Rajkot : લીલુડી વોકડી વિસ્તારમાં મનપાની કાર્યવાહી, જગ્યા ખાલી કરવા પાઠવી નોટિસ
- રાજકોટમાં લીલુડી વોકડી વિસ્તારમાં મનપાની કાર્યવાહી
- દબાણ કરી રહેતા 150થી વધુ પરિવારોને આપી નોટિસ
- સર્વે બાદ આ વિસ્તારના લોકોને આપવામાં આવી હતી નોટિસ
- આ લોકોને નિયમ મુજબ ફાળવવામાં આવશે આવાસ
રાજકોટમાં પાણી ભરાતા વિસ્તારમાં દબાણગ્રસ્તોને નોટીસો આપી દબાણ દૂર કરવા જાણ કરવામાં આવી છે. લીલુડી વોકડી વિસ્તારમાં રહેતા 150 થી વધુ પરિવારોને જગ્યા ખાલી કરાવવા મહાનગરપાલિકા દ્વારા નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે. દર વર્ષે ચોમાસામાં દબાણકર્તા લીલુડી વોકડી વિસ્તારમાં રહેતા લોકોનો જીવ જોખમમાં મૂકાય છે. દબાણગ્રસ્ત વિસ્તારોમાં ચોમાસા સમયે પાણીના વહેણને નિકાલ માટે મુશ્કેલી થાય છે.
600 થી વધુ આવાસ જર્જરિત જોવાનું સર્વે માલુમ પડ્યુંઃ rmc
રાજકોટ મનપાના 14 નંબરના વોર્ડમાં લીલુડી વોકળી આવેલી છે. જે આજી નદીના કાંઠે આવેલ છે. આ વિસ્તારની આસપાસ વર્ષો જૂના મકાનો આવેલા છે. જે પૈકી સંખ્યાબંધ મકાનો ભયગ્રસ્ત અને જર્જરિત છે. જે પૈકી 600 થી વધુ આવાસ જર્જરિત હોવાનું સર્વે દરમ્યાન માલુમ પડેલું છે. આ વિસ્તારના લોકોને નોટિસ આપવામાં આવેલી છે. લોકોને ચોમાસા દરમ્યાન સરકારી શાળાના અને અન્ય સ્થળોએ રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવનાર છે. તેમજ ત્યાં પાણી અને ભોજન માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ 623 જેટલા ભયગ્રસ્ત આવાસને નોટિસ ઈશ્યુ કરવામાં આવેલી છે. આ લોકોને વૈકલ્પિક આવાસ માટે નીતિ નિયમ મુજબ આવાસ ફાળવાશે. રાજકોટમાં અંદાજિત ૩૧૭૬ આવાસ ભયગ્રસ્ત આવાસ જાહેર થયેલા છે જેઓને જ્ઞાતિની વાડી અને સરકારી સ્કૂલ ખાતે સ્થળાંતર કરવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓએ સમજવું જોઈએ કે વરસાદી આફત કે પૂર જેવી સ્થિતિમાં આવાસ ખાલી કરતા નથી. આ સમયે રેસ્ક્યુ પણ કરવું પડે છે અને જાનમાલના જોખમે તંત્રને દોડવું પડે છે.
623 જેટલા મકાન માલિકોની નોટીસ આપવામાં આવીઃ મેયર
રાજકોટ મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારનો સર્વે કરવાની કામગીરી ચાલુ છે. આ સર્વે કામગીરીમાં કુલ 623 જેટલા મકાન જે ભયગ્રસ્ત છે તેઓને નોટીસ આપી સ્થળાંતર કરવાની જરૂર છે. દર વર્ષે જ્યારે ચોમાસુ હોય એવી પરિસ્થિતિ આ લીલુડી વોકળીમાં સર્જાતી હોય છે. ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે. એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે. તેમજ રાત્રિ રોકાણની વ્યવસ્થા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
અમારૂ મકાન પાડે નહી મારી વિનંતીઃ સ્થાનિક
સ્થાનિક નરેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અત્યાર સુધી અમને મકાન કે કંઈ આપવામાં આવ્યું નથી. અને અમને નોટીસ આપવામાં આવી છે. પાણી ભરાય છે ત્યાં નોટીસ આપવામાં આવી છે. પરંતુ અમારે અહીંયા તો કંઈ તકલીફ છે નહી. છતાં પણ અમને નોટીસ આપવામાં આવી છે. અમારા માટે મકાનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તો અમારે જવું ક્યાં. સરકાર દ્વારા અમને નાના ક્વાર્ટર આપે તેમાં અમારો સમાવેશ થાય નહી અમે મજબૂર માણસ છીએ. મારી વિનંતી છે કે મારૂ મકાન પાડે નહી.