Narak chaturdashi: બુધવારે ઉજવાશે નરક ચતુર્દશી, જાણો તેની પૂજા-વિધિ અને શુભ મુહૂર્ત વિશે
- બુધવારે નરક ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે
- મૃત્યુના દેવતા 'યમરાજ'ની પૂજા કરવામાં આવે છે
- નરક ચતુર્દશી અથવા કાળી ચૌદશ પણ કહે છે
Narak chaturdashi:: આ વર્ષે આવતીકાલે એટલે કે 30 ઑક્ટોબર બુધવારના રોજ કાળી ચૌદશનો તહેવાર આવી રહ્યો છે, જેને નરક ચતુર્દશી (Narak chaturdashi)તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મૃત્યુના દેવતા 'યમરાજ'ની પૂજા કરવામાં આવે છે. જેનાથી મૃત્યુ બાદ નરકમાં જવાથી બચી શકાય તેમ માનવામાં આવે છે.ધાર્મિક માન્યતા મુજબ નરક ચતુર્દશીનું આગવું મહત્ત્વ હોય છે. શું તમે જાણો છો કે, નરક ચતુર્દશી અર્થાત કાળી ચૌદશને નાની દિવાળી કેમ કહેવામાં આવે છે અને આ પર્વ કેમ ઉજવવામાં આવે છે?
એવું કહેવાય છે કે, આ દિવસે મૃત્યના દેવતા 'યમ'ની પૂજા કરવાથી અકાળે અવસાનથી બચી શકાય છે. આ સાથે જ મૃત્યુ બાદ નરકમાં જવાથી બચી પણ શકાય છે. આ દિવસે સ્નાન કર્યા બાદ ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી સૌદર્યની પ્રાપ્તિ થાય છે.અન્ય એક માન્યતા અનુસાર, રામ ભક્ત હનુમાને માતા અંજનીના ગર્ભથી આજ દિવસે જન્મ લીધો હતો. આથી જ આ દિવસને હનુમાન જયંતિ તરીકે પણ મનાવવામાં આવે છે.
નરક ચતુર્દશી પૂજાનો શુભ સમય
આ વખતે નરક ચતુર્દશીનો તહેવાર 30 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે સાંજની પૂજાનો શુભ સમય સાંજે 5:41 થી 7 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે અભ્યંગ સ્નાન 31મી ઓક્ટોબરે ચતુર્દશી તિથિના રોજ સવારે 5.33 થી 6.47 દરમિયાન કરવામાં આવશે.
પૂજા વિધિ
સવારે સ્નાનઃ સવારે સૂર્યોદય પહેલા ગાયના છાણ અને તલના તેલથી સ્નાન કરો. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવાથી તમને ઘણા શુભ ફળ મળે છે.
દીવો પ્રગટાવવોઃ
સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્વાર અને અન્ય સ્થળોએ દીવો પ્રગટાવો. આમ કરવાથી તમે નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં સફળ થશો. આ ઉપરાંત, દીવો પ્રગટાવવાથી ભગવાન તેમજ તમારા પૂર્વજો પ્રસન્ન થાય છે.
ભગવાનની પૂજાઃ
આ દિવસે પૂજા સ્થાન પર દીવો, અગરબત્તી વગેરે પ્રગટાવો. આ પછી ભગવાન કૃષ્ણ, માતા કાલી અને યમરાજની પૂજા કરો. નરકાસુરનો વધ કરતી વખતે શ્રી કૃષ્ણે કાલી દેવીનું આહ્વાન કર્યું હતું. યમરાજ માટે દીવો પ્રગટાવો અને તેને ઘરની બહાર રાખો જેને યમ દીપ કહે છે.
નૈવેદ્ય ચઢાવોઃ
પૂજા દરમિયાન દેવી-દેવતાઓને મીઠાઈ, ફળ અને અન્ય પ્રસાદ ચઢાવો.
પ્રાર્થના અને મંત્રો:
પાપોમાંથી મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરો. સમગ્ર પરિવારના કલ્યાણ માટે વિશેષ મંત્રોનો જાપ કરો. તમે ભગવાન કૃષ્ણ, માતા કાલી, હનુમાનજીના મંત્રોનો જાપ કરી શકો છો. આ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ આ દિવસે વિશેષ લાભ મળે છે.
નરક ચતુર્દશીની દંત કથા
પૌરાણિક કથાઓ અનુસાર, નરકાસુર નામનો એક રાક્ષસ હતો, જેણે પોતાના અત્યાચારોથી પૃથ્વી પર આતંક મચાવ્યો હતો. તેણે 16,000 છોકરીઓને બંદી બનાવી હતી અને ઘણા ઋષિઓને હેરાન કર્યા હતા. દેવતાઓની પ્રાર્થના પર, ભગવાન કૃષ્ણએ તેમની પત્ની સત્યભામા સાથે મળીને નરકાસુરનો વધ કર્યો અને તે છોકરીઓને મુક્ત કરી. એવું કહેવાય છે કે આ દિવસે નરકાસુરનો વધ થયો હતો અને તેથી તેને નરક ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ગુજરાત ફર્સ્ટ તેની પુષ્ટિ કરતું નથી.