Abortion Scam : 10 થી 25 હજારમાં ગેરકાયદે ગર્ભપાત કરાવી આપતી નર્સ રંગે હાથ પકડાઈ
Abortion Scam : 200 વર્ષ અગાઉ સમાજમાં ચાલતી ક્રૂર પ્રથાઓ પૈકીની એક દીકરીને દૂધ પીતી કરવાની (મોતને ઘાટ ઉતારવાની) પ્રથા આજે પણ વિકાસશીલ ગુજરાતમાં યથાવત છે. દસકાઓથી પુરૂષ-સ્ત્રી જન્મદરની વચ્ચે રહેલા તફાવતને લઈને સરકાર જ નહીં સૌ કોઈ માટે ચિંતાનો મોટો વિષય બની ગયો છે. આમ છતાં આજે પણ કડક કાયદા હોવા છતાં ભ્રૂણ પરિક્ષણ અને ગેરકાયદેસર રીતે ગર્ભપાત થઈ રહ્યાં છે. અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલા ગેસ્ટ હાઉસમાં પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી રેડ પાડતા ગર્ભપાત કૌભાંડ (Abortion Scam) નો પર્દાફાશ થયો છે. કેવી રીતે અને કોણ ચલાવતું હતું આ Abortion Scam ? વાંચો આ અહેવાલ...
દીકરીઓ માટે યોજનાઓ, આરોગ્ય વિભાગ નિંદ્રામાં
ભ્રૂણ પરિક્ષણ અને ગેરકાયદે ગર્ભપાત સામે કડક કાયદા અમલમાં હોવા છતાં રાજ્યમાં દીકરીઓના જન્મ પહેલાં જ હત્યા કરી દેવામાં આવે છે. ગુજરાત સરકાર (Gujarat Government) છેલ્લાં બે દસકાથી દીકરીઓનો જન્મ દર વધે તે માટે પ્રયત્નશીલ છે. સરકારે દીકરીઓ માટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જુદીજુદી યોજના શરૂ કરી છે. દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશ્યથી સરકારે વ્હાલી દીકરી યોજના (Vahali Dikri Yojana) અમલમાં મુકી છે. બીજી તરફ રાજ્યનો આરોગ્ય વિભાગ (Health Department) નિંદ્રામાં છે. ભૂતકાળમાં સામે આવેલા ભ્રૂણ પરિક્ષણના મામલાઓમાં સૌથી મોટું યોગદાન પોલીસ અને પ્રજાનું છે. આરોગ્ય વિભાગ નિંદ્રામાં હોવાનું કારણ જાણકારીનો અભાવ નથી, પરંતુ ભ્રષ્ટાચાર છે.
આ પણ વાંચો -Dholera : ચોરી કરેલો દેશી દારૂ બે પ્યાસીઓના મોતનું કારણ બન્યો, બુટલેગરની ધરપકડ
આરોગ્ય વિભાગને રેડ કરવા પોલીસ લઈ ગઈ
અમદાવાદ જિલ્લામાં સાણંદ ચોકડી પાસે આવેલી પનામા હૉટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવાનું કૌભાંડ (Abortion Scam) ચાલી રહ્યું છે તેવી માહિતી પોલીસને મળી હતી. જેથી એસઓજી પીઆઈ સતિષ એન. રામાણી (Satish N Ramani PI) તેમની ટીમ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે રાખી દરોડો પાડ્યો હતો. ગેસ્ટહાઉસમાં દરોડા દરમિયાન એક રૂમમાંથી ત્રણ મહિલાઓ મળી આવી હતી. જેમાં એક નર્સ હેમલતા કલ્પેશભાઈ દરજી (રહે. એ-52 શાંતિનગર સોસાયટી, કલીકુંડ, ધોળકા) હતી. જયારે અન્ય બે મહિલા વડોદરા જિલ્લાના પાદરા ખાતેથી આવી હતી. જે પૈકીની એક મહિલાનો ગર્ભપાત કરાવી દીધો હોવાથી સ્થળ પરથી મળી આવેલા મૃત ભ્રૂણને પૂરાવારૂપે કબજે લેવાયું હતું. આ ઉપરાંત હેમલતા દરજી પાસેથી એક મોબાઈલ ફોન પર જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે બાવળા પોલીસ સ્ટેશન (Bavla Police Station) ખાતે ત્રણેય મહિલાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગેરકાયદે ગર્ભપાત કરાવનારી મહીલાને સોલા સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવી છે. સારવાર પૂર્ણ થયા બાદ મહિલા અને તેની નણંદની પોલીસ ધરપકડ કરશે.
આ પણ વાંચો -ભ્રષ્ટ અધિકારી સામે લાંચની માગણીનો ગુનો નોંધવામાં Gujarat ACB ને સાડા 6 વર્ષ કેમ લાગ્યા ?
હેમલતા કેવી રીતે ચલાવતી હતી Abortion Scam ?
ચાલીસેક વર્ષની હેમલતા દરજી તેના પરિવાર સાથે ધોળકા ખાતે રહે છે. નર્સિંગનો કોર્સ કરનારી હેમલતા છેલ્લાં દસ-બાર વર્ષથી અમદાવાદ જિલ્લામાં આવેલી અલગ-અલગ હૉસ્પિટલના ગાયનેક વિભાગમાં કામ કરી ચૂકી છે. હાલમાં હેમલતા બાવળાની બ્રિંદ્રા વિમેન્સ હૉસ્પિટલ (Brinda Women's Hospital) માં 8 હજારના માસિક પગારથી નર્સની નોકરી કરતી હતી. પ્રાથમિક પૂછપરછમાં હેમલતાએ જણાવ્યું છે કે, છેલ્લાં ત્રણેક વર્ષથી હૉસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ તેમના સંબંધીઓનો સંપર્ક કરીને Abortion Scam ચલાવતી હતી. મહિને બેએક ગર્ભપાત કરાવતી અને જેવો દર્દી તેવી રકમ એમ 10 થી 25 હજાર રૂપિયા મેળવતી હતી. હૉટલ પનામા એન્ડ ગેસ્ટ હાઉસમાં અગાઉ પણ બે-અઢી હજાર રૂપિયા ચૂકવી રૂમ ભાડે રાખીને બહારગામથી આવેલા મહિલા દર્દીઓનો ગર્ભપાત કરાવ્યો છે. સ્થાનિક દર્દીઓના ઘરે જઈને હેમલતા ગર્ભપાત કરાવતી હતી.
Abortion Scam માં અન્ય આરોપીઓની સંડોવણી
Gujarat First સાથેની વાતચીતમાં અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે (Om Prakash Jat) જણાવ્યું છે કે, આ મામલામાં અન્ય આરોપીઓની સંડોવણી સામે આવી હોવાથી તેમની પણ ધરપકડ કરાશે. હેમલતા અને તેના મળતીયાઓ ભ્રૂણ પરિક્ષણ કરીને દીકરીઓને જન્મ પહેલાં જ મોતને ઘાટ ઉતારી દેતા હતા. Abortion Scam માં ભ્રૂણ પરિક્ષણ કરનારા ડૉક્ટર/સ્ટાફની સંડોવણી પણ તપાસમાં સામે આવી છે.