Kheda માં પાકિસ્તાની જાસૂસીનો પર્દાફાશ; હનીટ્રેપમાં ફસાવી આર્મીના ગુપ્ત દસ્તાવેજ ચોરવાનું ષડયંત્ર
- Kheda માં પાકિસ્તાની હનીટ્રેપનો પર્દાફાશ : યુટ્યુબ એડિટિંગના નામે આર્મીના ગુપ્ત દસ્તાવેજ ચોરવાનું કાવતરું નિષ્ફળ
- “20 હજાર પગાર આપીશ”ના લાલચે ફસાવ્યો : ગુજરાત ATSએ 2 પાકિસ્તાની જાસૂસને ઝડપ્યા, ખેડા કોર્ટમાં રજૂ
- યુવકની સતર્કતાથી ટળ્યો મોટો ખતરો : પાકિસ્તાનને સેનાની ગુપ્ત માહિતી લીક થવાનું ષડયંત્ર નિષ્ફળ
- ફેસબુકથી હનીટ્રેપ, કુરિયરથી રાઉટર : ગુજરાતમાં પાકિસ્તાની જાસૂસીની નવી રીત
- ATSની મોટી સફળતા : ખેડામાં 9 આરોપીઓ વિરુદ્ધ કેસ, 2 જાસૂસ કોર્ટમાં હાજર
Kheda : ગુજરાત ATSએ દેશ વિરોધી જાસૂસીના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાની એજન્ટો દ્વારા હનીટ્રેપનો ઉપયોગ કરીને ભારતીય સેનાના ગુપ્ત દસ્તાવેજ ચોરવાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. આ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓ – રશ્મિન રવિન્દ્ર પાલ (મહિલા) અને બીજા એક પુરુષને આજે ખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં તેમની રિમાન્ડ મંજૂર થઈ છે.
આ કેસનું મુખ્ય કેન્દ્ર ખેડાના મહેમદાવાદ તાલુકાના કાચ્છઈ ગામનો યુવક પ્રકાશ છે. નવેમ્બર 2024થી એક મહિલા “રાધિકા” અને “રશ્મિન પાલ”ના નામે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર પ્રકાશનો સંપર્ક થયો. આ મહિલાએ પોતાને દિલ્હીની મોડલ ગણાવી અને “યુટ્યુબ માટે વીડિયો એડિટિંગનું કામ આપીશ, મહિને 20 હજાર રૂપિયા પગાર”ની લાલચ આપી હતી. પ્રકાશને લેપટોપમાં આર્મીના દસ્તાવેજ સેવ કરાવીને ઝૂમ કરાવીને ફોટા પાડવડાવવામાં આવ્યા હતા. દિલ્હીથી કુરિયર દ્વારા રાઉટર, ચાર્જિંગ કેબલ અને અન્ય ડિવાઇસ પણ મોકલવામાં આવ્યા હતા.
પ્રકાશને જ્યારે શંકા ગઈ કે આ દસ્તાવેજોનું કોઈ એડિટિંગ કે યુટ્યુબ માટે ઉપયોગ થતો નથી, ત્યારે તેણે 3 એપ્રિલ 2025ના રોજ ગુજરાત ATSનો સંપર્ક કર્યો. ATSએ તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે 23 નવેમ્બર 2024થી 19 માર્ચ 2025 સુધીમાં પાંચ વખત આર્મીના સિક્રેટ દસ્તાવેજ મોકલવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોમાં સેનાની તૈનાતી, હથિયારો અને ગુપ્ત ઓપરેશનની માહિતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ATSએ આ કેસમાં કુલ 9 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે, જેમાંથી 2ને ઝડપી પાડ્યા છે. બાકીના આરોપીઓ પાકિસ્તાનમાં હોવાની શંકા છે. આ કેસમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ અને IT એક્ટની કલમો લાગુ પડી છે. ATSના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું, “પ્રકાશભાઈની સતર્કતાને કારણે દેશની સુરક્ષા સાથે થનારો મોટો ખતરો ટળી ગયો છે. આ પાકિસ્તાની ISIનું ક્લાસિક હનીટ્રેપ હતું, જેમાં યુવાનોને નોકરી-પૈસાના લાલચે ફસાવવામાં આવે છે.”
આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથેના સંપર્કનું જોખમ ઉજાગર કર્યું છે. ATSએ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ ઓનલાઈન નોકરીના લાલચમાં સંવેદનશીલ માહિતી શેર ન કરે અને શંકા જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરીને વિગતવાર માહિતી આપવાનું જણાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં સાઈબર ક્રાઈમનું પણ જોખમ હોવાના કારણે સરકાર અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવાનું કહી રહી છે. સરકાર વિવિધ પ્લેટફોર્મ ઉપર આને લઈને જાહેરાતો પણ કરી રહી છે. તે છતાં પણ લોકો સાઈબર ક્રાઈમનો શિકાર બની રહ્યાં છે.
આ પણ વાંચો- મેવાણીના ગઢમાં સંઘવી નો હુંકાર : “એક ફોન કરજો, અડધી રાત્રે આવીશ”