ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત વરસાદ સાથે, બનાસકાંઠાથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં માવઠા
- ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદ : સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેડૂતો ચિંતિત, પાકને નુકસાનની ભીતિ
- વર્ષના અંતિમ દિવસે માવઠું : જેતપુર, રાજકોટ, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
- કમોસમી વરસાદથી શિયાળુ પાક પર સંકટ : જીરું-ઘઉંને નુકસાનની આશંકા, ખેડૂતોની ચિંતા વધી
- દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ : યાત્રિકો પરેશાન, સૌરાષ્ટ્રમાં માવઠાનો માહોલ
- ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત વરસાદ સાથે : બનાસકાંઠા, જામનગરમાં ધીમા વરસાદી ઝાપટા
ગુજરાતમાં વર્ષ 2025ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરે કમોસમી વરસાદે ખેડૂતોના જીવ તાળવે ચોંટાડ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડ્યા છે. ભરશિયાળે આવો માવઠાનો માહોલ સર્જાતા શિયાળુ પાકો જેમ કે જીરું, ઘઉં, ચણા, રાયડો અને એરંડાને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદથી પાકમાં ફૂગ લાગવા અને દાણા કાળા પડી જવાની આશંકા વધી છે.
સૌરાષ્ટ્રના જેતપુરમાં ઝાપટા
સૌરાષ્ટ્રના જેતપુર પંથકમાં આજે મોડી સાંજે અચાનક વાતાવરણ પલટાયું અને કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા ધીમી ધારે વરસાદ શરૂ થયો. જેતપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. અહીં ખેડૂતોએ મોટા પાયે રાયડો, જીરું, એરંડા, ઘઉં અને ચણાનું વાવેતર કર્યું છે, જેને આ માવઠું ભારે પડી શકે છે. ખેડૂતોનું કહેવું છે કે અગાઉના વરસાદથી માંડ બહાર આવ્યા હતા, ત્યાં ફરી આવું થતા આર્થિક નુકસાનની ચિંતા વધી છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક સર્વે અને મદદની અપેક્ષા રાખી રહ્યા છે.
રાજકોટમાં ખેડૂતોની ચિંતામાં વધારો
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા સહિત જીવાપર, વિસામણ, પીઠડીયા, ખાખરા, જીલરીયા, ડાંગરા, ફતેપર જેવા ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો. અહીં જીરું અને ઘઉં જેવા પાકને નુકસાનની ભીતિ છે. જામનગર જિલ્લાના જામનગર, કાલાવડ અને જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી ઝાપટાં પડ્યા. ચંદ્રગઢ, નારણપર, દડિયા અને પીઠડીયા આસપાસના ગામોમાં માવઠું વરસ્યું, જેનાથી શિયાળુ પાક પર પ્રતિકૂળ અસર પડી છે.
અમદાવાદ વિરમગામ પંથકમાં ધીમીધારે વરસાદ
વિરમગામ, ભોજવા, હાંસલપુર સહિતના પંથકમાં માવઠું
ડાંગરની ખેતી વધુ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ#Viramgam #RainUpdate #FarmersHappy #CropNews #AhmedabadRural #GujaratFirst pic.twitter.com/hEE7TTThCU— Gujarat First (@GujaratFirst) December 31, 2025
કચ્છમાં કમોસમી વરસાદ
કચ્છમાં રાપર, ભચાઉ, નખત્રાણા તાલુકાના ચોબારી, ભરૂડિયા, ખેંગારપર, કણખોઈ, ઢોરા, સુવઈ, કુડા, ભીરંડિયારા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. અચાનક વરસાદથી લોકો ચિંતિત થયા અને આવતા પ્રવાસીઓ પરેશાન થયા. લખપત તાલુકાના નારાયણ સરોવર ખાતે પણ વરસાદ વરસ્યો, જેનાથી પાણી વહી નીકળ્યું.
બનાસકાંઠાના ખેડૂતો પર વધુ એક વખત સંકટ
બનાસકાંઠામાં ધાનેરા અને ભાભરમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ બન્યો. સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને સાંજે વરસાદી ઝાપટાં પડ્યા. અહીં ઉભા પાકને નુકસાનની ચિંતા છે. વિરમગામ સહિત અમદાવાદ પંથકમાં ભોજવા, હાંસલપુર વગેરેમાં ધીમીધારે વરસાદ પડ્યો. અહીં ડાંગરની ખેતી વધુ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ અન્ય વિસ્તારોમાં ચિંતા વધી છે. હળવદના ઘનસ્યામપુર ગામે પણ વરસાદ પડ્યો, જેનાથી પાકને નુકસાનની ભીતિ છે.
દ્વારકામાં પણ વરસાદી ઝાપટા
યાત્રાધામ દ્વારકામાં એકાએક વાતાવરણ પલટાતા ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. નાતાલ વેકેશનમાં આવેલા યાત્રિકો પરેશાન થયા અને ઠંડીનો ચમકારો વધ્યો.
વરસાદની આગાહી
IMDની આગાહી અનુસાર આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે ત્યારબાદ ઠંડીનું જોર વધશે. ખેડૂતોએ પાકને તાડપત્રીથી ઢાંકવા અને અન્ય સાવચેતીના પગલાં લેવા જોઈએ. કૃષિ વિભાગે પણ માર્ગદર્શન જાહેર કર્યું છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોને થતા નુકસાનનું સર્વે કરીને સરકાર તરફથી મદદ મળે તેવી આશા છે. નવા વર્ષની શરૂઆત આવા વરસાદ સાથે થઈ રહી છે, પરંતુ ખેડૂતો માટે તે ચિંતાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો- ડો. KLN Rao ગુજરાતના નવા ઇન્ચાર્જ પોલીસ વડા : કેમ ન આપી કાયમી નિમણૂક?


