ટ્રમ્પના દાવા પર ભારતના વિદેશ મંત્રાલયે આપી મોટી પ્રતિક્રિયા,ગેરકાયદેસર પરમાણુ પ્રવૃત્તિઓ પાકિસ્તાનના ઇતિહાસનો ભાગ
- Pakistan Nuclear Test: વિદેશ મંત્રાલયે પાકિસ્તાન પર કર્યા પ્રહાર
- ટ્રમ્પના દાપા પર ભારતે આપી મોટી પ્રતિક્રિયા
- ગેરકાયદેસર પરમાણુ પ્રવૃતિઓ પાકિસ્તાન ઇતિહાસનો ભાગ છે
વિદેશ મંત્રાલય (MEA) એ તાજેતરમાં પાકિસ્તાન અને અમેરિકા સાથેના ભારતના સંબંધોને લગતા અનેક મહત્ત્વના મુદ્દાઓ પર નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારત પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણોના વિષયથી સંપૂર્ણપણે અવગત છે.
Pakistan Nuclear Test: ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર ભારતની પ્રતિક્રિયા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણો કરવાના કરેલા ચોંકાવનારા દાવાને પગલે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યૂમાં રશિયા, ચીન અને ઉત્તર કોરિયાની સાથે પાકિસ્તાન પણ અણુ પરીક્ષણો કરી રહ્યું હોવાનું નિવેદન આપ્યું હતું, જેના કારણે અમેરિકાએ પણ તેના પરમાણુ પરીક્ષણો ફરી શરૂ કરવા જોઈએ. આ ગંભીર આરોપના સંદર્ભમાં ભારતે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે.
Pakistan Nuclear Test: ભારતના વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્રમ્પના નિવેદનની નોંધ લેતા પાકિસ્તાનના ઈતિહાસ તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન દોર્યું છે. ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાનની 'ગુપ્ત અને ગેરકાયદેસર પરમાણુ પ્રવૃત્તિઓ' તેના ઈતિહાસ સાથે સુસંગત છે, જે દાયકાઓની તસ્કરી, નિકાસ નિયંત્રણોના ઉલ્લંઘન, ગુપ્ત ભાગીદારીઓ અને એ.ક્યૂ. ખાન નેટવર્ક તથા પરમાણુ પ્રસાર પર કેન્દ્રિત છે. ભારતે હંમેશા પાકિસ્તાનના આ પાસાઓ તરફ વિશ્વનું ધ્યાન દોર્યું છે. આ પૃષ્ઠભૂમિમાં, ભારતે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણ અંગેની ટિપ્પણીને ગંભીરતાથી નોંધી લીધી છે.બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ અંગેના નિવેદનથી જોડાયેલા સવાલ પર MEA પ્રવક્તાએ મૌન સેવ્યું હતું. તેમણે કહ્યું કે, "જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત યાત્રા વિશેની ટિપ્પણીઓનો સવાલ છે, મારી પાસે આ વિશે શેર કરવા માટે કંઈ નથી. જ્યારે મારી પાસે આ અંગે માહિતી હશે, ત્યારે મીડિયા સાથે જાણકારી શેર કરવામાં આવશે." ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની સારી વાતચીતનો ઉલ્લેખ કરી જલ્દી ભારત પ્રવાસે આવવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ભારતને સમાવતા વ્યૂહાત્મક સંગઠન ક્વાડ (QUAD) અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચારેય ક્વાડ ભાગીદારો હિંદ-પ્રશાંત ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા માટે તેને એક અત્યંત મહત્ત્વપૂર્ણ મંચ તરીકે જુએ છે.
અફઘાનિસ્તાન સંબંધિત સવાલો પર પ્રવક્તાએ માહિતી આપી હતી કે, તાજેતરમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી ભારત આવ્યા હતા, જ્યાં વિકાસ અને સહયોગના સંદર્ભમાં વિગતવાર વાતચીત થઈ હતી. કાબુલમાં ભારતના ટેકનિકલ મિશનને દૂતાવાસ તરીકે અપગ્રેડ કરવાના મુદ્દે તેમણે કહ્યું કે, તેની કાર્યક્ષમતા અને જવાબદારીઓ વધારવા અંગે વિચારણા ચાલી રહી છે, અને આ અંગેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે.
આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર 'ખોટા GPS સિગ્નલ'ના કારણે 7 દિવસ સુધી વિમાન સંચાલન ખોરવાયું! તપાસના અપાયા આદેશ