Mehsana : ઊંઝામાં ફૂડ સેફ્ટીના કેસમાં 3 આરોપીઓ દોષિત, કોર્ટ ઉઠે ત્યાં સુધીની સજા અને દંડ
- Mehsana : ઊંઝામાં ભેળસેળિયાઓને કોર્ટનો કડક આંચકો – રૂ. 2.40 લાખ દંડ, 8.5 ટન ઝેરી મસાલાનો નાશ
- જીરું-વરિયાળીમાં ઝેર ભેળવનારા ત્રણ વેપારીઓ દોષિત – કોર્ટે ફટકાર્યો રેકોર્ડ દંડ
- મહેસાણાના ઊંઝામાં ઐતિહાસિક ચુકાદો – ભેળસેળ કરનારાઓએ ગુનો કબૂલ્યો, જેલ અને દંડની સજા
- 3.3 ટન બનાવટી જીરું, 5.2 ટન નકલી વરિયાળી – ઊંઝા કોર્ટે આદેશ આપ્યો નાશ કરવાનો
Mehsana : ગુજરાતના મસાલા બજારના હાર્ટ એવા ઊંઝામાં ફૂડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહી કરી હતી તેનો આજે ઐતિહાસિક ચૂકાદો આવ્યો છે. ઊંઝાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે જીરું અને વરિયાળીમાં ઝેરી ભેળસેળ કરનારા ત્રણેય વેપારીઓને દોષિત ઠેરવીને કુલ રૂ. 2,40,000નો દંડ અને કોર્ટ ઉઠે ત્યાં સુધીની સજા ફટકારી છે. દંડ નહીં ભરે તો દરેકને એક-એક મહિનાની સાદી કેદ ભોગવવી પડશે. આ સાથે જ કોર્ટે 3.3 ટન બનાવટી જીરું અને 5.2 ટન કલર કરેલી વરિયાળી નષ્ટ કરવાનો આદેશ આપ્યો છે.
આ કેસની શરૂઆત 2022-23માં થઈ હતી જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ની ટીમે ઊંઝાના મસાલા માર્કેટમાં રેડ પાડી હતી. સેમ્પલ લેબોરેટરીમાં મોકલતાં જ ચોંકાવનારો અહેવાલ આવ્યો હતો. જીરું અને વરિયાળીમાં ઝેરી કેમિકલ્સ, રંગ, તેલના અવશેષો અને અન્ય હાનિકારક પદાર્થોની ભેળસેળ હતી. આ સામગ્રી લોકોના આરોગ્ય માટે ખતરનાક હોવાથી તુરંત અન-સેફ રિપોર્ટ આવ્યો અને ત્રણેય વેપારીઓ સામે ક્રિમિનલ કેસ નોંધાયો હતો.
આ કેસમાં ખાસ વાત એ રહી કે ત્રણેય આરોપીઓએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો, જેના કારણે કેસ ઝડપથી પત્યો અને આજે ચુકાદો આવ્યો હતો. FDCAના અધિકારીઓએ જણાવ્યું કે, “આ ચુકાદો ગુજરાતના મસાલા વેપારમાં ભેળસેળ કરનારાઓ માટે મજબૂત સંદેશ છે. આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહીઓ ચાલુ રહેશે.”
ઊંઝા એ ગુજરાતનું સૌથી મોટું જીરું-વરિયાળી માર્કેટ છે. અહીંથી દરરોજ સેંકડો ટન મસાલો દેશ-વિદેશમાં જાય છે. આવી ભેળસેળના કેસથી માત્ર ગુજરાતની જ નહીં, પરંતુ ભારતની મસાલા બ્રાન્ડની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચે છે. આ સાથે જ ભેળસેળવાળી વરિયાળી અને જીરૂં લોકોના સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક બને છે. આજનો ચુકાદો એ દિશામાં એક મજબૂત પગલું છે. આ કેસની સફળતા FDCAની ટીમ, લેબોરેટરીના વૈજ્ઞાનિકો અને કોર્ટની કાર્યવાહીનું પરિણામ છે. ગુજરાતના લોકો હવે નિશ્ચિંત રહી શકે છે કે તેમની થાળીમાં પડતા મસાલાઓની સુરક્ષા માટે સરકાર સતર્ક છે.
આરોપીઓની વિગતો અને સજા
જયકુમાર પટેલ – રૂ. 45,000 દંડ + કોર્ટ ઉઠે ત્યાં સુધીની સજા
લલિતકુમાર પટેલ – રૂ.45,000 દંડ + કોર્ટ ઉઠે ત્યાં સુધીની સજા
ધર્મેન્દ્રકુમાર પટેલ (વરિયાળી કેસ) – રૂ. 1,50,000 દંડ + કોર્ટ ઉઠે ત્યાં સુધીની સજા
આ પણ વાંચો- Surat : બોલો! Narayan Sai ના સેપરેટ સેલમાંથી મળી આવ્યો મોબાઈલ..!


