Online betting case: ED મની લોન્ડરિંગ મામલે ક્રિકેટરો-અભિનેતાઓની કરોડોની સંપત્તિ જપ્ત કરવાની તૈયારીમાં
- Online betting case માં ED મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં
- તપાસ એજન્સી PMLA હેઠળ જપ્તી આદેશ બહાર પાડશે
- ED એ આ તપાસના ભાગરૂપે ઘણા ક્રિકેટરો અને અભિનેતાઓની પૂછપરછ કરી છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક મોટા ઑનલાઇન સટ્ટાબાજી અને ગેમિંગ પ્લેટફોર્મ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કેટલાક જાણીતા ક્રિકેટરો અને અભિનેતાઓની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત (Attach) કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, '1xBet' નામના પોર્ટલની તપાસમાં જાણવા મળ્યું છે કે આ સેલિબ્રિટીઝે તેમને મળેલા એન્ડોર્સમેન્ટ ફી (Endorsement Fee) નો ઉપયોગ વિવિધ પ્રકારની સંપત્તિઓ ખરીદવા માટે કર્યો હતો. જેને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ "ગુનાહિત કાર્યવાહીમાંથી મળેલી આવક" ગણવામાં આવી છે.
Online betting case માં ED સંપત્તિ જપ્ત કરશે
નોંધનીય છે કે ફેડરલ તપાસ એજન્સી ટૂંક સમયમાં જ PMLA હેઠળ કામચલાઉ જપ્તી આદેશ (Provisional Attachment Order) બહાર પાડશે, જેના દ્વારા આ જંગમ અને સ્થાવર સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. આમાં યુએઈ (UAE) જેવા વિદેશી દેશોમાં આવેલી કેટલીક સંપત્તિઓનો પણ સમાવેશ થાય છે. EDનું લક્ષ્ય એ છે કે ગુનાહિત કૃત્ય દ્વારા કમાયેલી આવકનો લાભ કોઈ વ્યક્તિ ન લઈ શકે. આદેશ જારી થયા પછી, તેને PMLA હેઠળ ન્યાયનિર્ણય સત્તામંડળ (Adjudicating Authority) પાસે મોકલવામાં આવશે, જ્યાંથી મંજૂરી મળ્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
Online betting case માં અભિનેતા-અને ક્રિકટરો ની કરાઇ હતી પુછપરછ
છેલ્લા કેટલાક સપ્તાહોમાં ED એ આ તપાસના ભાગરૂપે ઘણા ક્રિકેટરો અને અભિનેતાઓની પૂછપરછ કરી છે. આ સેલિબ્રિટીઝમાં ક્રિકેટર યુવરાજ સિંહ, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા અને શિખર ધવન તેમજ અભિનેતા સોનુ સૂદ, મિમી ચક્રવર્તી (પૂર્વ TMC સાંસદ અને અભિનેત્રી) અને અંકુશ હાજરા (બંગાળી સિનેમા) નો સમાવેશ થાય છે. આ તમામ વ્યક્તિઓના નિવેદનો PMLAની કલમ 50 હેઠળ નોંધવામાં આવ્યા છે. ED એ તેમને એન્ડોર્સમેન્ટ માટે મળેલા વ્યવહારો અને ખાતાના નિવેદનો રજૂ કરવા જણાવ્યું છે, અને તેઓને એ પણ પૂછવામાં આવ્યું છે કે શું તેઓ જાણતા હતા કે ભારતમાં ઑનલાઇન સટ્ટાબાજી ગેરકાયદેસર છે.