NSGના 41મા સ્થાપના દિવસે ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત,અયોધ્યામાં NSG ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવશે
- NSG: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત
- NSGના 41 સ્થાપના દિવસે ગૃહમંત્રીએ કરી મોટી જાહેરાત
- દેશમાં NSG તાલીમ કેન્દ્ર ખોલવામાં આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ( Amit shah) નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના 41મા સ્થાપના દિવસ નિમિત્તે ગુરુગ્રામમાં એક મોટી જાહેરાત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા અને સૈનિકોને સઘન તાલીમ આપવાના હેતુથી દેશનું છઠ્ઠું NSG તાલીમ કેન્દ્ર ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ખોલવામાં આવશે. અગાઉ ચેન્નાઈ, કોલકાતા, મુંબઈ, જમ્મુ અને હૈદરાબાદમાં આવા તાલીમ કેન્દ્રો કાર્યરત છે.ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે બપોરે માનેસર કેમ્પસ ખાતે NSGના 41મા સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે NSGની સ્થાપના થઈ ત્યારથી જ તે દેશની સુરક્ષામાં અગ્રેસર છે અને અનેક મોરચે સફળતા મેળવી છે.
NSGના 41 સ્થાપના દિવસે ગૃહમંત્રીએ કરી મોટી જાહેરાત
નોંધનીય છે કે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન અક્ષરધામ, મુંબઈ હુમલા અને ઓપરેશન સિંદૂર જેવા મહત્વના ઓપરેશન્સ દરમિયાન NSG કમાન્ડોએ દેશની સુરક્ષામાં અમૂલ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 'ઓપરેશન સિંદૂર'એ સાબિત કરી દીધું કે હવે ભારતમાં આતંકવાદનું કોઈ સ્થાન નથી. તેમણે ચેતવણી આપી કે ભારત વિરુદ્ધ જ્યાં પણ હુમલાની યોજનાઓ ઘડવામાં આવશે તે તમામ આતંકવાદી સેન્ટરનો સફાયો કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરમાં આતંકવાદીના ટ્રેનિંગ સેન્ટરનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. આનાથી સમગ્ર વિશ્વને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે આતંકવાદને આશ્રય આપનારાઓને બક્ષવામાં આવશે નહીં.
અયોધ્યામાં NSG તાલીમ સેન્ટર ખોલવામાં આવશે
ઉલ્લેખનીય છે કે અમિત શાહે NSGની ચાર દાયકાની સફરની પ્રશંસા કરતાં કહ્યું કે તેણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને હવે તે નવી સીમાઓ તરફ આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે NSGએ ભારતના સંવેદનશીલ સ્થળોનો ડેટા બેંક તૈયાર કર્યો છે, જેથી મહત્વના સમયે સુરક્ષા માટેની તમામ જરૂરી માહિતી ઉપલબ્ધ થઈ શકે. મહા કુંભ મેળો હોય કે પુરી રથયાત્રા, NSGના જવાનો દરેક મોરચે સુરક્ષાનું પ્રતીક બની ગયા છે.તેમણે ઉમેર્યું કે આગામી વર્ષોમાં NSGને વધુ આધુનિક બનાવવામાં આવશે. રાષ્ટ્રની સુરક્ષાની સાથે, NSGના જવાનોએ દેશભરમાં ૬૫ મિલિયન વૃક્ષો વાવીને અને પોતાના બાળકોની જેમ ઉછેરીને પર્યાવરણ સુરક્ષામાં પણ યોગદાન આપ્યું છે. તેમણે સ્થાપના દિવસ નિમિત્તે તમામ સૈનિકો, અધિકારીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુરુગ્રામમાં સ્પેશિયલ ઓપરેશન્સ ટ્રેનિંગ સેન્ટરનો શિલાન્યાસ
આ પ્રસંગે ગૃહમંત્રીએ ગુરુગ્રામ સ્થિત NSG મુખ્યાલય ખાતે સ્પેશિયલ ઓપરેશન્સ ટ્રેનિંગ સેન્ટર (SOTC) નો શિલાન્યાસ પણ કર્યો હતો. આ SOTC આઠ એકર જમીન પર ₹141 કરોડના ખર્ચે બનાવવામાં આવશે અને તે દેશભરના કમાન્ડો તથા આતંકવાદ વિરોધી ટુકડીઓને અત્યાધુનિક તાલીમ પૂરી પાડશે.