Navsari : ગણદેવીમાંથી કિશોરીનું અપહરણ, પોલીસે ગણતરીના સમયમાં આરોપીની કરી ધરપકડ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી 14 વર્ષીય કિશોરીનું બે દિવસ અગાઉ અપહરણ થયું હતું જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવસારીના ગણદેવીમાંથી અપહૃત કિશોરીને 48 કલાકમાં છોડાવી પોલીસે આરોપીઓને દિલ્હી-લખનઉ રોડ પરથી ઝડપી પાડ્યા છે. આ અપહૃત કિશોરીને છોડાવવા માટે નવસારી પોલીસ LCBએ ત્રણ ટિમો બનાવી આરોપીઓનું પગેરું શોધી તેમને દિલ્હી-લખનઉ રોડ પરથી ઝડપી પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે.
મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાની એક સગીરાનું સમીર પઠાણ નામનો યુવાન અપહરણ કરી લઇ ગયો હતો. જેથી પરિવારજનોએ સગીરાની આજુબાજુના વિસ્તારમાં તેમજ સગા સબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ સગીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન અપહરણકર્તાએ સગીરાના પિતાને વોટ્સએપ પર ફોન કરી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જેથી સગીરાના પરિવારજનો ગભરાઈ ગયા હતા. આ બાબતે સગીરાના પિતાએ ગણદેવી પોલીસ મથકે સમીર પઠાણ નામના યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અપહરણ થયાના માત્ર 48 કલાકમાં LCBએ દિલ્હી લખનઉ રોડ પરથી કિશોરીને મુક્ત કરાવી એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે.
તમને જણાવી દઈએ કે, નવસારી LCBના PSI દીપક કોરાટના માર્ગદર્શનમાં LCBએ આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે, સાથે જ જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. દિવાળીના એક દિવસ અગાઉ પોલીસે આ ઓપરેશન શરૂ કર્યું હતું અને એક ટીમને દિલ્હી મોકલવામાં આવી હતી. પોલીસે ખૂબ સાવચેતીપૂર્વક આરોપીઓને ઓપરેશનની ગંધ ન આવે એ રીતે કામગીરી પાર પાડી હતી. હાલ આરોપી અને કિશોરીને લઈને LCBની ટીમ દિલ્હીથી રવાના થઈ છે.
આ પણ વાંચો : Ahmedabad : બહારનું ખાવાના શોખીન હોય તો ચેતી જજો, સ્ટોરન્ટમાંથી ઓર્ડર કરેલા મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો…