ભારતે ન્યુઝીલેન્ડને 53 રને હરાવીને સેમીફાઇનલમાં કર્યો ધમાકેદાર પ્રવેશ, સ્મૃતિ મંધાના-પ્રતિકા રાવલની શાનદાર બેટિંગ
- IND W vs NZ W: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કરી ધમાકેદાર વાપસી
- ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને સેમીફાઇનલમાં કર્યો પ્રવેશ
- ઓપનર સ્મૃતિ મંધાનાએ 109 રન ફટકાર્યા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આખરે એક મહત્ત્વની મેચ જીતીને વર્લ્ડ કપમાં જોરદાર વાપસી કરી છે. ભારતે ન્યૂઝીલેન્ડને 53 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે, જેનાથી કરોડો ભારતીય ચાહકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
IND W vs NZ W: ભારતે વિશાળ સ્કોરનો આપ્યો હતો ટાર્ગેટ
મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે ભારતીય બેટ્સમેનોએ ખોટો સાબિત કર્યો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 49 ઓવરમાં જ 340 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ સ્કોર પાછળ બે બેટ્સમેનોનો ફાળો મુખ્ય રહ્યો. સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ 109 રન ફટકાર્યા, જ્યારે પ્રતિકા રાવલે 122 રનની યાદગાર સદી નોંધાવી. આ સિવાય, જેમીમા રોડ્રિગ્સે પણ અંતમાં અણનમ 76 રનનું યોગદાન આપી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. વરસાદને કારણે મેચ 49-49 ઓવરની કરી દેવામાં આવી હતી.
ડકવર્થ-લુઇસ નિયમ હેઠળ ન્યુઝીલેન્ડની ટીમ 53 રને મેચ હારી
આ સ્કોર ભારતીય મહિલા ટીમે વનડે વર્લ્ડ કપમાં બનાવેલો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. વરસાદના કારણે ડકવર્થ-લુઇસ નિયમ હેઠળ ન્યૂઝીલેન્ડને 44 ઓવરમાં 325 રનનો સુધારેલો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતાં કિવી ટીમને શરૂઆતમાં જ ફટકો પડ્યો. ક્રાંતિ ગૌરે પ્રથમ સફળતા અપાવી, ત્યારબાદ રેણુકા સિંહે સતત બે ઓવરમાં બે વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની રન ગતિ અટકાવી દીધી. અમેલિયા કેરે 45 રન માટે સંઘર્ષ કર્યો હતો. અંતમાં, હોલીડેએ 81 અને ઇસાબેલે અણનમ 65 રન બનાવ્યા છતાં, કિવી ટીમ 44 ઓવરમાં માત્ર 271 રન જ બનાવી શકી અને 53 રને હારી ગઈ. ભારત તરફથી રેણુકા અને ક્રાંતિએ બે-બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: ODI માં પસંદગી નહીં થતા સર જાડેજાએ રણજી મેચમાં ઝૂકાવ્યું