ONE NATION ONE ELECTION મુદ્દે JPC ની મહત્વની બેઠક મળશે, 11 જુલાઇ પર સૌની નજર
- બહુચર્ચિત વન નેશન, વન ઇલેક્શન લાગુ કરવાની દિશામાં ડગ મંડાશે
- 11 જુલાઇના રોજ સંસદની સંયુક્ત સમિતિની મહત્વની બેઠક મળશે
- આ બેઠકમાં દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સહિતના અગ્રણીઓ હાજર રહેશે
ONE NATION ONE ELECTION : દેશભરમાં એકસાથે ચૂંટણીઓ યોજવાની યોજના 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' (ONE NATION ONE ELECTION) પર વિચાર કરવા માટે રચાયેલી સંસદની સંયુક્ત સમિતિ (JPC) ની આગામી મહત્વપૂર્ણ બેઠક 11 જુલાઈના રોજ યોજાશે. બેઠકમાં સુપ્રીમ કોર્ટના બે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ (EX CJI CHANDRACHUD) અને જસ્ટિસ જેએસ ખેહર સમિતિના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરશે. આ બેઠક નવી દિલ્હી સ્થિત સંસદ ભવન એનેક્સી ખાતે યોજાશે. આ બેઠકનો ઉદ્દેશ્ય 'બંધારણ (129 મો સુધારો) બિલ, 2024' અને 'કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બિલ, 2024' પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાનો છે, જે દેશમાં સમાન અને એકસાથે ચૂંટણીઓ કરાવવા તરફ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ બેઠકમાં ભાગ લેનારા અન્ય અગ્રણી નિષ્ણાતોમાં રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને કાયદા અને ન્યાય અંગેની સંસદીય સ્થાયી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. ઈએમ સુદર્શન નાચિયાપ્પનનો સમાવેશ થશે. ઉપરાંત કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી, બીજા વહીવટી સુધારા આયોગના અધ્યક્ષ અને સંસદની નાણાં સમિતિના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા ડૉ. વીરપ્પા મોઇલી પણ સમિતિ સાથે ચર્ચા-વિચારણા કરશે અને પોતાના સૂચનો આપશે.
પૂર્વ ન્યાયાધીશો અને નિષ્ણાતો જોડે પરામર્શ કરવામાં આવ્યો
JPC અધ્યક્ષ પીપી ચૌધરીએ અગાઉ વિવિધ રાજ્યોમાં લોકો અને નિષ્ણાતોને મળ્યા હતા અને 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ના મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ (કેન્દ્રશાસિત પ્રદેશ) ની મુલાકાત લીધી અને સ્થાનિક હિસ્સેદારો સાથે ચર્ચા કરી હતી. દિલ્હીમાં પણ યોજાયેલી બેઠકોમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત, રંજન ગોગોઈ અને દેશની વિવિધ ઉચ્ચ અદાલતોના પૂર્વ ન્યાયાધીશો અને નિષ્ણાતો જોડે પરામર્શ કરવામાં આવ્યો હતો.
QR કોડની સુવિધા પણ હશે
પીપી ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, સમિતિની પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક બનાવવા માટે એક વેબસાઇટ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં QR કોડની સુવિધા પણ હશે. આ વેબસાઇટ દ્વારા દેશના તમામ નાગરિકો, નિષ્ણાતો, સંગઠનો અને અન્ય હિસ્સેદારો તેમના સૂચનો સીધા સમિતિને મોકલી શકશે. તેમણે ઉમેર્યું કે, ટેકનિકલ કારણોસર, વેબસાઇટને ક્રેશ-મુક્ત બનાવવામાં થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ તેને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તેમાં બધી ભારતીય ભાષાઓમાં જાહેરાતો પ્રકાશિત કરવામાં આવશે, જેથી દરેક નાગરિકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની તક મળે.
બધા નેતાઓ દેશ માટે વિચારે છે
ચૌધરીએ એમ પણ કહ્યું કે, સમિતિમાં ભલે અલગ અલગ મંતવ્યો હોઈ શકે, પરંતુ આખરે બધા સભ્યો રાષ્ટ્રીય હિતમાં એકમત રહેશે. કારણ કે આ મુદ્દો દેશના લોકશાહી ભવિષ્ય સાથે સંબંધિત છે. તેમણે પુનરોચ્ચાર કરતા જણાવ્યું કે, બધા નેતાઓ દેશ માટે વિચારે છે અને જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે તેઓ એકસાથે આવશે અને આ ઐતિહાસિક નિર્ણય પર સંમત થશે.
આ પણ વાંચો ---- SCO SUMMIT : રક્ષામંત્રી રાજનાથ સિંહએ 'સંયુક્ત નિવેદન' પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો