PAKISTANI UNIVERSITY માં ૐ નમો :ભગવતે વાસુદેવાય! 77 વર્ષ બાદ દેવવાણી SANSKRIT ગુંજી
. પાકિસ્તાની યૂનિવર્સિટી (PAKISTANI UNIVERSITY) માં સંસ્કૃત ભાષા સત્તાવાર રીતે અભ્યાસક્રમનો ભાગ બની
. પાકિસ્તાનમાં ભાષાકીય વારસાને લઈને બદલાઈ રહ્યો છે બૌદ્ધિક માહોલ
. દક્ષિણ એશિયામાં ભાષાઓ દીવાલ નહીં, પણ પુલ બનવાનું કામ કરે તેવી ભાવના
લાહોર : પાકિસ્તાનની વિખ્યાત લાહોર યૂનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS)ના ક્લાસરુમમાં હાલના દિવસોમાં એક એવી ભાષા ગુંજી રહી છે કે જેને સાંભળીને પહેલા તો વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે. ભાગલા સાથેની સ્વતંત્રતાના 77 વર્ષ બાદ પહેલીવાર ઈસ્લામિક પ્રજાસત્તાક પાકિસ્તાનમાં સંસ્કૃત ભાષા સત્તાવાર રીતે યૂનિવર્સિટીના અભ્યાસક્રમનો ભાગ બની ગઈ છે. આ દેવવાણી ગણાતી સંસ્કૃત (SANSKRIT) ભાષાને ભારતમાં સહસ્ત્રાબ્દિઓથી ભણાવાય રહી છે. ભાગલા બાદ પાકિસ્તાનમાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવામાં કોઈ રસ દાખવવામાં આવ્યો ન હતો. જો કે આજના પાકિસ્તાનમાં તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃત સહીતના વિષયોનો સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. સંસ્કૃતનું વ્યાકરણ આપનારા પાણિનીની જન્મભૂમિ પણ આજના પાકિસ્તાનમાં છે. પણ ભાગલા બાદ અહીં સંસ્કૃત ભાષા ભણાવવામાં આવતી ન હતી.
પણ હવે પાકિસ્તાની વિદ્યાર્થીઓ ખૂબ શોખ અને જિજ્ઞાસાથી તેને શીખી રહ્યા છે. માત્ર એક વીકેન્ડ વર્કશૉપમાં શરુ થયેલી આ યાત્રા હવે ચાર ક્રેડિટવાળા પૂર્ણ અભ્યાસક્રમ સુધી પહોંચી ચુકી છે અને આગળ મહાભારત તથા શ્રીમદ ભગવદ ગીતાના અલગ અભ્યાસક્રમ પણ આવવાના છે.
એક અખબારના અહેવાલ મુજબ, LUMS હવે મહાભારત અને ભગવદ ગીતા પર પણ અલગ અભ્યાસક્રમ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. ગુરમાની સેન્ટરના ડાયરેક્ટર ડૉ. અલી ઉસ્માની કાસમી (PAKISTANI UNIVERSITY) કહે છે કે આશા છે કે આનાથી નવી દિશા પ્રાપ્ત થશે. 10-15 વર્ષમાં પાકિસ્તાનમાં પેદા થયેલા અને ઉછરેલા ગીતા-મહાભારતના પોતાના વિદ્વાનો જોવા મળશે. તેમણે આગળ જણાવ્યું છે કે શરુઆતમાં માત્ર વીકેન્ડ પ્રોગ્રામ હતો, જે વિદ્યાર્થીઓ, સંશોધકો, વકીલોથી લઈને સામાન્ય લોકો સુધી સૌના માટે ખુલ્લો હતો. પ્રતિસાદ જોઈને તેને નિયમિત ડિગ્રી કૉર્સ બનાવી દેવામાં આવ્યો. હવે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, પરંતુ આગામી કેટલાક વર્ષોમાં તેના વિસ્તરવાની પુરેપુરી આશા છે. આદર્શપણે 2027ની વસંત ઋતુ સુધી અમે તેને એક વર્ષનો પૂર્ણ અભ્યાસક્રમ બનાવી દઈશું.
ડૉ. કાસમીએ આગળ જણાવ્યું છે કે પંજાબ યૂનિવર્સિટી લાઈબ્રેરીમાં પાકિસ્તાનના સૌથી સમૃદ્ધ, પરંતુ સૌથી ઓછું વાંચવામાં આવેલા સંસ્કૃત અભિલેખાગારોમાંથી એક અસ્તિત્વમાં છે. 1930ના દશકમાં વિદ્વાન જેસીઆર વૂલનરે તાડપત્રો પર લખેલી સેંકડો પાંડુલિપિઓની યાદી તૈયાર કરી હતી. પરંતુ 1947 બાદ કોઈપણ પાકિસ્તાની શિક્ષાવિદ્દે આ સંગ્રહનો સ્પર્શ સુદ્ધા કર્યો નથી. માત્ર વિદેશી સંશોધકો જ તેનો ઉપયોગ કરતા રહ્યા છે. હવે સ્થાનિક વિદ્વાનોને પ્રશિક્ષિત કરીને અમે આ પરિસ્થિતિને બદલવા ઈચ્છીએ છીએ.
શાસ્ત્રીય ભાષાઓ (SANSKRIT) માં માણસાઈનો જ્ઞાનસંગ્રહ
જણાવવામાં આવે છે કે આ સમગ્ર પ્રયાસના કેન્દ્રમાં ખ્રિશ્ચિયન કૉલેજના સોશયોલોજીના એસોસિયેટ પ્રોફેસર ડૉ. શાહિદ રશીદ છે. તેમનો સંસ્કૃતમાં રસ LUMSના સંપર્ક કરવાથી પહેલેથી હતો. તેઓ જણાવે છે કે શાસ્ત્રીય ભાષાઓમાં માણસાઈનું ઘણું મોટું જ્ઞાન છૂપાયેલું છે. હું પહેલા અરબી-ફારસી શીખતો રહ્યો, પછી સંસ્કૃત તરફ આવ્યો. સ્થાનિક શિક્ષકો અને પુસ્તકો નહીં હોવાના કારણે ઑનલાઈન કોર્સ કર્યો અને કેમ્બ્રિજના સંસ્કૃત ભાષાના વિદુષી એન્ટોનિયો રુપેલ અને ઓસ્ટ્રેલિયાના ઈન્ડોલૉજિસ્ટ મેકકોમાસ ટેલર પાસેથી માર્ગદર્શન લીધું. તેમણે આગળ જણાવ્યું કે શાસ્ત્રીય SANSKRIT વ્યાકરણ સમજવામાં મને આખું એકવર્ષ લાગ્યું અને હું આજે પણ શીખી રહ્યો છું.
જણાવવામાં આવે છે કે ડૉ. કાસમીને બોલાવવા પર ડૉ. રશીદે FC કોલેજમાંથી રજા લીધી અને LUMSમાં ભણવા લાગ્યા. તેઓ કહે છે કે હું મુખ્યત્વે વ્યાકરણ ભણાવું છું. જ્યારે હું સુભાષિત ભણાવતો હતો, તો ઘણાં વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે ઉર્દૂના આટલા શબ્દ સંસ્કૃતથી આવ્યા છે. કેટલાકને તો એ પણ ખબર ન હતી કે સંસ્કૃત હિંદીથી અલગ ભાષા છે. પહેલા સપ્તાહે તેમને કઠિન લાગી, પરંતુ જેવી તેની તાર્કિક સંરચના સમજાઈ, મજા આવવા લાગી. ડૉ. રશીદે કહ્યુ છે કે આધુનિક ભાષાઓ શાસ્ત્રીય પરંપરાઓથી જ નીકળી છે. તેની વચ્ચે બસ એક પાતળો પડદો છે. પડદો હટાવો તો સમજાય છે કે સૌ આપણી પોતીકી છે.
PAKISTANI UNIVERSITY માં પરિવર્તિત થઈ રહ્યો છે ભાષાકીય માહોલ
ડૉ. કાસમીએ જણાવ્યુ છે કે આ અભ્યાસક્રમ યૂનિવર્સિટી(PAKISTANI UNIVERSITY)ના મોટા ભાષાકીય વાતાવરણનો ભાગ છે, જેમાં સિંધી, પશ્તો, પંજાબી, બલોચી, અરબી અને ફારસી પહેલેથી ભણાવાય રહી છે. તેમણે કહ્યુ કે અમે માનીએ છીએ કે આ અદભૂત વારસો, પાકિસ્તાની-ભારતીય સંયુક્ત વારસો છે. આપણું ઘણું બધું સાહિત્ય, શાયરી, કળા અને દર્શન વૈદિકકાળ સાથે જોડાયેલું છે. ઘણાં ઈતિહાસકારો માને છે કે વેદોની રચના આ જમીન પર થઈ હતી. તેવામાં મૂળ ભાષામાં શાસ્ત્રીય ગ્રંથો વાંચવા વધુ જરૂરી બની જાય છે.
રાજનીતિક સંવેદનાઓ છતાં બંને વિદ્વાનો માને છે કે બૌદ્ધિક માહોલ બદલાઈ રહ્યો છે. ડૉ. રશીદ કહે છે કે જો આપણે ઈચ્છીએ છીએ કે લોકો એકબીજાની નજીક આવ્યા તો આપણે આપણી સમૃદ્ધ શાસ્ત્રીય પરંપરાઓને સમજવી અને અપનાવવી પડશે. વિચારો, જો ભારતમાં વધારે હિંદુ-શીખ અરબી શીખવા લાગે અને પાકિસ્તાનમાં વધુ મુસ્લિમો સંસ્કૃત ભણવા લાગે તો દક્ષિણ એશિયા માટે આ કેટલી સુંદર અને આશા ભરેલી શરૂઆત હશે, જ્યાં ભાષાઓ દીવાલો ન બનીને પુલ બને. તેમણે આગળ કહ્યુ છે કે સંસ્કૃત એક પહાડ જેવી છે, સાંસ્કૃતિક સ્મારક. તેને અપનાવવી જોઈએ. આ આપણી પણ છે, કોઈ એક મજહબની નથી.
આ પણ વાંચો :પ્રકાશ પર્વ Diwali ને મળી વૈશ્વિક માન્યતા : યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે કરી જાહેર