Surat : કુખ્યાત સજ્જુ કોઠારી અને તેના ભાઈની ધરપકડ, પૈસાની લેતી દેતીમાં ભત્રીજાના લમણે તાણી હતી પિસ્તોલ
- સુરતમાં કુખ્યાત સજ્જુ કોઠારી અને તેના ભાઈની ધરપકડ
- ગુજસીટોક સહિતના 31 ગુન્હામાં આરોપીની હતી સંડોવણી
- સુરતની આઠવા પોલીસે તાત્કાલિક બન્ને આરોપીની કરી ધરપકડ
- પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું
સુરતમાં ગુજસીટોક સહિત 31 ગુન્હામાં સંડોવાયેલ અને માથાભારે તરીકેની છાપ સજ્જુ ઉર્ફે સાજીદ કોઠારી અને તેના ભાઈ યુનુસ કોઠારી ની અઠવા પોલીસે બે પિસ્તોલ, એક મેગેઝિન અને 35 જેટલા જીવતા કાર્તિઝ સાથે ધરપકડ કરી છે.ભત્રીજા ને વ્યાજપેટે આપેલા રૂપિયા 50 લાખની ઉઘરાણી કરવા ગયેલા સજ્જુ અને તેના ભાઈ દ્વારા ભત્રીજાના જ લમણે પિસ્તોલ તાણી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.જ્યાં અન્ય ભત્રીજા એ તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલ રૂમ પર જાણ કરતા દોડી આવેલી અઠવા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન પણ કર્યું હતું.
સુરત પોલીસે ભૂતકાળમાં અપહરણ,ખંડણી,મારામારી,ગુજસીટોક સહિત ગંભીર ગુનાના આરોપીઓની અટકાયત કરી છે. અઠવા વિસ્તારમાં આવેલ નાનપુરા સ્થિત જમરૂખ ગલીનો બેતાજ બાદશાહ અને માથાભારે તરીકેની છાપ ધરાવતો સજ્જુ ઉર્ફે સાજીદ કોઠારી અને તેનો ભાઈ યુનુસ કોઠારી છે.જે બંને ની અઠવા પોલીસે ધરપકડ કરી છે.
સજ્જુ કોઠારીએ પોતાના જ ભત્રીજા મોહમ્મદ યાકીબ કોઠારી ને વ્યાજપેટે રૂપિયા 50 લાખ આપ્યા હતા.જેની સામે હમણાં સુધી 20 લાખ રૂપિયા જેટલી રકમ સજ્જુ કોઠારી ને ચૂકવી દીધી હતી.પરંતુ બાકી નીકળતી રકમ અને વધુ નાણાં ની માંગ સાથે સજ્જુ કોઠારી અને તેના ભાઈ દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવી.સજ્જુ કોઠારી અને તેનો ભાઈ યુનુસ કોઠારી પોતાના જ ભત્રીજા મોહમ્મદ યાકીબ ના ઘરે પોહચી ગયા.જ્યાં સજ્જુ કોઠારીએ ભત્રીજા ના જ લમણે પિસ્તોલ તાણી દીધી.જ્યાં સજ્જુ કોઠારીએ કહ્યું કે,જે રકમ આપી છે,તેનું માત્ર વ્યાજ આવ્યું છે.મુદ્દલ તો પૂરેપૂરી બાકી છે અને તેનું વ્યાજ પણ હજી બાકી છે.આમ કહી પઠાણી ઉઘરાણી કરતા અન્ય ભત્રીજો ગભરાઈ ગયો હતો અને સુરત પોલીસ ન કંટ્રોલ રૂમના 100 નંબર પર કોલ કરી જાણ કરી હતી.
સુરત પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક આ બાબતેની જાણ અઠવા પોલીસને કરવામાં આવી હતી.જ્યાં દોડતી થયેલી અઠવા પોલીસ સહિતના સ્ટાફે ઘટના સ્થળે જઈ બંને માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈ યુનુસ કોઠારી ને ઝડપી પાડ્યા હતા.જે આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને 22 જેટલા જીવતા કાર્તિઝ કબ્જે કરવામાં આવ્યા હતા.વધુમાં પૂછપરછ કરતા નાનપુરા સ્થિત જમરૂખ ગલીમાં વેલ શાલીમાર એપાર્ટમેન્ટ માં યુનુસ કોઠારી નું મકાન આવેલ છે.જે મકાનમાં પોલીસ દ્વારા સર્ચ કરતા વધુ એક મેગેઝિન અને 23 જેટલા વધુ જીવતા કાર્તિઝ મળી આવ્યા હતા.આમ,બે પિસ્તોલ,એક મેગેઝિન અને 35 જેટલા જીવતા કાર્તિઝ જપ્ત કરી વધુ તપાસ અઠવા પોલીસે હાથ ધરી હતી.
અઠવા પોલીસને સજ્જુ કોઠારી પાસેથી બે ચાવીઓ પણ મળી આવી હતી.જે ચાવીઓ અંગે પણ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે,બે પૈકીની એક ચાવી પોતાના જ ભત્રીજાની થાર કારની છે.જે કાર પણ સજ્જુ દ્વારા વ્યાજના રૂપિયામાં પચાવી પાડવામાં આવી છે.જ્યારે અન્ય એક મર્સિડીઝ કારની ચાવી હોવાનું જાણવા મળ્યું છે.જે કાર પણ અન્ય કોઈ વ્યક્તિની પચાવી પાડી હોવાની શંકાના પગલે કાર માલિક અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.
અઠવા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,આરોપી સજ્જુ ઉર્ફે સાજીદ કોઠારી ને હાલ જ ગુજસીટોક ના ગુન્હામાં સુપ્રીમ કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે.જેમાં સુરત જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ છે.છતાં શરતી જામીનનું પણ ઉલ્લઘન કર્યું છે.આરોપી સુરત કોર્ટની મુદ્દતે આવ્યો હતો.જે મુદ્દત બાદ તે ઘરે આવ્યો હતો અને ઘરેથી પોતાના ભાઈ જોડે પોતાના ભત્રીજાને આપેલા વ્યાજપેટે નાણાની પઠાણી ઉઘરાણી કરવા પોહચી ગયો હતો.આ મામલે સુપ્રીમ કોર્ટની શરતી જામીન નું ઉલ્લઘન થતાં તેના જામીન રદ કરવા માટેની પ્રક્રીયા પણ અઠવા પોલીસ દ્વારા કરવામાં આવશે.
વિજયસિંહ ગુર્જર (ડીસીપી સુરત પોલીસ)
પોલીસ તપાસમાં આરોપી સજ્જુ કોઠારી વિરુદ્ધ શહેર પોલીસ ચોપડે કુલ 31 જેટલા ગંભીર ગુન્હા નોંધાયા છે.જે પૈકી બે ગુજસીટોક ના ગુના પણ શામેલ છે.જે ગુજસીટોક ના ગુન્હામાં તે સુપ્રીમ માંથી શરતી જામીન પર બહાર આવ્યો છે.આ સાથે તેના ભાઈ યુનુસ કોઠારી વિરુદ્ધ પણ ગુજસીટોક સહિત છ ગુન્હા શહેર પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.જે ગુન્હામાં તેની અગાઉ ધરપકડ પણ થઈ ચૂકી છે.
વધુ વાંચોઃ Ahmedabad : મ્યુઝિકલ પાર્ટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ, મહેફિલ માણતી એક યુવતી સહિત 9 લોકોની ધરપકડ
વ્યાજના રૂપિયા આપી લોકોની મજબૂરીનો ફાયદો ઉચકી મિલકત પચાવી પાડવી,અપહરણ કરવું ,માર મારી ધાકધમકીઓ આપવી એ માથાભારે સજ્જુ કોઠારી ની ફિતરત ચાલી આવી છે.ભૂતકાળમાં અઠવા વિસ્તારમાં સજ્જુ નો ભારે આતંક જોવા મળ્યો છે.પરંતુ કહેવાય છે કે કાયદો જ્યારે કાયદાનું કામ કરે છે ત્યારે આવા તત્વોની શાન બરોબરની ઠેકાણે પડી જાય છે.જે હાલના કિસ્સામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે.આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિ કન્ટ્રક્શન પણ કર્યું છે.જ્યાં હાલ તો સજ્જુ કોઠારી સહિત તેના ભાઈ યુનુસ કોઠારી ની અઠવા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.