Donation Scam : રામ મંદિર કૌભાંડ પર બાબા બાગેશ્વરનો મોટો ધડાકો, "નામ ખોલીશ તો મને પતાવી દેશે"