ઓમર અબ્દુલ્લાએ યુદ્ધવિરામને આવકાર્યો, અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત પહોંચાડવા આદેશ
- ડીજીએમઓ સ્તરની બેઠક 12 મેના રોજ બપોરે 12 વાગ્યે યોજાશે
- જમ્મુ કશ્મીરના સીએમ એ નિર્ણયને આવકાર્યો
- અસરગ્રસ્તો માટે રાહતકાર્યમાં તેજી તાવવા માટે મુખ્યમંત્રીની ટકોર
J&K : જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી (J&K CM) ઓમર અબ્દુલ્લાએ શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે. જે બાદ તેમણે રાજ્ય વહીવટીતંત્રને અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક રાહત પૂરી પાડવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, જો આ યુદ્ધવિરામ 2-3 દિવસ પહેલા થયો હોત તો ઘણા લોકોના જીવ બચાવી શક્યા હોત. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતીય ડીજીએમઓને ફોન કરીને યુદ્ધવિરામ માટે સંમતિ આપી છે અને તેનો અમલ સાંજે 5 વાગ્યાથી કરવામાં આવ્યો છે. ઓમર અબ્દુલ્લાએ જિલ્લા અધિકારીઓને તાત્કાલિક નુકસાનની સમીક્ષા કરવા અને સરકારને રિપોર્ટ મોકલવાનો નિર્દેશ આપ્યો છે, જેથી વળતર ચૂકવણી સાથે રાહત કાર્ય જલ્દી શરૂ થઈ શકે.
જમીન, હવા અને સમુદ્રથી થતી તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમતિ સાધી
મુખ્યમંત્રીએ ઘાયલોને સારવાર અને સરકારી યોજનાઓ હેઠળ રાહત આપવાનું સૂચન કર્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે યુદ્ધવિરામ પછી હવાઈ સેવાઓ ફરી શરૂ થશે. આ પહેલા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે, પાકિસ્તાનના ડીજીએમઓએ બપોરે 3:35 વાગ્યે ભારતીય ડીજીએમઓને ફોન કર્યો હતો અને બંને દેશો વચ્ચે જમીન, હવા અને સમુદ્રથી થતી તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમતિ સાધી હતી. જેનો સાંજે 5 વાગ્યાથી અમલમાં આવ્યો. આગામી ડીજીએમઓ સ્તરની બેઠક 12 મેના રોજ બપોરે 12 વાગ્યે યોજાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફની પ્રશંસા કરી
આ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારત હંમેશા આતંકવાદ સામે કડક વલણ ધરાવે છે અને રાખતુ રહેશે. બંને દેશોએ આજે લશ્કરી કાર્યવાહી રોકવા માટે પરસ્પર સહમતિ દર્શાવી છે. આ અંગે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ કરાશે. તેમણે શાંતિનો માર્ગ પસંદ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફની પ્રશંસા કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 7 મેના રોજ ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું અને પાકિસ્તાનની અંદર 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો તે વળતો જવાબ હતો.
આ પણ વાંચો --- 'ઇસ્લામાબાદની રક્ષણાત્મક ક્ષમતાઓનો સફાયો કરાયો' : કર્નલ સોફિયા કુરેશી