Surat : આધેડ પર કેરી ચોરીનો આરોપ મૂકી આંબાના વૃક્ષ સાથે બાંધી ઢોર માર મારતા મોત
- બારડોલી તાલુકાના અકોટી ગામે આંબાવાડીમાં આધેડની હત્યા
- આધેડ પર કેરીની ચોરીનો આરોપ મૂકી મૂઢ માર મારવામાં આવ્યો
- આંબાવાડી ભાડે રાખનાર બારડોલીના શખ્સે ઢોર માર માર્યો
સુરત ખટોદરા ખાતે બમરોલી રોડ ઉપર આત્માનંદ સોસાયટીમાં સુરજ સુરેશ રામમનોરથ વર્મા અન્ય મિત્રો સાથે રહીને હોટલ ચલાવે છે. સુરજના પિતા સુરેશ રામમનોરથ વર્મા પતી ભાનુમતી સહિત પરિવાર સાથે વતન પુરેના ગામ રહેતા હતાં. સુરેશ વર્માને તા.૨-૪-૨૦૨૫ના રોજ વતનના અસ્ફાક અબ્દુલ રઉફ રાયન આંબાવાડીમાં કામ કરવા માટે લઈ આવ્યો હતો. અસ્ફાક રાયન આંબાવાડી ભાડે રાખી કેરીના વેચાણનો ધંધો કરે છે. સુરેશ વર્મા વતનથી કડોદરા ચાર રસ્તા ખાતે આવતા અસ્ફાક રાયન તેને માંડવીના મોરીઠા ગામે આંબાવાડીમાં રહેવા લઈ ગયો હતો.
તા.19-5-2025 ના રોજ સુરજે પિતા સુરેશ વર્મા સાથે વાત કરતાં હું થોડા દિવસમાં વતન જવાનો છું અને હાલમાં મને મારા શેઠ અસ્કાક મોરીઠાથી બારડોલીના અકોટી ગામે બીજી આંબાવાડી ઉપર લઈ જવાના છે તેમ કહ્યું હતું. આ દરમિયાન તા.૨૧-૫-૨૦૨૫ ના રોજ સવારે ભાનુમતિએ વતનથી દીકરા સુરજને ફોન કરીને તારા પિતા ફોન ઉપાડતા નથી અને આંબાવાડીવાળા અસ્ફાક ફોન ઉપાડીને તારા પતિએ આંબાવાડીમાંથી કેરીની ચોરી કરી વેચી દીધેલી છે, તારા છોકરાને રૂ.૫૦ હજાર લઇને અહીં મોકલ પછી તારા પતિ સાથે વાત થશે તેમ કહ્યું હતું. ત્યારે તારા પિતાનો બુમો પાડતો અવાજ આવતો હતો તેમ કહેતા સુરજે અસ્ફાકને ફોન કરતા તારા પિતાજી વતન જવા નીકળી ગયા છે તેમ કહ્યું હતું.
બારડોલી રૂરલ પોલીસમાં પિતા ગુમ થવા અંગે અરજી આપી
સુરેશ વર્મા વતન ન પહોંચતા તા.25-05-2025 ના રોજ સુરજ અકોટી ગામે વાડી ઉપર પહોંચ્યો હતો. જ્યાં કેરી તોડવાની મજૂરી કામ કરતા બે મજૂરોને સુરજે પિતા સુરેશ વર્માનો ફોટો બતાવતા મજૂરોએ મોરીઠા ગામે આંબાવાડીમાંથી કેરી ચોરી વેચી દેવા બાબતે સુરેશ વર્મા તથા અન્ય મજુર અન્જય બનૈવાસીને અસ્ફાક તથા તેના ચાર માણસોએ પાંચેક દિવસ પહેલા રાત્રે વૃક્ષ સાથે બાંધીને માર મારેલો અને અન્જય બનવાસી આંબાવાડીથી ભાગી ગયો હતો જ્યારે સુરેશ વર્મા બેભાન થઈ જતાં અસ્ફાક ગાડીમાં બેસાડીને ક્યાંક લઈ ગયો હોવાની વાત કરતા સુરજે અસ્ફાકને ફોન કરતા હું માર્કેટમાં છું, તારા પિતા મોરીઠાથી વતન જતા રહેલા છે તેમ કહ્યું પરંતુ સુરેશ વર્મા વતન પહોંચેલા ન હોય અને ફોન પણ ઉપાડતા ન હોવાથી સુરજે પિતાની શોધખોળ કર્યા બાદ બારડોલી રૂરલ પોલીસમાં પિતા ગુમ થવા અંગે અરજી આપી હતી.
વૃક્ષ સાથે બાંધી માર માર્યો હતો
જે આધારે બારડોલી રૂરલ પીઆઈ પી.એન.જાડેજાએ સ્ટાફ સાથે અસ્ફાક અબ્દુલ રઉફ રાયન અને તેના સાગરીતો વિનોદ ફુલચંદ અગ્રવાલ, મોહમંદ ઉમર જીયાઉદીન મનીહાર, દશરથ મુનીલાલ મૌર્ય અને યાકુબ અબ્દુલ ગફારને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં સુરેશ વર્મા તથા અન્જય બનવાસીએ મોરીઠા ગામે આંબાવાડીમાંથી રૂ.૫૦,૦૦૦ની કેરી ચોરી ત્યાં વેચી દીધેલી હોય તા.૨૦-૫-૨૦૨૫ના રોજ રાત્રે પૈસા કઢાવવા માટે બંનેને વૃક્ષ સાથે બાંધી માર માર્યો હતો ત્યારે અન્જય બનવાસી વાડીમાંથી ભાગી ગયો હતો. જ્યારે સુરેશ વર્માની તબિયત બગડી બેભાન થઈ જતાં ગાડીમાં બેસાડી લઈ જઈ કામરેજ તાલુકાના શામપુરા ગામે નહેરના પાણીમાં ફેંકી દીધા હોવાની કબુલાત કરી હતી.
આ પણ વાંચોઃ Amareli અને બાબરામાં રક્ષક જ બન્યા ભક્ષક, 2 પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
નહેરમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી
બારડોલી રૂરલ પોલીસ સમક્ષ અસ્ફાક રાયને સાગરીતો સાથે મળી સુરેશ વર્માની માર મારી હત્યા કરી શામપુરા નહેરના પાણીમાં ફેંકી દીધો હોવાની કબુલાત કરતાં પોલીસ સુરેશ વર્માના પુત્ર સુરજને લઈ કામરેજ પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં તા.૨૧-૦૫-૨૦૨૫ ના રોજ શામપુરા થી નગોડથી દિગસ જતી મેઈન નહેરમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળેલી હતી. જે લાશનું પી.એમ કરાવી પોલીસે અગ્નિસંસ્કાર કરી દીધો હતો. જે લાશના ફોટા બતાવતાં સુરજ વર્માએ પોતાના પિતા સુરેશ વર્માની ઓળખ કરી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં લૂંટ કરી ફરાર થયેલ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા