Morbi: મોરબીના સાહિલે માતા સાથે કરી વાત, 10 મિનિટ સુધી માતા-પુત્ર...!
- Morbi: 1 વર્ષના જેલવાસ બાદ મોરબીના સાહિલનો વીડિયો કોલ
- માતા-પુત્ર 10 મિનિટ સુધી શબ્દો વગર માત્ર રડતા રહ્યા
- એડવોકેટે દીપા જોસેફે માતા સાથે વાત કરાવી
- પુત્રનો ચહેરો જોતા જ પરિવારમાં ખુશીની લહેર
Morbi: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની ભયાનકતામાં કેટલાય નિર્દોષ પરિવારો વિખૂટા પડ્યા છે, પરંતુ આ અંધકાર વચ્ચે મોરબીના માજોઠી પરિવારનું પુત્ર સાથે વીડિયો કોલ પર મિલન થયું છે. છેલ્લા એક વર્ષથી રશિયાની જેલ (Russia Prison) માં અને ત્યારબાદ યુદ્ધના ઓછાયા હેઠળ જીવી રહેલા મોરબીના યુવાન સાહિલ માજોઠી (Sahil Majothi) એ આખરે તેના પરિવાર સાથે વીડિયો કોલ મારફતે વાતચીત કરી છે. એક વર્ષના લાંબા સમય બાદ પુત્રનો ચહેરો જોઈને માતાની આંખોમાંથી હર્ષના આંસુ વહી પડ્યા હતા.
મૌન અને આંસુઓનો સંવાદ
સાહિલે મોરબીમાં રહેતી તેની માતા હસીનાબેન સાથે વોટ્સએપ વીડિયો કોલ (WhatsApp video call) પર વાત કરી હતી. અંદાજે 18 મિનિટ સુધી ચાલેલી આ વાતચીત ખૂબ જ ભાવુક રહી હતી. નવાઈની વાત એ છે કે, પ્રથમ 10 મિનિટ સુધી તો માતા કે પુત્ર બંનેમાંથી કોઈ એક શબ્દ પણ બોલી શક્યા નહોતા. માત્ર મૌન અને બંને પક્ષે વહેતા આંસુઓએ જ જાણે એક વર્ષની પીડા વ્યક્ત કરી દીધી હતી.
એડવોકેટ દીપા જોસેફનો ભગીરથ પ્રયાસ
સાહિલ અને તેના પરિવાર વચ્ચે આ મેળાપ કરાવવામાં સુપ્રીમ કોર્ટના જાણીતા એડવોકેટ અને સામાજિક કાર્યકર દીપા જોસેફ (Deepa Joseph) ની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. માનવતાના નાતે દીપા જોસેફ જાતે યુક્રેન પહોંચ્યા હતા. તેમણે જોખમ ખેડીને સાહિલ માજોઠીની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને ત્યાંથી જ પરિવાર સાથે વાતચીત કરવાની વ્યવસ્થા ગોઠવી આપી હતી. એક અજાણ્યા દેશમાં યુદ્ધના માહોલ વચ્ચે ભારતીય યુવાનની વહારે આવીને તેમણે પ્રશંસનીય કાર્ય કર્યું છે.
Morbi: સાહિલે આપી પરિવારને સાંત્વના
વીડિયો કોલ દરમિયાન સાહિલે તેના પરિવારને હિંમત આપી હતી. તેણે જણાવ્યું હતું કે અત્યારે તેની તબિયત સારી છે અને તેને જમવાનું પણ યોગ્ય રીતે મળી રહ્યું છે. માતા હસીનાબેન સાથે વાત કર્યા બાદ તેણે પરિવારના અન્ય સભ્યો સાથે પણ વાતચીત કરી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા. લાંબા સમયથી જેલવાસ અને યુદ્ધના ડર વચ્ચે જીવતા સાહિલનો અવાજ સાંભળીને પરિવારે હાશકારો અનુભવ્યો છે. જોકે, પરિવાર હવે સાહિલ વહેલી તકે હેમખેમ મોરબી (Morbi) પરત આવે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Anand: ખેડૂતને જીવતો સળગાવવા મામલે નવો વળાંક, જાતે આગ લગાવ્યાનો ખુલાસો!


